Home Sports Captain Jemimahs Aggressive Fifty Leads Delhi To A Stunning Victory Mumbai Suffers Third Consecutive Defeat

WPL 2026માં દિલ્હીનું ધામાકેદાર કમબેક : કેપ્ટન જેમિમાની આક્રમક ફિફ્ટીથી દિલ્હીની શાનદાર જીત, મુંબઈને સતત ત્રીજી હાર મળી

WPL 2026માં દિલ્હીનું ધામાકેદાર કમબેક
Published by: OBS Bureau
Last Updated: Jan 21, 2026, 04:50 AM IST

Delhi Capitals Women beat Mumbai Indians Women Match Result: દિલ્હી કેપિટલ્સ મહિલા ટીમે WPL 2026માં શાનદાર કમબેક કર્યું છે. સિઝનની શરૂઆતમાં સતત બે મેચ હાર્યા બાદ દિલ્હીએ હવે સતત બે જીત નોંધાવી છે. આ જીત સાથે દિલ્હી પોઈન્ટ્સ ટેબલમાં ત્રણ અન્ય ટીમો બરાબર પહોંચી ગઈ છે. નવી કેપ્ટન જેમિમા રોડ્રિગ્ઝની મેચ વિનિંગ અર્ધશતકી ઇનિંગ્સના દમ પર દિલ્હીએ ડિફેન્ડિંગ ચેમ્પિયન મુંબઈ ઇન્ડિયન્સને 7 વિકેટે પરાજય આપ્યો. વડોદરામાં રમાયેલી આ મેચમાં મુંબઈએ પહેલા બેટિંગ કરીને 5 વિકેટના નુકસાને 154 રન બનાવ્યા હતા. તેના જવાબમાં દિલ્હી કેપિટલ્સે 19 ઓવરમાં જ લક્ષ્ય હાંસલ કરી લીધું. આ દિલ્હીની ટૂર્નામેન્ટમાં બીજી જીત છે, જ્યારે મુંબઈને સતત ત્રીજી અને કુલ ચોથી હારનો સામનો કરવો પડ્યો.

દિલ્હીની દમદાર બોલિંગ

મેચની શરૂઆતથી જ દિલ્હી કેપિટલ્સના બોલરોએ શાનદાર પ્રદર્શન કર્યું. માત્ર 4.1 ઓવરમાં 21 રનમાં મુંબઈના બંને ઓપનર્સને પેવેલિયન મોકલી દેતા દિલ્હીએ મજબૂત પકડ બનાવી. જોકે ત્યારબાદ મુંબઈની કેપ્ટન હરમનપ્રીત કૌર અને ઉપ-કેપ્ટન નેટ સાયવર-બ્રન્ટ વચ્ચે 78 રનની મહત્વની ભાગીદારી થઈ, જેનાથી મુંબઈની ઇનિંગ્સને સ્થિરતા મળી. જ્યારે આ જોડીએ દિલ્હીને મુશ્કેલીમાં મૂકી હતી, ત્યારે યુવા સ્પિનર શ્રી ચરણીએ હરમનપ્રીત કૌર (41)ને આઉટ કરીને મેચમાં વળાંક લાવ્યો. નેટ સાયવર-બ્રન્ટે જવાબદારીભરી બેટિંગ કરતાં 45 બોલમાં 65 રન બનાવ્યા અને નોટઆઉટ રહી. મુંબઈ 154 રન સુધી પહોંચી શક્યું. દિલ્હીની તરફથી શ્રી ચરણી સૌથી સફળ બોલર રહી, જેમણે 33 રનમાં 3 વિકેટ ઝડપી.

જેમિમા-લિઝેલની તાબડતોડ બેટિંગ

155 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી દિલ્હી કેપિટલ્સને ઓપનર્સે શાનદાર શરૂઆત અપાવી. લિઝેલ લી અને શેફાલી વર્માએ ઝડપી બેટિંગ કરતાં પ્રથમ વિકેટ માટે 63 રનની ભાગીદારી કરી. લિઝેલ લીએ માત્ર 28 બોલમાં 44 રન ફટકાર્યા, જ્યારે શેફાલી વર્માએ 29 રન બનાવ્યા. 10 ઓવર બાદ દિલ્હીનો સ્કોર 84/2 હતો. ત્યારબાદ કેપ્ટન જેમિમા રોડ્રિગ્ઝ અને લૌરા વુલ્વાર્ટ વચ્ચે ધીમી ભાગીદારી થઈ, જેના કારણે દબાણ વધ્યું. 17મા ઓવરની પહેલી જ બોલ પર વુલ્વાર્ટ રનઆઉટ થઈ ગઈ. અહીંથી જેમિમાએ ગિયર બદલી દીધો. એક સમયે 28 બોલમાં માત્ર 26 રન બનાવનાર જેમિમાએ આગળની 9 બોલમાં 25 રન ફટકારી અર્ધશતક પૂર્ણ કર્યું. તેઓ 37 બોલમાં 51 રન બનાવી નોટઆઉટ રહ્યા અને દિલ્હીને 6 બોલ બાકી રહેતા જ જીત અપાવી. કેપ્ટન તરીકે જેમિમાની આ ઇનિંગ્સ દિલ્હી માટે આત્મવિશ્વાસ વધારનારી સાબિત થઈ છે અને ટીમ હવે ટૂર્નામેન્ટમાં મજબૂત દાવેદાર બનીને આગળ વધી રહી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now