પશ્ચિમ બંગાળમાં રાજકીય તણાવ વચ્ચે થયેલા ચોંકાવનારા ચંદ્રનાથ રથ હત્યાકાંડમાં તપાસ એજન્સીઓને મહત્વની સફળતા મળી છે. ઉત્તર પ્રદેશના બલ્લિયા જિલ્લાના રાજ સિંહ ઉર્ફે ચંદન સહિત ત્રણ આરોપીઓની ધરપકડ સાથે કેસમાં નવા ખુલાસાઓ સામે આવ્યા છે. Chandranath Rathની હત્યા માત્ર એક ક્રિમિનલ ઘટના નહીં પરંતુ બહુ-રાજ્ય કનેક્શન ધરાવતી સુનિયોજિત સાજિશ તરીકે સામે આવી રહી છે. પોલીસ મુજબ, આ કેસમાં ઉત્તર પ્રદેશ અને બિહારના વ્યાવસાયિક શૂટરોનો ઉપયોગ થયો હતો. તપાસ દરમિયાન ટેક્નિકલ ક્લૂથી આરોપીઓ સુધી પહોંચવામાં મદદ મળી.
જીવ લેવાનો પ્લાન
6 મેની રાત્રે મધ્યમગ્રામ નજીક ચંદ્રનાથ રથ પોતાની SUVમાં ઘરે જઈ રહ્યાં હતા ત્યારે હુમલાખોરોએ તેમની ગાડી રોકી અને ગોળીબાર કર્યો. આ હુમલો ખૂબ જ સુનિયોજિત હતો અને માત્ર થોડી જ સેકન્ડોમાં જીવ લેવામાં આવ્યો. તપાસમાં સામે આવ્યું છે કે હુમલાખોરોએ કારને રોકવા માટે અલગ અલગ વાહનો અને ફેક નંબર પ્લેટનો ઉપયોગ કર્યો હતો. ઘટના સ્થળેથી મળેલા પુરાવાઓ દર્શાવે છે કે આ કોઈ સામાન્ય હુમલો નહોતો પરંતુ પ્રોફેશનલ શૂટરોથી હુમલો કરાયો હતો.
UPI ટ્રાન્ઝેક્શનથી ખુલ્યો આખો ભેદ
આ હાઈ-પ્રોફાઈલ કેસમાં સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ એક નાની ટેક્નિકલ ભૂલ બની. હત્યા કર્યા બાદ આરોપીઓ ભાગતા સમયે ટોલ પ્લાઝા પર રોકાયા અને કેશના બદલે UPIથી ચુકવણી કરી. આ ટ્રાન્ઝેક્શનથી પોલીસને મોબાઈલ નંબર મળ્યો જે પછી આરોપીઓ સુધી પહોંચવું સરળ બન્યું. CCTV ફૂટેજ અને ડિજિટલ ટ્રેકિંગના આધારે તપાસ એજન્સીઓએ આખી ગેંગની ઓળખ કરી.
આ પણ વાંચો: બંગાળમાં BNSથી લઈને વસ્તી ગણતરી સુધી : CM બનતા જ એક્શનમાં આવ્યા સુવેન્દુ અધિકારી, લીધા કેટલાક મોટા નિર્ણય
કોણ છે રાજ સિંહ ઉર્ફે ચંદન
પોલીસે ઝડપાયેલ રાજ સિંહ ઉર્ફે ચંદન બલ્લિયાનો રહેવાસી છે અને તેની સામે પહેલાંથી જ ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. 2020માં એક વેપારીની હત્યાના કેસમાં તેનું નામ આવ્યું હતું અને તે હાલ જામીન પર હતો. તેનું સ્થાનિક રાજકીય અને સામાજિક જોડાણ પણ તપાસ હેઠળ છે. રિપોર્ટ્સ અનુસાર, તે કેટલીક સંસ્થાઓ સાથે જોડાયેલ હતો અને સોશિયલ મીડિયા પર રાજકીય નેતાઓ સાથેના ફોટા પણ જોવા મળે છે. રાજ સિંહની ધરપકડ અયોધ્યામાંથી કરવામાં આવી હતી, જ્યારે અન્ય આરોપીઓ બિહારના બક્સર જિલ્લામાંથી ઝડપાયા હતા.
UP-બિહાર કનેક્શન
તપાસમાં બહાર આવ્યું છે કે આ હત્યા માટે પૂર્વાંચલ અને બિહારના પ્રોફેશનલ શૂટરોને હાયર કરવામાં આવ્યા હતા. કુલ 7થી 8 લોકોની સંડોવણી હોવાની આશંકા છે, જેમાં શાર્પશૂટર, લોજિસ્ટિક સપોર્ટ અને લોકેશન ટ્રેકિંગમાં મદદ કરનાર લોકો સામેલ હતા. બિહાર અને ઉત્તર પ્રદેશમાં પોલીસ દ્વારા કરવામાં આવેલી રેડ અને પૂછપરછથી આ કેસ વધુ જટિલ બન્યો છે. અનેક રાજ્યોમાં ફેલાયેલ આ નેટવર્ક પાછળ કોઈ મોટો માસ્ટરમાઈન્ડ હોવાની શક્યતા નકારી શકાય નહીં.
રાજકીય તણાવ
આ ઘટના રાજકીય રીતે પણ ખૂબ જ સંવેદનશીલ બની છે. Suvendu Adhikariએ આ હત્યાને "સુનિયોજિત" ગણાવી છે જ્યારે વિરોધ પક્ષે નિષ્પક્ષ તપાસની માંગ કરી છે. ચંદ્રનાથ રથ પૂર્વ એરફોર્સ કર્મચારી હતા અને બાદમાં રાજકીય રીતે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા હતા. તેમની હત્યાએ પશ્ચિમ બંગાળમાં કાયદો અને વ્યવસ્થા અંગે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે.





