CSK vs SRH: IPL 2026ની સૌથી ચર્ચિત મેચોમાંથી એક આજે ચેન્નઈના ઐતિહાસિક ચેપોક સ્ટેડિયમમાં રમાવાની છે, જ્યાં પાંચ વખતની ચેમ્પિયન ચેન્નઈ સુપર કિંગ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ આમને-સામને આવશે. પરંતુ આ મેચ માત્ર પ્લેઓફની રેસ માટે જ મહત્વપૂર્ણ નથી. સમગ્ર ક્રિકેટ જગતની નજર મહેન્દ્રસિંહ ધોની પર ટકેલી છે. પૂર્વ ભારતીય સ્પિનર રવિચંદ્રન અશ્વિનના એક નિવેદન બાદ એવી અટકળો તેજ બની છે કે શું આજે ધોની પીળી જર્સીમાં છેલ્લી વખત મેદાનમાં જોવા મળશે?
અશ્વિનના નિવેદનથી સોશિયલ મીડિયા પર મચ્યો હોબાળો
સીઝનની શરૂઆત પહેલા જ ચેન્નઈ સુપર કિંગ્સે જાહેરાત કરી હતી કે મહેન્દ્રસિંહ ધોની પગની ઈજાને કારણે શરૂઆતની કેટલીક મેચો નહીં રમી શકે. જોકે, સમય જતાં ધોનીની વાપસી અંગે સસ્પેન્સ વધતું ગયું. હવે ટીમ ઈન્ડિયાના પૂર્વ સ્પિનર રવિચંદ્રન અશ્વિને પોતાના યુટ્યુબ ચેનલ પર આપેલા નિવેદનથી ચાહકોમાં નવી આશા જગાવી છે.
અશ્વિને કહ્યું કે, “મને લાગે છે કે ધોની સનરાઇઝર્સ હૈદરાબાદ સામે રમવાની સારી સંભાવના છે. મેં જે સાંભળ્યું છે તેના મુજબ તે છેલ્લી 2-3 મેચ માટે તૈયાર છે.” આ નિવેદન બહાર આવતા જ સોશિયલ મીડિયા પર #DhoniReturn ટ્રેન્ડ થવા લાગ્યું. ચાહકો ચેપોકમાં ધોનીની એક ઝલક જોવા આતુર બન્યા છે.
ધોનીનું જૂનું વચન ફરી ચર્ચામાં
આ મેચને વધુ ભાવનાત્મક બનાવતી એક મોટી બાબત ધોનીનું જૂનું નિવેદન છે. IPL 2021માં ચેન્નઈને ચેમ્પિયન બનાવ્યા બાદ ધોનીએ કહ્યું હતું કે, “મારી છેલ્લી T20 મેચ ચેન્નઈમાં રમાય તેવી આશા છે.”
હવે લગભગ પાંચ વર્ષ બાદ ફરી એકવાર ચેપોકમાં CSKની મહત્વપૂર્ણ મેચ રમાઈ રહી છે અને ધોની આખી સીઝનથી મેદાનથી દૂર રહ્યો છે. આવી સ્થિતિમાં ચાહકો માની રહ્યા છે કે કદાચ આ મેચ ધોનીના કરિયરનો અંતિમ અધ્યાય બની શકે. જોકે, CSK મેનેજમેન્ટ અથવા ધોની તરફથી નિવૃત્તિ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
જો ધોની આજે રમે છે તો તે વિકેટકીપર-બેટ્સમેન તરીકે ટીમમાં સામેલ થઈ શકે છે. તેની ફિટનેસને ધ્યાનમાં રાખીને તેને ફિનિશર અથવા ઇમ્પેક્ટ પ્લેયર તરીકે પણ ઉપયોગમાં લેવાય તેવી શક્યતા છે.
પ્લેઓફ માટે બંને ટીમ માટે ‘કરો અથવા મરો’ જેવી સ્થિતિ
આજની મેચ પોઇન્ટ્સ ટેબલના દ્રષ્ટિકોણથી પણ અત્યંત મહત્વપૂર્ણ છે. ચેન્નઈ સુપર કિંગ્સ હાલમાં 12 પોઈન્ટ સાથે છઠ્ઠા સ્થાને છે. ટીમે 12 મેચમાંથી 6 જીત અને 6 હાર મેળવી છે. છેલ્લી મેચમાં લખનઉ સામે હાર મળતા ટીમનો નેટ રન રેટ પણ અસરગ્રસ્ત થયો છે.
ઋતુરાજ ગાયકવાડની આગેવાની હેઠળની CSK માટે હવે બાકીની બંને મેચ જીતવી લગભગ ફરજિયાત બની ગઈ છે. બીજી તરફ પેટ કમિન્સની કેપ્ટનશીપ હેઠળની સનરાઇઝર્સ હૈદરાબાદ 14 પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને છે. જો SRH આજે જીતે છે તો ટીમ 16 પોઈન્ટ સુધી પહોંચી જશે અને પ્લેઓફનું સ્થાન લગભગ નિશ્ચિત થઈ જશે.
હેડ-ટુ-હેડમાં ચેન્નઈનું પલળું ભારે
ચેન્નઈ અને હૈદરાબાદ વચ્ચે અત્યાર સુધી IPLમાં કુલ 23 મેચ રમાઈ છે. જેમાંથી CSKએ 15 મેચ જીતી છે જ્યારે SRH માત્ર 8 મેચ જીતવામાં સફળ રહ્યું છે. જોકે, ગત સીઝનમાં રમાયેલી મેચમાં હૈદરાબાદે જીત મેળવી હતી.
આ સીઝનમાં બંને ટીમ બીજી વખત સામસામે આવશે. અગાઉ હૈદરાબાદમાં રમાયેલી મેચ SRHએ જીતી હતી. હવે ચેપોકમાં ચેન્નઈ પોતાની હોમ કન્ડિશન્સનો ફાયદો ઉઠાવવા ઇચ્છશે.
CSK માટે અંશુલ કંબોજ અને સંજુ સેમસનનો શાનદાર દેખાવ
ચેન્નઈની શરૂઆત આ સીઝનમાં ખૂબ ખરાબ રહી હતી અને ટીમે સતત ત્રણ મેચ હારી હતી. પરંતુ ત્યારબાદ ટીમે જોરદાર વાપસી કરી. આગામી 9 મેચમાંથી 6 જીત મેળવી CSK ફરી પ્લેઓફની રેસમાં પરત આવી.
સંજુ સેમસન આ સીઝનમાં ટીમ માટે સૌથી સફળ બેટ્સમેન રહ્યો છે. તેણે 12 મેચમાં 236.55ની જબરદસ્ત સ્ટ્રાઈક રેટથી 450 રન બનાવ્યા છે. બોલિંગમાં અંશુલ કંબોજે શાનદાર પ્રદર્શન કરતાં 19 વિકેટ ઝડપી છે.
SRHનું બેટિંગ છેલ્લી મેચમાં ફ્લોપ
સનરાઇઝર્સ હૈદરાબાદે અત્યાર સુધી 12માંથી 7 મેચ જીતી છે. જોકે, ગુજરાત સામેની છેલ્લી મેચમાં ટીમનું બેટિંગ સંપૂર્ણપણે નિષ્ફળ ગયું હતું અને આખી ટીમ માત્ર 86 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.
હેનરિક ક્લાસેન SRH માટે સૌથી સફળ બેટ્સમેન રહ્યો છે. તેણે 12 મેચમાં 508 રન બનાવ્યા છે. જ્યારે ઈશાન મલિંગાએ 16 વિકેટ ઝડપી બોલિંગમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે.
ચેપોકની પીચ હવે બેટર્સ માટે બની રહી છે અનુકૂળ
પરંપરાગત રીતે ચેપોકની પીચ સ્પિનરોને મદદરૂપ માનવામાં આવે છે, પરંતુ IPL 2026માં અહીંનો મિજાજ થોડો બદલાયેલો જોવા મળ્યો છે. અત્યાર સુધી અહીં રમાયેલી 6 મેચોમાં સતત 200થી વધુ સ્કોર બન્યા છે.
જોકે, કેટલીક મેચોમાં બોલ ધીમો આવ્યો છે અને સ્પિનરોને ટર્ન પણ મળ્યો છે. આ સિઝનમાં ચેપોકમાં ચેઝ કરનારી ટીમે 6માંથી 4 મેચ જીતી છે, જેના કારણે આજે ટૉસ જીતનાર ટીમ પહેલા બોલિંગ પસંદ કરી શકે છે.
ચેપોકમાં અત્યાર સુધી કુલ 97 IPL મેચ રમાઈ છે જેમાં CSKએ 51 જીત મેળવી છે. ઘરઆંગણે રમવાનો અનુભવ ચેન્નઈ માટે મોટો ફાયદો બની શકે છે.
વરસાદ વિલન બની શકે છે?
ચેન્નઈમાં આજે ગરમી અને ભેજ બંને વધુ રહેવાની શક્યતા છે. સાંજે વાદળછાયું વાતાવરણ અને હળવા વરસાદની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે. મહત્તમ તાપમાન 36 ડિગ્રી અને લઘુત્તમ 27 ડિગ્રી રહેવાની સંભાવના છે. જો વરસાદ ખલેલ પહોંચાડશે તો મેચનું સમીકરણ બદલાઈ શકે છે.
બંને ટીમની સંભવિત પ્લેઇંગ-12
ચેન્નઈ સુપર કિંગ્સ (CSK)
ઋતુરાજ ગાયકવાડ (કેપ્ટન), સંજુ સેમસન (વિકેટકીપર), ઉર્વિલ પટેલ, ડેવાલ્ડ બ્રેવિસ, શિવમ દુબે, પ્રશાંત વીર, અંશુલ કંબોજ, સ્પેન્સર જોન્સન, નૂર અહેમદ, મુકેશ ચૌધરી, ગુરજપનીત સિંહ.
ઇમ્પેક્ટ પ્લેયર: કાર્તિક શર્મા
સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH)
ટ્રેવિસ હેડ, અભિષેક શર્મા, ઈશાન કિશન (વિકેટકીપર), હેનરિક ક્લાસેન, સલીલ અરોરા, આર. સ્મરણ, નીતિશ રેડ્ડી, પેટ કમિન્સ (કેપ્ટન), શિવાંગ કુમાર, સાકિબ હુસૈન, ઈશાન મલિંગા.
કેમ ખાસ છે આજની મેચ?
આજની મેચ માત્ર બે ટીમ વચ્ચેની ટક્કર નથી. આ મેચ ભાવનાઓ, યાદો અને કદાચ એક યુગના અંત સાથે પણ જોડાયેલી બની શકે છે. જો ધોની ખરેખર આજે મેદાનમાં ઉતરે છે તો ચેપોકનું વાતાવરણ ઐતિહાસિક બની શકે છે. કરોડો ચાહકો માટે આ માત્ર ક્રિકેટ મેચ નહીં, પરંતુ એક લાગણીસભર ક્ષણ બની શકે છે.





