Home Gujarat Chaitar Vasava Took A Dig At The Collector During The Inauguration Of Eklavya Model School In Sagbara

"મને આમંત્રણ કેમ ન આપ્યું..." : સાગબારામાં એકલવ્ય મોડેલ સ્કૂલના લોકાર્પણ દરમિયાન ચૈતર વસાવાએ કલેકટરનો લીધો ઉધડો

"મને આમંત્રણ કેમ ન આપ્યું..."
Play Video
Published by: OBS Bureau
Last Updated: Jan 03, 2026, 08:17 AM IST

સાગબારા તાલુકામાં આદિજાતિ વિકાસ વિભાગ, ગુજરાત રાજ્ય સંચાલિત એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલના લોકાર્પણ કાર્યક્રમ દરમિયાન રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો. કાર્યક્રમ દરમિયાન ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ નર્મદા જિલ્લાના કલેક્ટર અને અધિકારીઓ સામે પ્રશ્ન ઉઠાવ્યો હતો કે તેમને આ કાર્યક્રમનું આમંત્રણ કેમ આપવામાં આવ્યું નથી તથા આમંત્રણ કાર્ડમાં તેમનું નામ કેમ નથી ઉમેરાયું.

ચૈતર વસાવાએ સ્ટેજ પર હાજર અધિકારીઓ અને પદાધિકારીઓને ઉદ્દેશીને કહ્યું હતું કે, “હું પણ આ વિસ્તારનો ધારાસભ્ય છું. અમારા વિસ્તારમાં કાર્યક્રમ થાય અને અમને આમંત્રણ ન આપવામાં આવે તે સ્વીકાર્ય નથી.” તેમણે વધુમાં જણાવ્યું હતું કે સરકારી કાર્યક્રમોમાં થયેલા ખર્ચનો હિસાબ માંગવામાં આવતા હોવાથી જાણબૂઝીને તેમને આમંત્રણ આપવામાં આવતું નથી અને આવું ચલાવી લેવામાં નહીં આવે.

ચૈતર વસાવાના ભાષણ દરમિયાન તેમના સમર્થકો દ્વારા બુમો પાડવામાં આવી હતી, જેના પગલે સ્ટેજ પર બેઠેલા ભાજપના હોદ્દેદારોએ તેમને ભાષણ બંધ કરવા જણાવ્યું હતું. આ સમયે આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલ પણ સ્ટેજ પર હાજર હતા. મંત્રી નરેશ પટેલે ચૈતર વસાવા પાસે જઈને ભાષણ બંધ કરાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, જ્યારે ચૈતર વસાવા કલેક્ટર તરફ જોઈને વાત કરી રહ્યા હતા ત્યારે મંત્રી નરેશ પટેલે ઈશારો કરીને તેમને ભાષણ આગળ વધારવા પણ કહ્યું હતું. આ દરમિયાન ભારે હોબાળો મચી ગયો હતો જેમાં કોઈ સમર્થકે એમ પણ બૂમ પાડી "બધા ચોર છે".

ચૈતર વસાવા બાદ સાંસદ મનસુખ વસાવા ભાષણ આપવા ઊભા રહ્યા ત્યારે તેમણે સ્ટેજ પરથી ચૈતર વસાવાના સમર્થકોને સંબોધીને કહ્યું હતું કે, “ધારાસભ્ય ચૈતર વસાવા બોલતા હતા ત્યારે અમે સાંભળ્યું હતું, હવે તમારે પણ સાંભળવું પડશે. ન સાંભળવું હોય તો અહીંથી નીકળી જાવ.”

લોકાર્પણ કાર્યક્રમ દરમિયાન નેતાઓ વચ્ચે આમને-સામને બોલાચાલી જોવા મળી હતી, તેમ છતાં કાર્યક્રમ ચાલુ રાખવામાં આવ્યો હતો. સ્ટેજ પરથી ભાજપના હોદ્દેદારો અને ચૈતર વસાવા વચ્ચે પણ વાકયુદ્ધ થયું હતું.

ચૈતર વસાવાએ તેમના ભાષણમાં પ્રધાનમંત્રીના કાર્યક્રમોમાં થયેલા ખર્ચનો મુદ્દો ઉઠાવતા મનસુખ વસાવાએ વળતો જવાબ આપ્યો હતો. મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે, “પ્રધાનમંત્રીનો કાર્યક્રમ થાય તો ખર્ચ તો થાય જ. ડેડીયાપાડાનો કાર્યક્રમ આદિવાસી સમાજના ભગવાન બિરસા મુંડાની જન્મજયંતીનો હતો અને એકતા નગર ખાતે રાષ્ટ્રીય સ્તરનો કાર્યક્રમ યોજાયો હતો. આવા કાર્યક્રમોના ખર્ચ માટે વારંવાર હિસાબ માંગવો યોગ્ય નથી.”

મનસુખ વસાવાએ વધુમાં જણાવ્યું હતું કે આદિવાસી સમાજને ટેમ્પામાં લઈ જવું અમને પસંદ નહોતું, તેથી બસોની વ્યવસ્થા કરવાની સૂચના આપવામાં આવી હતી. ડેડીયાપાડાના કાર્યક્રમમાં માત્ર ભાજપના કાર્યકર્તાઓ નહીં પરંતુ બિરસા મુંડાના જીવનમાંથી પ્રેરણા લે તેવા સમાજના લોકો હાજર રહ્યા હતા.

તેમણે સ્પષ્ટ કહ્યું હતું કે, “હિસાબ માંગવામાં અમને કોઈ વાંધો નથી, પરંતુ વારંવાર હિસાબ માંગવો એ આદિવાસી સમાજનું અપમાન છે. મને કોઈની ટીકા-ટિપ્પણી કરવાનો રસ નથી, પરંતુ કોઈ અમારા પર ટીકા કરે તો તેનો જવાબ આપવો અને લોકોમાં થતી ગેરસમજ દૂર કરવી અમારી ફરજ છે. કેવડિયા કે ડેડીયાપાડાનો કોઈ પણ કાર્યક્રમ રાજનીતિ માટે બનાવવામાં આવ્યો નથી.”

આ રીતે એકલવ્ય મોડેલ સ્કૂલના લોકાર્પણ કાર્યક્રમ દરમિયાન રાજકીય ખેંચતાણ અને નિવેદનબાજી વચ્ચે પણ કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યો હતો.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now