Car modification guide : પોતાની કારને એક યુનિક લુક આપવો કોને ન ગમે? આજના સમયમાં પોતાની કારમાં એલોય વ્હીલ્સ, લાઉડ મ્યુઝિક સિસ્ટમ અને ફેન્સી લાઈટ્સ લગાવવાનો ક્રેઝ યુવાનોમાં સતત વધી રહ્યો છે. પરંતુ, શું તમે જાણો છો કે, તમારી પસંદગીનું એક નાનું મોડિફિકેશન તમને ટ્રાફિક પોલીસના સકંજામાં લાવી શકે છે? ભારતમાં મોટર વ્હીકલ એક્ટ મુજબ ઘણા ફેરફારો ગેરકાયદેસર છે. જાણો તમારી કારમાં તમે કયા મોડિફિકેશન કરવી શકો છો અને કયા મોડિફિકેશન નહીં કરવી શકાય.
નિયમો જાણવા કેમ જરૂરી?
ભારતમાં કોઈપણ વાહનમાં ફેરફાર 'મોટર વ્હીકલ એક્ટ, 1988' હેઠળ આવે છે. આ કાયદા મુજબ, વાહન તેની મૂળ ડિઝાઇન (જેવું કંપનીએ બનાવ્યું છે) માં હોવું જોઈએ. જો તમે આરટીઓ (RTO) ની મંજૂરી વગર મોટા ફેરફારો કરો છો, તો તમારી આરસી (RC) કેન્સલ થઈ શકે છે અને ભારે દંડ પણ થઈ શકે છે.
કયા ફેરફારો તમે કરવી શકો છો? (Legal Modifications)
ઇન્ટિરિયર કસ્ટમાઇઝેશન : કારની અંદર સીટ કવર બદલવા, સારી મ્યુઝિક સિસ્ટમ નાખવી કે એમ્બિયન્ટ લાઈટિંગ લગાવવી સંપૂર્ણપણે કાયદેસર છે.
એલોય વ્હીલ્સ : તમે એલોય વ્હીલ્સ લગાવી શકો છો, પરંતુ શરત એ છે કે, ટાયરની સાઇઝ કંપનીએ આપેલા માપદંડ મુજબ હોવી જોઈએ.
નાના સ્ટીકર્સ : કાર પર નાના ગ્રાફિક્સ કે સ્ટીકર્સ લગાવવા પર કોઈ પ્રતિબંધ નથી.
ભૂલેચૂકે પણ આ ફેરફાર ન કરતા (Illegal Modifications)
લાઉડ એક્ઝોસ્ટ : કંપનીના સાયલેન્સર બદલીને પટાકા ફોડતા કે જોરથી અવાજ કરતાં એક્ઝોસ્ટ લગાવવા ગેરકાયદેસર છે.
ટિન્ટેડ ગ્લાસ : કારના કાચ પર કાળી ફિલ્મ લગાવવી ગુનો છે. વિઝિબિલિટી આગળ 70% અને સાઇઝમાં 50% હોવી જ જોઈએ.
સ્ટ્રક્ચરલ ફેરફાર : કારની રૂફ કાપીને સનરૂફ બનાવવું કે ચેસીસમાં છેડછાડ કરવી એ સૌથી મોટો ગુનો ગણાય છે.
VIP લાઇટ્સ : સામાન્ય નાગરિક પોતાની કાર પર લાલ, નીલી કે સ્ટ્રોબ લાઇટ્સ લગાવી શકતા નથી.
દંડ અને કાયદાકીય કાર્યવાહી
જો તમે નિયમો તોડો છો, તો પ્રથમ વખત ₹5,000 અને બીજી વખત પકડાવા પર ₹10,000 સુધીનો દંડ થઈ શકે છે. એટલું જ નહીં, પોલીસ પાસે તમારી કાર જપ્ત કરવાની અને તમારું RC સસ્પેન્ડ કરવાની સત્તા પણ છે.
RTO ની મંજૂરી ક્યારે લેવી?
જો તમારે કારનો રંગ બદલવો હોય અથવા ડિઝલ-પેટ્રોલ કારમાં CNG કિટ નંખાવવી હોય, તો તમારે તરત જ RTO નો સંપર્ક કરી RC માં તેની નોંધણી કરાવવી ફરજિયાત છે.





