ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ને માહિતીનો અધિકાર કાયદા (RTI)ના દાયરામાં લાવવાની માંગને કેન્દ્રીય માહિતી આયોગ (CIC)એ ફગાવી દીધી છે. આયોગે પોતાના મહત્વપૂર્ણ નિર્ણયમાં સ્પષ્ટ કર્યું છે કે BCCI ને RTI કાયદા હેઠળ “પબ્લિક ઓથોરિટી” તરીકે ગણાવી શકાય નહીં, કારણ કે બોર્ડ પર સરકારની માલિકીનો હક નથી, સરકાર તેનો સીધું નિયંત્રણ કરતી નથી અને તેને સરકાર તરફથી પૂરતી નાણાકીય સહાય પણ મળતી નથી.
આ નિર્ણય પછી ફરી એકવાર દેશની સૌથી પ્રભાવશાળી રમતગમત સંસ્થા BCCI ની પારદર્શિતા અને જવાબદારી અંગે ચર્ચા તેજ બનવાની શક્યતા છે. વર્ષોથી BCCI ની કાર્યપદ્ધતિ, નાણાકીય વ્યવસ્થા અને પ્રશાસન અંગે પ્રશ્નો ઉઠતા રહ્યા છે.
કયા મામલે આવ્યો નિર્ણય
આ સમગ્ર મામલો એક RTI અરજી સાથે જોડાયેલો હતો જેમાં પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે BCCI કયા કાયદાકીય પ્રાવધાન અને અધિકાર હેઠળ ભારતનું પ્રતિનિધિત્વ કરે છે અને રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ટૂર્નામેન્ટ માટે ખેલાડીઓની પસંદગી કરે છે.
અરજદારનો દાવો હતો કે જ્યારે BCCI ભારતીય ક્રિકેટ ટીમનું સંચાલન કરે છે અને આંતરરાષ્ટ્રીય મંચ પર દેશનું પ્રતિનિધિત્વ કરે છે, ત્યારે તેની જવાબદારી પણ જાહેર સંસ્થાઓ જેવી હોવી જોઈએ. આ અરજી પર સુનાવણી કર્યા બાદ કેન્દ્રીય માહિતી આયોગે BCCIના કાયદાકીય માળખાની સમીક્ષા કરી હતી.
કેન્દ્રીય માહિતી આયુક્ત પી.આર. રમેશે પોતાના આદેશમાં જણાવ્યું હતું કે BCCI એક ખાનગી અને સ્વાયત્ત સંસ્થા છે, જે તમિલનાડુ સોસાયટીઝ રજિસ્ટ્રેશન એક્ટ હેઠળ નોંધાયેલ છે. આયોગે નોંધ્યું કે BCCIનું ગઠન ન તો ભારતીય બંધારણ હેઠળ થયું છે, ન તો સંસદ કે રાજ્ય વિધાનસભાના કાયદા દ્વારા કરવામાં આવ્યું છે અને ન જ કોઈ સરકારી ગેઝેટ નોટિફિકેશન દ્વારા તેની રચના કરવામાં આવી છે.
RTI કાયદાની કલમ 2(h)નો ઉલ્લેખ
આયોગે પોતાના નિર્ણયમાં RTI એક્ટની કલમ 2(h)નો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે કોઈપણ સંસ્થાને “પબ્લિક ઓથોરિટી” ગણાવવા માટે સરકારનું માલિકી હક, નિયંત્રણ અથવા સરકારી નાણાકીય સહાય મહત્વપૂર્ણ માપદંડ હોય છે. BCCI આ માપદંડોને પૂર્ણ કરતું નથી.
આદેશમાં જણાવાયું હતું કે:
“RTI એક્ટની કલમ 2(h) હેઠળ BCCIને જાહેર સત્તા તરીકે માન્ય ગણાવી શકાય નહીં. તેથી RTI કાયદાની જોગવાઈઓ BCCI પર લાગુ પડતી નથી.”
આયોગે વધુમાં કહ્યું કે માત્ર ભારતીય ક્રિકેટ ટીમનું સંચાલન કરવું અથવા આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્પર્ધાઓમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવું એ કોઈ સંસ્થાને આપમેળે જાહેર સત્તા બનાવી દેતું નથી.
અગાઉ પણ ઉઠ્યા હતા પારદર્શિતાના પ્રશ્નો
BCCIની પારદર્શિતા અને પ્રશાસન અંગે અગાઉ પણ અનેક વખત સવાલો ઉઠી ચૂક્યા છે. ખાસ કરીને સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત લોઢા સમિતિએ BCCIમાં મોટા પ્રમાણમાં સુધારા કરવાની ભલામણ કરી હતી. સમિતિએ હિતોના ટકરાવ, નાણાકીય પારદર્શિતા અને પ્રશાસનિક જવાબદારી જેવા મુદ્દાઓ પર ગંભીર ચિંતાઓ વ્યક્ત કરી હતી.
સુપ્રીમ કોર્ટે પણ સમયાંતરે BCCIના ગવર્નન્સ મોડલમાં સુધારા અમલમાં મૂકવા માટે કડક વલણ અપનાવ્યું હતું. જોકે, RTI હેઠળ લાવવાના મુદ્દે હજુ સુધી કોઈ અંતિમ કાનૂની સ્થિતિ ઉભી થઈ શકી નથી.
કાયદાકીય નિષ્ણાતોના મતે BCCI ભલે ખાનગી સંસ્થા હોય, પરંતુ ભારતીય ક્રિકેટ પર તેનો લગભગ સંપૂર્ણ નિયંત્રણ છે. બોર્ડ ભારતીય ટીમની પસંદગી કરે છે, ICCમાં ભારતનું પ્રતિનિધિત્વ કરે છે અને હજારો કરોડ રૂપિયાના નાણાકીય વ્યવહારો સંભાળે છે. તેથી પારદર્શિતા અને જવાબદારી અંગે પ્રશ્નો સતત ઉઠતા રહે છે.
આ પણ વાંચો: 15 વર્ષના વૈભવ સૂર્યવંશીનો વિસ્ફોટક રેકોર્ડ! : અભિષેક શર્માને પછાડી IPLમાં રચ્યો નવો ઇતિહાસ! સિક્સરોનો વરસાદ કરી મચાવી ધૂમ
પારદર્શિતા સામે સ્વાયત્તતાની ચર્ચા ફરી તેજ
CICના આ નિર્ણય બાદ ફરી એકવાર ચર્ચા શરૂ થઈ છે કે દેશની સૌથી લોકપ્રિય રમતનું સંચાલન કરતી સંસ્થાને જાહેર જવાબદારીના દાયરામાં લાવવી જોઈએ કે નહીં. RTI સમર્થકોનું માનવું છે કે BCCIનો પ્રભાવ માત્ર ખાનગી સંસ્થા પૂરતો સીમિત નથી, પરંતુ તેનો સીધો સંબંધ જાહેર હિત સાથે જોડાયેલો છે.
બીજી તરફ BCCI વર્ષોથી દલીલ કરતું આવ્યું છે કે બોર્ડ સરકારની નાણાકીય સહાય પર આધારિત નથી અને પોતાની આવક જાતે ઊભી કરે છે. તેથી તેને સરકારી સંસ્થાઓ જેવી બાંહેધરીઓ હેઠળ લાવવી યોગ્ય નથી.






