Car Modifications : આજકાલ લોકોમાં પોતાની ગાડીને સ્ટાઇલિશ અને આકર્ષક બનાવવાનો ભારે ક્રેઝ જોવા મળી રહ્યો છે. રસ્તા પર દોડતી ગાડીઓ બીજા કરતાં અલગ દેખાય તે માટે કાર પ્રેમીઓ તેમાં અવનવા મોડિફિકેશન (ફેરફાર) કરાવે છે. પરંતુ શું તમે જાણો છો કે તમારો આ શોખ તમારા ખિસ્સા પર ભારે પડી શકે છે? જો તમે ગાડીમાં કોઈ મોટો ફેરફાર કરાવો છો અને તેની માહિતી વીમા કંપનીને નથી આપતા, તો અકસ્માત સમયે તમારો ઇન્શ્યોરન્સ ક્લેમ રિજેક્ટ થઈ શકે છે. નેશનલ ક્રાઈમ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (NCIB) એ પણ સોશિયલ મીડિયા પર આ અંગે વાહન ચાલકો માટે એક મહત્વની ચેતવણી જાહેર કરી છે.
મોડિફિકેશનનો વધતો ટ્રેન્ડ
કાર કે બાઇક ખરીદ્યા પછી તેમાં મોડિફિકેશન કરાવવું એ આજકાલ એક નવો ટ્રેન્ડ બની ગયો છે. લોકો પોતાની ગાડીના લુકને બદલવા માટે મોંઘા એલોય વ્હીલ્સ, ભારે સાઉન્ડ સિસ્ટમ, આકર્ષક કલર, હેડલાઇટ્સ અને એન્જિનમાં પણ મોટા ફેરફારો કરાવે છે. આ બધું જોવામાં ખૂબ જ સરસ લાગે છે અને ગાડીને પ્રીમિયમ લુક આપે છે, પરંતુ વીમાના નિયમો અનુસાર આ ફેરફારો તમારા માટે મુશ્કેલી ઉભી કરી શકે છે.
₹10 લાખથી ₹44 લાખ સુધીની Hondaની નવી બાઇક્સ લોન્ચ: E-Clutch ટેક્નોલોજી સાથે આવી 4 પ્રીમિયમ બાઇક્સ!
એન્ડોર્સમેન્ટ મેળવવું કેમ જરૂરી છે?
નેશનલ ક્રાઈમ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (NCIB) ની સત્તાવાર એક્સ (X) પોસ્ટ અનુસાર, વાહનમાં કોઈ પણ નાનો કે મોટો બદલાવ કર્યા પછી વીમા કંપનીને તેની જાણ કરવી કાયદાકીય રીતે ખૂબ જ જરૂરી છે. વીમાના કાયદા હેઠળ, ગાડીમાં મોડિફિકેશન કરાવ્યા પછી તમારે કંપની પાસેથી 'એન્ડોર્સમેન્ટ' (Endorsement) મેળવવું પડે છે. આનો અર્થ એ થાય છે કે વીમા કંપની તમારી પોલિસીમાં આ ફેરફારોને સત્તાવાર રીતે સ્વીકારે છે અને તેને નોંધી લે છે.
ભૂલ કરવાથી શું નુકસાન થઈ શકે?
જો તમે વાહનમાં મોડિફિકેશન કરાવો છો પરંતુ વીમા કંપની પાસેથી એન્ડોર્સમેન્ટ નથી મેળવતા, તો તેને વીમા પોલિસીની શરતોનું સ્પષ્ટ ઉલ્લંઘન માનવામાં આવે છે. આવી સ્થિતિમાં, ભવિષ્યમાં જો ગાડીને કોઈ નુકસાન થાય, ચોરી થાય અથવા અકસ્માત થાય, તો વીમા કંપની તમારો ક્લેમ સીધો જ નકારી કાઢશે. આનાથી ફેરફાર કરાવવાનો શોખ તમારા માટે આર્થિક રીતે મોટું નુકસાન કરાવી શકે છે.
1 જુલાઈ પહેલાં ટાટાની કાર ખરીદનારાઓની થશે ફાયદો!: કંપનીએ EV સહિત તમામ કારના ભાવ વધારવાની કરી જાહેરાત
ફેરફાર કરાવતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો
ગાડીમાં કોઈ પણ પ્રકારનું મોડિફિકેશન કરાવતા પહેલા અથવા કરાવ્યા પછી તરત જ તમારી વીમા કંપનીને લેખિતમાં જાણ કરો. કંપનીને જાણ કર્યા વગર કોઈ પણ મોટો કે કાયમી ફેરફાર કરવાનું ટાળવું જોઈએ. આ ઉપરાંત, વીમા કંપનીને હંમેશા વાહનમાં કરેલા બદલાવની સાચી માહિતી આપો. ગાડીમાં કરેલા ફેરફારો છુપાવવા અથવા ખોટી માહિતી આપવી તમારા માટે મોટું નુકસાન કરાવી શકે છે.
ક્લેમ રિજેક્શનથી બચવાનો રસ્તો
તમારા વીમા કવરેજને હંમેશા સુરક્ષિત રાખવા માટે અને ક્લેમ કરતી વખતે કોઈ પણ પ્રકારની ઝંઝટથી બચવા માટે એન્ડોર્સમેન્ટ લેવાનું ક્યારેય ભૂલશો નહીં. એન્ડોર્સમેન્ટ વિના ફાઈલ કરાયેલા મોટાભાગના દાવાઓ નામંજૂર થાય છે. તેથી, જ્યારે પણ ગાડીને નવો લુક આપો, ત્યારે વીમાના કાગળોમાં પણ તેને અપડેટ કરવાનું ચોક્કસ યાદ રાખો જેથી અકસ્માત કે નુકસાનના સમયે તમને પૂરેપૂરો ક્લેમ સરળતાથી મળી શકે.






