ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવ્યા છે. IPL 2026 માં અત્યાર સુધી એક પણ મેચ નહીં રમનાર ધોનીએ ચેન્નઈ સ્થિત નેશનલ સિક્યોરિટી ગાર્ડ (NSG) ના રિજનલ હબની મુલાકાત લીધી હતી, જ્યાં તેમનો એક અલગ જ અંદાજ જોવા મળ્યો હતો. ધોનીએ NSG કમાન્ડોઝ સાથે સમય વિતાવ્યો, શૂટિંગ પ્રેક્ટિસમાં ભાગ લીધો અને પોતાની ફિટનેસ અંગે કરેલી મજેદાર ટિપ્પણી સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ બની ગઈ છે.
ધોનીએ પોતાની તરફ ઈશારો કરીને કમાન્ડોઝને પૂછ્યું હતું, “ફિટ લાગું છું ને?” આ સાંભળતા જ ત્યાં હાજર જવાનો હસી પડ્યા હતા. આ ક્ષણનો વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થયો છે અને ફેન્સ ફરી એકવાર “થાલા”ને મેદાન પર જોવા આતુર બન્યા છે.
NSG કેમ્પમાં ધોનીનો અલગ અંદાજ
બ્લેક ટી-શર્ટ અને ડેનિમ લુકમાં દેખાયેલા મહેન્દ્ર સિંહ ધોનીએ NSGના જવાનો સાથે ફિટનેસ, ટ્રેનિંગ અને શૂટિંગ ટેક્નિક્સ અંગે ચર્ચા કરી હતી. તેઓએ હથિયારો સાથેની શૂટિંગ ડ્રિલ્સમાં પણ ભાગ લીધો હતો અને કમાન્ડો અધિકારીઓ સાથે લાંબો સમય વિતાવ્યો હતો.
ધોનીનો ભારતીય સેનાપ્રતિનો લગાવ પહેલાથી જ જાણીતો છે. વર્ષ 2011 માં તેમને પ્રાદેશિક સેનામાં લેફ્ટનન્ટ કર્નલની માનદ રેન્ક આપવામાં આવી હતી. ત્યારબાદ તેઓ અનેક સૈનિક તાલીમ કાર્યક્રમો અને જમ્મુ-કાશ્મીરમાં આર્મી એટેચમેન્ટનો પણ ભાગ રહી ચૂક્યા છે.
ક્રિકેટ ઉપરાંત સેનાની કામગીરી, શિસ્ત અને ફિટનેસ પ્રત્યે ધોની હંમેશા ખુલ્લેઆમ પ્રશંસા વ્યક્ત કરતા આવ્યા છે. તેમના આ તાજેતરના NSG મુલાકાતે ફરી એકવાર તેમના દેશપ્રેમ અને સૈનિક જોડાણને ચર્ચામાં લાવી દીધું છે.
આ પણ વાંચો: 15 વર્ષના વૈભવ સૂર્યવંશીનો વિસ્ફોટક રેકોર્ડ! : અભિષેક શર્માને પછાડી IPLમાં રચ્યો નવો ઇતિહાસ! સિક્સરોનો વરસાદ કરી મચાવી ધૂમ
હવે બધાની નજર ચેપોક પર
ધોનીની આ મુલાકાત એવા સમયે સામે આવી છે જ્યારે સમગ્ર ક્રિકેટ જગત એક જ સવાલ પૂછે છે - શું ધોની 18 મેના રોજ ચેપોકમાં રમતા જોવા મળશે?
ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) IPL 2026માં પોતાનો છેલ્લો હોમ મેચ સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) સામે રમવા જઈ રહી છે. આ મેચને લઈને ચાહકોમાં ભારે ભાવનાત્મક માહોલ જોવા મળી રહ્યો છે. અનેક ફેન્સ આ મુકાબલાને ધોનીના સંભવિત વિદાય મેચ તરીકે જોઈ રહ્યા છે.
ચેપોક સ્ટેડિયમ બહાર પહેલેથી જ ધોનીના પોસ્ટર્સ, પીળી જર્સી અને “થાલા”ના નારા સાથે ઉત્સાહભર્યો માહોલ સર્જાયો છે. સોશિયલ મીડિયા પર પણ #Dhoni, #Thala અને #CSK ટ્રેન્ડ થઈ રહ્યા છે.
ધોની IPL 2026માં અત્યાર સુધી કેમ નહીં રમ્યા?
MS ધોની IPL 2026માં અત્યાર સુધી એક પણ મેચ રમ્યા નથી. સીઝન શરૂ થવા પહેલાં તેમને કાફ સ્ટ્રેન (પગની મસલ ઈન્જરી) થઈ હતી. શરૂઆતમાં માનવામાં આવતું હતું કે તેઓ માત્ર બે અઠવાડિયા માટે બહાર રહેશે, પરંતુ ઈજા અપેક્ષા કરતાં વધુ ગંભીર નીવડતા તેઓ અત્યાર સુધી વાપસી કરી શક્યા નથી.
તેમ છતાં છેલ્લા કેટલાક દિવસોથી ટીમ સાથે તેમની હાજરી અને ટ્રેનિંગ સેશનમાં ભાગ લેતા દેખાતા ચાહકોમાં ફરી આશા જાગી છે કે ધોની અંતિમ હોમ મેચમાં મેદાન પર ઉતરી શકે છે.
CSK મેનેજમેન્ટ તરફથી હજુ સુધી ધોનીની ઉપલબ્ધતા અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ ચાહકો સતત તેમની વાપસીની રાહ જોઈ રહ્યા છે.
આ પણ વાંચો: CSK vs SRH : શું આજે ધોનીની છેલ્લી મેચ હશે? અશ્વિનના નિવેદનથી સોશિયલ મીડિયા પર હોબાળો, CSK માટે 'કરો અથવા મરો'નો મુકાબલો
પાંચ વર્ષ જૂનું નિવેદન ફરી વાયરલ
આ સમગ્ર ચર્ચા વચ્ચે ધોનીનું વર્ષ 2021નું એક જૂનું નિવેદન ફરી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે. CSKના ટાઇટલ સેલિબ્રેશન દરમિયાન ધોનીએ કહ્યું હતું, “મારી છેલ્લી T20 મેચ ચેન્નઈમાં હશે.”
હવે જ્યારે CSK IPL 2026નું છેલ્લું હોમ મેચ રમવા જઈ રહી છે, ત્યારે ફેન્સ આ નિવેદનને ધોનીના સંભવિત વિદાય સંકેત તરીકે જોઈ રહ્યા છે. જોકે ધોનીએ અત્યાર સુધી નિવૃત્તિ અંગે કોઈ સ્પષ્ટ સંકેત આપ્યો નથી.
ધોની ભારતીય ક્રિકેટના સૌથી સફળ અને લોકપ્રિય કેપ્ટનોમાંના એક ગણાય છે. તેમની શાંતિપૂર્ણ કેપ્ટનશિપ, ફિનિશિંગ ક્ષમતા અને રમત પ્રત્યેની સમર્પણ ભાવનાએ તેમને કરોડો ચાહકોના દિલમાં ખાસ સ્થાન અપાવ્યું છે.





