કેન્દ્રિય માધ્યમિક શિક્ષણ બોર્ડ (CBSE) દ્વારા 2026-27 શૈક્ષણિક સત્રથી ભાષા શિક્ષણમાં મોટો ફેરફાર જાહેર કરવામાં આવ્યો છે. નવી નીતિ મુજબ વિદ્યાર્થીઓ માટે “3 ભાષા ફોર્મ્યુલા” લાગુ થશે, જેમાં ઓછામાં ઓછી 2 ભાષા ભારતીય હોવી ફરજિયાત રહેશે. આ ફેરફાર નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP 2020) અને નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક (NCF 2023) સાથે સંકળાયેલી છે આ નિયમને લઈને સોશિયલ મીડિયા અને માતા-પિતાઓને ગૂંચવણ ઉભી થઈ છે. ખાસ કરીને ધોરણ 9 અને 10 માટે આ નિયમોની અમલવારી તબક્કાવાર કરવામાં આવશે અને તમામ ફેરફારો એક સાથે લાગુ નહીં થાય.
3-ભાષા ફોર્મ્યુલા શું છે?
CBSEએ ભાષા અભ્યાસને 3 સ્તરે વહેંચ્યો છે. R1, R2 અને R3. R1 અને R2 મુખ્ય ભાષાઓ છે જ્યારે R3 ત્રીજી ભાષા તરીકે ઉમેરાઈ છે. નિયમ મુજબ વિદ્યાર્થીઓએ કુલ 3 ભાષા શીખવી પડશે અને તેમાંની બે ભારતીય ભાષાઓ હોવી જરૂરી છે. ઉદાહરણ તરીકે, વિદ્યાર્થી હિન્દી અને ગુજરાતી સાથે અંગ્રેજી લઈ શકે છે. આથી ભાષિક વૈવિધ્ય અને સાંસ્કૃતિક સમજ વધારવાનો ઉદ્દેશ્ય છે.
ધો.9-10 માટે શું બદલાયું?
નવી નીતિ અંગે સૌથી મહત્વની વાત એ છે કે 2026થી ધોરણ 9માં અભ્યાસક્રમ બદલાશે પરંતુ ત્રીજી ભાષા (R3) તરત જ ફરજિયાત નહીં બને. CBSEના સત્તાવાર દસ્તાવેજ મુજબ, ધોરણ 9માં હાલ મુખ્યત્વે બે ભાષા (R1 અને R2) જ લાગુ રહેશે, જ્યારે R3નો સંપૂર્ણ અમલ 2029-30 પછી થશે. તેથી હાલના વિદ્યાર્થીઓ માટે કોઈ અચાનક ભાર વધશે નહીં. જોકે, ભવિષ્યમાં ધોરણ 10ની બોર્ડ પરીક્ષામાં ત્રણેય ભાષામાં પાસ થવું જરૂરી બનશે.
ધોરણ 6થી શરૂ થશે મોટો ફેરફાર
મૂળ ફેરફાર ધોરણ 6થી શરૂ થાય છે. 2026-27થી ધોરણ 6માં ત્રીજી ભાષા ફરજિયાત કરવામાં આવી રહી છે. આ વિદ્યાર્થીઓ જ્યારે ધોરણ 10માં પહોંચશે (લગભગ 2031માં), ત્યારે સંપૂર્ણ ત્રણ ભાષા સિસ્ટમ લાગુ થશે. આનો અર્થ એ છે કે હાલના ધોરણ 9-10ના વિદ્યાર્થીઓ માટે આ નિયમ સંપૂર્ણ રીતે લાગુ નહીં થાય, પરંતુ આગામી બેચ માટે મોટો ફેરફાર રહેશે.
ભાષા પસંદગી માટેના નિયમો
R1 તરીકે હિન્દી, અંગ્રેજી, ઉર્દૂ અથવા કન્નડ પસંદ કરી શકાય
R2 માટે બાકીની 40થી વધુ ભાષાઓમાંથી પસંદગી
એક જ ભાષા R1 અને R2 તરીકે લઈ શકાશે નહીં
કુલ ભાષાઓમાં ઓછામાં ઓછા બે ભારતીય હોવી જરૂરી
આ સાથે CBSEએ કુલ 44 ભાષાઓનો વિકલ્પ ઉપલબ્ધ કરાવ્યો છે, જેમાં અનેક પ્રાદેશિક ભાષાઓનો સમાવેશ થાય છે.
આ બદલાવ પાછળનો હેતુ
આ નીતિનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં બહુભાષી ક્ષમતા વિકસાવવાનો છે. NEP 2020 મુજબ, ભાષા શિક્ષણ માત્ર વિષય નહીં પરંતુ સંસ્કૃતિ અને વિચારશક્તિ વિકસાવવાનો માધ્યમ છે.
સમજ શક્તિ વધે છે
નવી ભાષા શીખવાની ક્ષમતા વિકસે છે
સંસ્કૃતિ પ્રત્યે જાગૃતિ વધે છે
અન્ય મહત્વપૂર્ણ ફેરફારો પણ લાગુ
ભાષા સિવાય CBSEએ 2026થી અન્ય ફેરફારો પણ કર્યા છે
ગણિત અને વિજ્ઞાનમાં “સ્ટાન્ડર્ડ + એડવાન્સ” લેવલ સિસ્ટમ
આર્ટ, વોકેશનલ અને ફિઝિકલ એજ્યુકેશન ફરજિયાત
AI અને કોમ્પ્યુટેશનલ થિંકિંગનો સમાવેશ
આ તમામ ફેરફારોનો ઉદ્દેશ માત્ર પરીક્ષા આધારિત અભ્યાસમાંથી બહાર આવીને પ્રેક્ટિકલ અને સ્કિલ આધારિત શિક્ષણ તરફ જવાનું છે.





