Home Gujarat Chandipura Virus Gujarat Health Minister Review Meeting

3 બાળકોના મોત બાદ ચાંદીપુરા વાયરસને લઈને ગુજરાત સરકાર એલર્ટ : ગાંધીનગરમાં આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ કરી ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક

સચિવાલયમાં ચાંદીપુરા વાયરસ મુદ્દે સમીક્ષા બેઠક દરમિયાન આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયા
Published by: Prashant Doshiyar
Last Updated: Jul 13, 2026, 11:18 AM IST

ગાંધીનગર: ગુજરાતમાં ચાંદીપુરા વાયરસ (Chandipura Virus)ના કેસો સામે આવતા રાજ્ય સરકાર સંપૂર્ણ સતર્ક બની છે. વાયરસના સંભવિત ફેલાવાને રોકવા અને આરોગ્ય વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે ગાંધીનગર સ્થિત સચિવાલયમાં આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં આરોગ્ય વિભાગના વરિષ્ઠ અધિકારીઓ, જાહેર આરોગ્ય નિષ્ણાતો અને સંબંધિત વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આરોગ્ય તંત્રને સજ્જ રાખવા અપાયા મહત્વના નિર્દેશ

બેઠક દરમિયાન આરોગ્ય મંત્રીએ રાજ્યભરના આરોગ્ય તંત્રને દવાઓનો પૂરતો જથ્થો ઉપલબ્ધ રાખવા, હોસ્પિટલોમાં જરૂરી સારવારની તમામ સુવિધાઓ સુનિશ્ચિત કરવા તેમજ ચાંદીપુરા વાયરસ સામે અસરકારક પ્રતિસાદ માટે સતત તૈયાર રહેવા સૂચના આપી હતી. આ ઉપરાંત ફોગિંગ, સેન્ડફ્લાય (Sand Fly) નિયંત્રણ, ગામડાં અને સંવેદનશીલ વિસ્તારોમાં સઘન સર્વેલન્સ તેમજ સમયસર કેસોની ઓળખ માટે આરોગ્ય વિભાગને વિશેષ કામગીરી હાથ ધરવા પણ નિર્દેશ આપવામાં આવ્યા હતા.

અત્યાર સુધી 27 શંકાસ્પદ નમૂનાઓ લેવાયા

આરોગ્ય વિભાગ દ્વારા બેઠકમાં રજૂ કરાયેલી માહિતી મુજબ રાજ્યમાં અત્યાર સુધી કુલ 27 શંકાસ્પદ નમૂનાઓ તપાસ માટે મોકલવામાં આવ્યા છે. જેમાંથી 19 નમૂનાઓના પરિણામ પ્રાપ્ત થયા છે. આ 19 પરિણામોમાં 7 નમૂનાઓમાં ચાંદીપુરા વાયરસની પુષ્ટિ થઈ છે, જ્યારે 12 નમૂનાઓ નેગેટિવ આવ્યા છે. હાલમાં 8 નમૂનાઓના લેબોરેટરી રિપોર્ટની રાહ જોવામાં આવી રહી છે.

ત્રણ બાળકોના મોત બાદ સરકારે વધારી સતર્કતા

ચાલુ વર્ષે રાજ્યમાં ચાંદીપુરા વાયરસના કારણે ત્રણ બાળકોના મૃત્યુ નોંધાતા સરકાર દ્વારા વધુ સાવચેતીના પગલાં લેવામાં આવી રહ્યા છે. આરોગ્ય મંત્રીએ ખાસ કરીને બાળકોમાં તાવ, બેભાન થવું, આંચકી આવવી અથવા મગજ સંબંધિત લક્ષણો દેખાય તો તેને ગંભીરતાથી લેવા સૂચના આપી હતી. તેમણે જણાવ્યું કે શંકાસ્પદ બાળકોને પ્રાથમિક સારવારમાં સમય ન ગુમાવતા તાત્કાલિક સુવિધાસભર હોસ્પિટલમાં ખસેડવામાં આવે જેથી સમયસર સારવાર મળી શકે.

બાળરોગ નિષ્ણાતોને સતત સંકલનમાં રહેવા સૂચના

આરોગ્ય મંત્રીએ રાજ્યના તમામ સરકારી અને ખાનગી બાળરોગ નિષ્ણાતોને ગાંધીનગર સ્થિત આરોગ્ય વિભાગના મુખ્ય મથક સાથે સતત સંપર્કમાં રહેવા જણાવ્યું છે. જો કોઈપણ જિલ્લામાં ચાંદીપુરા વાયરસનો શંકાસ્પદ કેસ નોંધાય તો તેની માહિતી તાત્કાલિક રાજ્ય કંટ્રોલ રૂમને પહોંચાડવા અને દર્દીની સારવાર માટે જરૂરી માર્ગદર્શન અનુસરવા પણ સૂચના આપવામાં આવી છે.

સેન્ડફ્લાય નિયંત્રણ પર વિશેષ ભાર

બેઠકમાં ચાંદીપુરા વાયરસના સંક્રમણને નિયંત્રિત કરવા માટે સેન્ડફ્લાયના નિયંત્રણને પ્રાથમિકતા આપવામાં આવી હતી. આરોગ્ય વિભાગને ફોગિંગ, જંતુનાશક દવાનો છંટકાવ, આસપાસની સ્વચ્છતા જાળવવા તેમજ લોકોમાં જાગૃતિ લાવવા માટે વિશેષ અભિયાન ચલાવવાનો પણ નિર્દેશ આપવામાં આવ્યો હતો. ગ્રામ્ય અને જંગલ વિસ્તાર તેમજ વાયરસ પ્રભાવિત વિસ્તારોમાં આરોગ્ય ટીમો દ્વારા ઘર-ઘર સર્વેની કામગીરી વધુ સઘન બનાવવામાં આવશે.

શું છે ચાંદીપુરા વાયરસ?

ચાંદીપુરા વાયરસ એક દુર્લભ પરંતુ ગંભીર વાયરલ ચેપ છે, જે મુખ્યત્વે સેન્ડફ્લાય (રેતીની માખી) દ્વારા ફેલાય છે. આ વાયરસ ખાસ કરીને બાળકોને વધુ અસર કરે છે અને ગંભીર સ્થિતિમાં મગજમાં સોજો (Encephalitis) સર્જી શકે છે. આ વાયરસમાં શરૂઆતમાં તાવ, ઉલટી, બેચેની, આંચકી આવવી અને બેભાન થવા જેવા લક્ષણો જોવા મળી શકે છે. આરોગ્ય નિષ્ણાતો સમયસર સારવાર અને વહેલી ઓળખને સૌથી મહત્વપૂર્ણ ગણાવે છે.

આ પણ વાંચો: વિવાદિત સોશિયલ મીડિયા સ્ટાર કીર્તિ પટેલની મુશ્કેલીમાં વધારો : સસ્પેન્ડેડ મહિલા કોન્સ્ટેબલ નયના બારૈયા સાથે સુરતમાં વધુ એક FIR નોંધાઈ

લોકોને સાવચેત રહેવાની અપીલ

રાજ્ય સરકારે લોકોને અફવાઓથી દૂર રહેવા અને બાળકોમાં અસામાન્ય લક્ષણો દેખાય તો નજીકના આરોગ્ય કેન્દ્ર અથવા હોસ્પિટલનો તાત્કાલિક સંપર્ક કરવાની અપીલ કરી છે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે આરોગ્ય વિભાગ પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યો છે અને તમામ જિલ્લાઓને જરૂરી માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. રાજ્યભરમાં સર્વેલન્સ અને નિયંત્રણની કામગીરી વધુ સઘન બનાવવામાં આવી રહી છે જેથી વાયરસના ફેલાવાને અસરકારક રીતે અટકાવી શકાય.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now