Home Gujarat Chinese Lace Factory Exposed In Ahmedabad Police

અમદાવાદમાં ચાઇનીઝ દોરી બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ! : 2 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત, માલિકને પણ ઝડપી પડ્યો

અમદાવાદમાં ચાઇનીઝ દોરી બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ!
Play Video
Published by: OBS Bureau
Last Updated: Jan 13, 2026, 07:20 AM IST

અમદાવાદ ગ્રામ્ય પોલીસે જીવલેણ ચાઇનીઝ દોરીના ગેરકાયદેસર ઉત્પાદન અને વિતરણ સામે મોટી કાર્યવાહી કરી છે. અમદાવાદ ગ્રામ્ય પોલીસ અને ગ્રામ્ય એસઓજીની ટીમે “ઓપરેશન દોરી” અંતર્ગત બાવળા, સાણંદ અને કોઠ સહિતના વિસ્તારોમાં રેડ કરીને લાખો રૂપિયાની ચાઇનીઝ દોરીના ટેલર અને ફિરકી કબજે કર્યા હતા.

પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો કે આ પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનું ઉત્પાદન ગુજરાત બહાર દાદરા નગર હવેલી (સેલવાસ) વિસ્તારમાં આવેલી એક ગેરકાયદેસર ફેક્ટરીમાં થતું હતું. આ માહિતીના આધારે અમદાવાદ ગ્રામ્ય પોલીસે અલગ-અલગ ટીમો બનાવી સેલવાસ ખાતે રેડ કરી હતી. ત્યાંથી 52 હજાર ફિરકી સહિત કુલ રૂ. 1.82 કરોડની ચાઇનીઝ દોરી મળી આવી, જ્યારે અન્ય સામાન સાથે કુલ રૂ. 2.34 કરોડનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.

ફેક્ટરીનો માલિક વિરેન પટેલ ગુનાહિત નેટવર્ક ખુલ્લું પડતા ફરાર થઈ ગયો હતો, પરંતુ ગ્રામ્ય પોલીસે સતત 20 દિવસની મહેનત બાદ તેને ઝડપી લીધો છે. પોલીસ અનુસાર આરોપી અગાઉ ધોરાજી, સુરત અને વાપી વિસ્તારમાં વ્યવસાય સાથે સંકળાયેલો હતો. એક કંપની બંધ થયા બાદ તેણે દાદરા નગર હવેલીમાં રજિસ્ટ્રેશન વગરનું વિશાળ કારખાનું શરૂ કરી ચાઇનીઝ દોરીનું ઉત્પાદન શરૂ કર્યું હતું.

અમદાવાદ જિલ્લા પોલીસવડા ઓમપ્રકાશ જાટે એ જણાવ્યું કે આરોપીએ સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત તેમજ અમદાવાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં 90 થી વધુ ટ્રક મારફતે ચાઇનીઝ દોરી સપ્લાય કરી હતી. આ જીવલેણ દોરીથી અનેક લોકોના જીવ જોખમમાં મુકાયા હતા.

ગ્રામ્ય પોલીસે આરોપીની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે અને આ નેટવર્ક સાથે જોડાયેલા અન્ય લોકોની પણ તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસે સ્પષ્ટ કર્યું છે કે ચાઇનીઝ દોરી જેવી પ્રતિબંધિત વસ્તુઓ સામે આગળ પણ કડક કાર્યવાહી ચાલુ રહેશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now