Home Gujarat Chandrumana Canal Case Patan Husband Friend Booked Gujarat News

પાટણમાં ચંદ્રુમાણા કેનાલ કેસમાં ચોંકાવનારો વળાંક : પતિ અને તેના મિત્ર સામે નોંધાયો ગુનો

આરોપીઓની છબી
Image Credit: OBS Bureau
Published by: Niraj Chokshi
Last Updated: Jul 13, 2026, 04:34 AM IST

Patan News: પાટણ તાલુકાના ચંદ્રુમાણા ગામ નજીકની કેનાલમાંથી મહિલાનો મૃતદેહ મળી આવવાના બનાવમાં ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. શરૂઆતમાં આત્મહત્યાનો બનાવ હોવાનું માનવામાં આવી રહ્યું હતું, પરંતુ પોલીસ તપાસ દરમિયાન સમગ્ર ઘટનાએ નવો વળાંક લીધો છે. મૃતક મહિલાના ભાઈની ફરિયાદના આધારે પોલીસે મહિલાના પતિ અને તેના મિત્ર સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ફરિયાદમાં આરોપ છે કે પ્રેમ સંબંધના કારણે પત્નીને રસ્તામાંથી હટાવવા માટે બંનેએ પૂર્વ આયોજિત કાવતરું રચીને મહિલાને કેનાલમાં ધક્કો મારી દીધો હતો અને બાદમાં સમગ્ર ઘટનાને આત્મહત્યા તરીકે રજૂ કરવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનાએ સમગ્ર પાટણ જિલ્લામાં ભારે ચકચાર મચાવી છે. પરિવારજનોના આક્ષેપો અને ફરિયાદમાં કરવામાં આવેલા દાવાઓ બાદ પોલીસે ઘટનાના દરેક પાસાની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે.

પ્રેમ સંબંધથી શરૂ થયો પરિવારનો વિવાદ

ફરિયાદ મુજબ મૃતક મંજુલાબેનના ભાઈ રતાજી નારણજી ઠાકોર, જે મૂળ બનાસકાંઠાના સુદ્રોસણ ગામના વતની છે અને હાલ કંબોઈ વિસ્તારમાં ખેતમજૂરી કરે છે, તેમણે પોલીસને જણાવ્યું છે કે તેમની 42 વર્ષીય બહેન મંજુલાબેનના લગ્ન સકતાજી ભેમાજી ઠાકોર સાથે થયા હતા.

ફરિયાદમાં જણાવ્યા મુજબ છેલ્લા દોઢ વર્ષથી સકતાજીનો રેખાબેન નામની મહિલા સાથે પ્રેમ સંબંધ હતો. આ સંબંધની જાણ મંજુલાબેનને થતાં દંપતી વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા. ફરિયાદ મુજબ આ વિવાદથી કંટાળેલા સકતાજીએ પોતાની પ્રેમિકા સાથે ભવિષ્યમાં લગ્ન કરવાની ઈચ્છા રાખી પત્નીને રસ્તામાંથી હટાવવાનું કાવતરું ઘડ્યું હતું.

આ પણ વાંચો: વડોદરાના માંજલપુરમાં યોગેશ પટેલના નિધન બાદ પ્રથમ ચૂંટણી : ભાજપના સતીષ પટેલ સામે કોંગ્રેસે મૂક્યો આ હુકુમનો એક્કો; આવતીકાલે યોજાશે સંકલ્પ સભા; આજે ફોર્મ ભરશે

મિત્ર સાથે મળીને રચાયું પૂર્વ આયોજિત કાવતરું

પોલીસ ફરિયાદ અનુસાર સકતાજીએ પોતાના મિત્ર કિશનજી રમેશજી ઠાકોરને સમગ્ર યોજનામાં સામેલ કર્યો હતો. બંનેએ મળીને મહિલાને મોતને ઘાટ ઉતારવા માટે પૂર્વ આયોજન કર્યું હતું. ફરિયાદમાં જણાવ્યા મુજબ 1 જુલાઈ, 2026ના રોજ સકતાજી પોતાની ઇકો ગાડી (નંબર GJ-18-BE-9731)માં દૂધી ભરાવી પાટણ શાક માર્કેટમાં વેચવા માટે ગયો હતો. તે સમયે તેણે પત્ની મંજુલાબેનને પણ સાથે રાખી હતી. પાટણ જતાં પહેલાં જ તેણે મિત્ર કિશનજીને ફોન કરીને આયોજન મુજબ તૈયાર રહેવા જણાવ્યું હતું.

કેનાલના પુલ પર ઘડાઈ સમગ્ર યોજના

ફરિયાદ મુજબ પાટણથી પરત ફરતી વખતે મધરાતે લગભગ 12:30થી 12:45 વાગ્યાના સમય દરમિયાન સકતાજીએ કિશનજીને ચંદ્રુમાણા કેનાલના પુલ પર બાઈક સાથે પહોંચવા કહ્યું હતું. જ્યારે ઇકો ગાડી પુલ પર પહોંચી ત્યારે કિશનજીએ ગાડી ઉભી રાખવાનું કહી કેનાલમાં કોઈ પડી ગયું હોવાનો ડોળ કર્યો હતો. આ વાત સાંભળીને મંજુલાબેન ગાડીમાંથી નીચે ઉતરી કેનાલ તરફ જોવા ગયા હતા. ફરિયાદ મુજબ તે સમયે સકતાજી અને કિશનજીએ મળીને તેમના બંને પગ પકડીને તેમને સીધા કેનાલમાં ફેંકી દીધા હતા. ફરિયાદમાં આરોપ છે કે બંનેએ મળીને પૂર્વ આયોજિત રીતે આ સમગ્ર ઘટનાને અંજામ આપ્યો હતો.

આત્મહત્યાનું સ્વરૂપ આપવાનો પ્રયાસ

ફરિયાદ મુજબ ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપી સકતાજીએ પુરાવા છુપાવવા અને સમગ્ર બનાવને આત્મહત્યા તરીકે રજૂ કરવાનો પ્રયાસ કર્યો હતો. તેણે મંજુલાબેનના ભાઈ બચુજીને ફોન કરીને ખોટી માહિતી આપી હતી કે મંજુલાબેને પોતે જ કેનાલમાં કૂદી આત્મહત્યા કરી છે. પરિવારજનો શરૂઆતમાં આ વાતથી અજાણ રહ્યા હતા, પરંતુ બાદમાં સમગ્ર મામલામાં નવો વળાંક આવ્યો હતો.

આ પણ વાંચો: અમદાવાદમાં 149મી જગન્નાથ રથયાત્રા પૂર્વે પોલીસ તંત્ર હાઈ એલર્ટ પર : 2,000થી વધુ જવાનો સાથે કરી મેગા મોક ડ્રિલ

કબૂલાત બાદ પરિવાર પોલીસ સુધી પહોંચ્યો

ફરિયાદ મુજબ ઘટનાના નવ દિવસ બાદ, 10 જુલાઈ, 2026ની મધરાત્રિએ આરોપી સકતાજી પોતાના સાળા રતાજી ઠાકોરના ઘરે પહોંચ્યો હતો. ફરિયાદમાં દાવો કરવામાં આવ્યો છે કે તેણે રતાજીને ખેતરમાં લઈ જઈ રડતા-રડતા સમગ્ર ઘટનાની કબૂલાત કરી હતી અને પત્નીને મિત્ર સાથે મળીને કેનાલમાં ફેંકી દેવાની વાત સ્વીકારી હતી. આ વાત સાંભળ્યા બાદ પરિવારજનો તાત્કાલિક પોલીસનો સંપર્ક કર્યો હતો. ત્યારબાદ રતાજી ઠાકોરે પાટણ તાલુકા પોલીસ મથકે સકતાજી ભેમાજી ઠાકોર અને કિશનજી રમેશજી ઠાકોર સામે ગુનો નોંધાવ્યો હતો.

પોલીસે તપાસ તેજ કરી

ફરિયાદના આધારે પોલીસે બંને આરોપીઓ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. તપાસ દરમિયાન ઘટનાસ્થળ, મોબાઇલ ફોનની વિગતો, બંને આરોપીઓની હિલચાલ, વાહન તેમજ અન્ય પુરાવાઓની પણ તપાસ કરવામાં આવી રહી છે. પોલીસ માટે હવે સૌથી મહત્વનો મુદ્દો ફરિયાદમાં કરવામાં આવેલા દાવાઓની પુષ્ટિ કરવી અને ઉપલબ્ધ ભૌતિક તેમજ વૈજ્ઞાનિક પુરાવાઓના આધારે સમગ્ર ઘટનાક્રમને સ્પષ્ટ કરવાનો રહેશે.

હાલ પોલીસે કેસની તપાસ આગળ ધપાવી છે અને તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને પુરાવા એકત્રિત કરવાની કાર્યવાહી ચાલી રહી છે. અધિકારીઓના જણાવ્યા મુજબ તપાસ પૂર્ણ થયા બાદ જ સમગ્ર ઘટનાક્રમ અને આરોપીઓ સામેની કાર્યવાહી અંગે વધુ સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now