કેન્દ્ર સરકાર દ્વારા કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (CBSE) સાથે જોડાયેલા મહત્વપૂર્ણ નિર્ણય હેઠળ બોર્ડના ચેરમેન રાહુલ સિંહ અને સચિવ હિમાંશુ ગુપ્તાની બદલી કરવામાં આવી છે. CBSEની ઓનલાઈન મૂલ્યાંકન વ્યવસ્થા એટલે કે ‘ઓન-સ્ક્રીન માર્કિંગ’ (OSM) સિસ્ટમમાં કથિત અનિયમિતતાઓ અને વિદ્યાર્થીઓ-વાલીઓ તરફથી ઉઠાવવામાં આવેલી ફરિયાદોને ધ્યાનમાં રાખીને આ પગલું લેવામાં આવ્યું હોવાનું માનવામાં આવે છે. સાથે જ સમગ્ર મામલાની તપાસ માટે ઉચ્ચસ્તરીય તપાસ સમિતિની પણ રચના કરવામાં આવી છે.
OSM સિસ્ટમ વિવાદ બાદ સરકારનું એક્શન
તાજેતરના સમયમાં CBSEની ઓન-સ્ક્રીન માર્કિંગ સિસ્ટમ અંગે અનેક પ્રશ્નો ઊભા થયા હતા. વિદ્યાર્થીઓ અને વાલીઓએ પરીક્ષાની ઉત્તરવહીઓના મૂલ્યાંકન અને પરિણામ પ્રક્રિયામાં પારદર્શિતા અંગે ચિંતા વ્યક્ત કરી હતી. આ પૃષ્ઠભૂમિમાં કેન્દ્ર સરકારે બોર્ડના ટોચના સ્તરે ફેરફારો કરીને સમગ્ર મામલાને ગંભીરતાથી લેવાનો સંકેત આપ્યો છે.
CBSE દ્વારા અમલમાં મૂકાયેલી ઓન-સ્ક્રીન માર્કિંગ પદ્ધતિ હેઠળ વિદ્યાર્થીઓની ઉત્તરવહીઓને સ્કેન કરીને કમ્પ્યુટર સ્ક્રીન પર મૂલ્યાંકન કરવામાં આવે છે. બોર્ડનો દાવો છે કે આ પદ્ધતિ દ્વારા મૂલ્યાંકન વધુ ઝડપી, પારદર્શક અને ભેદભાવમુક્ત બને છે. જોકે પરિણામો જાહેર થયા બાદ કેટલાક વિદ્યાર્થીઓ અને વાલીઓએ આ પ્રક્રિયા સામે ગંભીર સવાલો ઉઠાવ્યા હતા.
તપાસ માટે ઉચ્ચસ્તરીય સમિતિની રચના
આ સમગ્ર મામલાની તપાસ માટે વિશેષ ઇન્ક્વાયરી કમિટીની રચના કરવામાં આવી છે. આ સમિતિની જવાબદારી કેપેસિટી બિલ્ડિંગ કમિશન (CBC)ના અધ્યક્ષ એસ. રાધા ચૌહાણને સોંપવામાં આવી છે. સમિતિ જરૂરિયાત મુજબ અન્ય વિભાગોના અધિકારીઓની મદદ પણ લઈ શકશે.
તપાસ દરમિયાન સમિતિ ઓન-સ્ક્રીન માર્કિંગ સિસ્ટમના અમલીકરણ, ટેક્નિકલ પ્રક્રિયા, મૂલ્યાંકનની પદ્ધતિ અને વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવેલી ફરિયાદોની વિગતવાર સમીક્ષા કરશે. સમિતિને એક મહિનાની અંદર પોતાની તપાસ પૂર્ણ કરીને કાર્મિક અને પ્રશિક્ષણ વિભાગ (DoPT)ને રિપોર્ટ સોંપવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.
સમિતિને વહીવટી અને સચિવાલય સહાય પૂરી પાડવાની જવાબદારી પણ કેપેસિટી બિલ્ડિંગ કમિશનને સોંપવામાં આવી છે.
વિદ્યાર્થીઓ અને વાલીઓએ શું ફરિયાદો કરી?
OSM સિસ્ટમ અમલમાં આવ્યા બાદ કેટલાક વિદ્યાર્થીઓ અને વાલીઓએ પરિણામોની વિશ્વસનીયતા અંગે પ્રશ્નો ઉઠાવ્યા હતા. અનેક વિદ્યાર્થીઓનું કહેવું હતું કે તેમણે પરીક્ષામાં સારો દેખાવ કર્યો હોવા છતાં અપેક્ષા કરતાં ઓછા ગુણ મળ્યા છે.
કેટલાક કિસ્સાઓમાં વિદ્યાર્થીઓએ એવો પણ દાવો કર્યો કે પુનઃમૂલ્યાંકન અથવા ગુણ ચકાસણી પ્રક્રિયા દરમિયાન તેમને પૂરતી અને સ્પષ્ટ માહિતી આપવામાં આવી નહોતી. વાલીઓએ પણ આક્ષેપ કર્યો હતો કે ડિજિટલ મૂલ્યાંકન પદ્ધતિમાં થયેલી ભૂલો શોધવી અને તેની સામે અપીલ કરવી મુશ્કેલ બની જાય છે.
ફરિયાદોમાં ઉત્તરવહીઓના સ્કેનિંગની ગુણવત્તા, ટેક્નિકલ ખામીઓ, ગુણ અપલોડ કરતી વખતે સંભવિત ભૂલો અને ડિજિટલ પ્રક્રિયામાં પારદર્શિતાના અભાવ જેવા મુદ્દાઓનો પણ સમાવેશ થાય છે. કેટલાક વિદ્યાર્થીઓએ તો એવો પણ દાવો કર્યો કે મૂલ્યાંકન માટે ઉપયોગમાં લેવાયેલી ઉત્તરવહી તેમની પોતાની નહોતી.
શું છે ઓન-સ્ક્રીન માર્કિંગ સિસ્ટમ?
શૈક્ષણિક મૂલ્યાંકનને વધુ આધુનિક અને ઝડપી બનાવવા માટે CBSE દ્વારા ઓન-સ્ક્રીન માર્કિંગ સિસ્ટમ અમલમાં મૂકવામાં આવી હતી. આ પદ્ધતિમાં પરીક્ષા પૂર્ણ થયા બાદ ઉત્તરવહીઓને સ્કેન કરવામાં આવે છે અને ત્યારબાદ મૂલ્યાંકનકર્તાઓ કમ્પ્યુટર સ્ક્રીન પર તેનો અભ્યાસ કરીને ગુણ આપે છે.
આ સિસ્ટમનો મુખ્ય હેતુ માનવીય ભૂલો ઘટાડવાનો, મૂલ્યાંકનની ગતિ વધારવાની અને વિવિધ કેન્દ્રોમાં એકરૂપતા જાળવવાની હતી. જોકે તાજેતરની ફરિયાદોએ દર્શાવ્યું છે કે ટેક્નોલોજી આધારિત આ પદ્ધતિમાં પણ કેટલીક વ્યવહારિક અને ટેક્નિકલ પડકારો હોઈ શકે છે.





