આજના ડિજિટલ યુગમાં આપણે જે જોઈએ છીએ તે બધું જ સાચું હોય તે જરૂરી નથી. સોશિયલ મીડિયા પર દેખાતા ગ્લેમરસ ચહેરાઓ પાછળ ઘણીવાર 'બ્યૂટી ફિલ્ટર્સ'ની કરામત છુપાયેલી હોય છે. ઇન્ટરનેટ પર સુંદર દેખાવાની ઘેલછામાં લોકો હવે પોતાની અસલી ઓળખ છુપાવતા પણ ખચકાતા નથી. પરંતુ, ક્યારેક ટેકનોલોજી દગો આપી દે છે અને જે સત્ય સામે આવે છે તે સ્તબ્ધ કરી દેનારું હોય છે. આવો જ એક ચોંકાવનારો કિસ્સો ચીનમાંથી સામે આવ્યો છે, જ્યાં એક લોકપ્રિય મહિલા ઇન્ફ્લુએન્સરની એક નાનકડી ટેકનિકલ ભૂલે તેને લાખો ફોલોઅર્સનો ફટકો માર્યો છે. બન્યું એવું કે, લાઈવ સ્ટ્રીમિંગ દરમિયાન માત્ર થોડી સેકન્ડ માટે કેમેરાનું બ્યૂટી ફિલ્ટર બંધ થઈ ગયું અને દુનિયા સામે મહિલાનો અસલી ચહેરો આવી ગયો. જેથી જે ચહેરાને ફેન્સ 'પરી' જેવો સમજતા હતા, તે જ યુવતીનો ફિલ્ટર વગરનો સામાન્ય ચહેરો જોઈને લોકો એટલા નારાજ થયા કે, પળવારમાં તેના ફોલોઅર્સ ઘટી ગયા. આ ઘટનાએ ફરી એકવાર દેખાડાની આ દુનિયા અને ઓનલાઇન છેતરપિંડી પર ગંભીર સવાલો ઉભા કર્યા છે.
લાઈવ સેશનમાં સર્જાયો 'કાંડ'
આ ઘટના ત્યારે બની જ્યારે ચીની ઇન્ફ્લુએન્સર તેના લાખો ફોલોઅર્સ સાથે લાઈવમાં વાતો કરી રહી હતી. વીડિયોમાં તે અત્યંત સ્મૂધ સ્કીન, મોટી આંખો અને શાર્પ લુક સાથે કોઈ સુંદર ઢીંગલી જેવી દેખાઈ રહી હતી. પરંતુ અચાનક ટેકનિકલ ખામીને કારણે બ્યૂટી ફિલ્ટર બંધ થઈ ગયું. ફિલ્ટર હટતા જ તેનો અસલી સ્કીન ટોન અને કુદરતી ચહેરો દેખાઈ ગયો. જોકે, થોડી જ સેકન્ડમાં ફિલ્ટર ફરી ચાલુ થઈ ગયું, પણ ત્યાં સુધીમાં તો હકીકત દુનિયા સામે આવી ગઈ હતી.
એક ઝાટકે 1.4 લાખ ફોલોઅર્સ ઓછા થયા
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી વિગતો મુજબ, જેવી ફેન્સને ખબર પડી કે, તેઓ અત્યાર સુધી જે સુંદરતાના કાયલ હતા તે માત્ર એક ફિલ્ટર હતું, ત્યારે લોકોએ સામૂહિક રીતે તેને અનફોલો કરવાનું શરૂ કરી દીધું. દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ ઘટના બાદ તરત જ તેના લગભગ 1,40,000 ફોલોઅર્સ ઓછા થઈ ગયા હતા. એટલે કે આટલા બધા લોકોએ એકસાથે તેને અનફોલો કરી દીધી હતી. આ આંકડો સોશિયલ મીડિયા જગતમાં ચર્ચાનો વિષય બન્યો છે, જોકે આ સંખ્યાની સત્તાવાર પુષ્ટિ હજુ થઈ નથી.
સોશિયલ મીડિયા પર લોકોનો આક્રોશ
આ વીડિયો ક્લિપ એક્સ (X) અને ઇન્સ્ટાગ્રામ પર વાયરલ થતા જ યુઝર્સે પોતાની પ્રતિક્રિયાઓ આપવાનું શરૂ કર્યું છે. ઘણા લોકોએ ઇન્ફ્લુએન્સર દ્વારા કરવામાં આવતી આ પ્રકારની છેતરપિંડીની આકરી ટીકા કરી છે. મહત્વનું છે કે, આજના સમયમાં ફિલ્ટરનો ઉપયોગ સામાન્ય છે, પરંતુ જ્યારે તે કોઈની અસલી ઓળખ જ બદલી નાખે ત્યારે તે જોખમી બની જાય છે. ઘણી યુવા પેઢી આવા ઇન્ફ્લુએન્સર્સને જોઈને પોતાની સ્કીન અને લુક વિશે લઘુતાગ્રંથિ(શારીરિક ખોડ) અનુભવે છે, જ્યારે હકીકતમાં તે સુંદરતા માત્ર થોડી ક્લિક્સ અને ફિલ્ટરનું પરિણામ હોય છે. ચીનની આ ઘટના એવા તમામ લોકો માટે બોધપાઠ છે જેઓ દેખાડાની દુનિયાને જ સત્ય માની લે છે.




















