Home International Canada Wildfire Train Caught In Ontario Blaze Video

કેનેડાના જંગલમાં ભીષણ આગનો તાંડવ! : ટ્રેન જ્વાળાઓ વચ્ચેથી પસાર થતાં સર્જાયા રોમાંચક દૃશ્યો, ડરામણો VIDEO વાયરલ

Canada Wildfire
Image Credit: @AZ_Intel_
Published by: Nirali Gohil
Last Updated: Jul 15, 2026, 05:46 AM IST

Canada Wildfire: કેનેડામાં ફરી એકવાર જંગલ આગ (Wildfire)એ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. નોર્ધર્ન ઓન્ટારિયોના આર્મસ્ટ્રોંગ (Armstrong) નજીક એક માલગાડી ભીષણ જંગલ આગની વચ્ચે ફસાઈ જતાં સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં ટ્રેનની બંને બાજુએ સળગતું જંગલ, આકાશને ઢાંકી દેતો ગાઢ ધુમાડો અને ઝડપથી આગળ વધતી આગના દૃશ્યો જોઈ શકાય છે, જેને કારણે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો છે. આ ઘટના માત્ર એક ટ્રેન સુધી મર્યાદિત નથી, પરંતુ સમગ્ર કેનેડામાં ફેલાયેલી જંગલ આગની ગંભીર પરિસ્થિતિનું પ્રતિબિંબ છે. દેશના અનેક પ્રાંતોમાં હાલમાં 800થી વધુ વાઇલ્ડફાયર સક્રિય હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. સતત ગરમી, લાંબા સમયથી પડતા દુકાળ અને સૂકાઈ ગયેલા જંગલોના કારણે આગ ઝડપથી ફેલાઈ રહી છે, જેના કારણે સ્થાનિક પ્રશાસન અને રાહત એજન્સીઓ માટે પડકારો વધી ગયા છે.

જ્વાળાઓ વચ્ચે દોડી ટ્રેન, વીડિયો જોઈ લોકો ચોંકી ઉઠ્યા

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં એક માલગાડી ઘન જંગલમાંથી પસાર થઈ રહી છે અને તેની બંને બાજુએ આગની ઊંચી જ્વાળાઓ ભભૂકી રહી છે. ગાઢ ધુમાડાના કારણે ટ્રેન લગભગ દેખાતી પણ નથી, છતાં તે ધીમે-ધીમે આગળ વધતી જોવા મળે છે. પ્રાથમિક માહિતી અનુસાર, ટ્રેનના ક્રૂ સભ્યો સુરક્ષિત રીતે બહાર નીકળી ગયા હતા અને કોઈ જાનહાનિ થઈ નથી. જોકે ટ્રેનને કેટલું નુકસાન થયું છે અથવા આ ઘટનાના કારણે રેલવે સેવાઓ પર કેટલી અસર પડી છે તે અંગે સત્તાવાર માહિતી હજુ સુધી જાહેર કરવામાં આવી નથી.

કેનેડામાં 800થી વધુ જંગલ આગ સક્રિય

કેનેડા હાલમાં વર્ષના સૌથી મોટા વાઇલ્ડફાયર સંકટમાંથી પસાર થઈ રહ્યું છે. દેશના અનેક વિસ્તારોમાં 800થી વધુ જંગલ આગ સળગી રહી છે, જેમાં પશ્ચિમ-મધ્ય ઓન્ટારિયો સૌથી વધુ પ્રભાવિત વિસ્તારોમાં સામેલ છે. વિશેષજ્ઞોના જણાવ્યા અનુસાર, લાંબા સમયથી વરસાદનો અભાવ, અત્યંત સૂકું વાતાવરણ અને તીવ્ર ગરમીને કારણે આગ ઝડપથી ફેલાઈ રહી છે. ઘણા વિસ્તારોમાં તાપમાન 38 ડિગ્રી સેલ્સિયસથી પણ વધુ નોંધાયું છે, જેના કારણે આગ પર કાબૂ મેળવવો વધુ મુશ્કેલ બની રહ્યો છે.

અમેરિકાના સરહદી વિસ્તારોમાં પણ વધ્યો ખતરો

કેનેડાની સરહદને અડીને આવેલા અમેરિકાના મિનેસોટા રાજ્યના ઉત્તરીય વિસ્તારોમાં પણ અનેક જંગલ આગ સળગી રહી છે. જેના કારણે બંને દેશોની સરહદી વિસ્તારોમાં આગ અને ધુમાડાની અસર વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. અધિકારીઓ સતત આગની સ્થિતિ પર નજર રાખી રહ્યા છે અને જરૂર પડે ત્યાં સ્થાનિક લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી રહી છે.

આ પણ વાંચો: 'વાતચીત કરો નહીં તો બધું બરબાદ કરી દઈશું'... : ટ્રમ્પની ઇરાનને ખુલ્લી ધમકી, કહ્યું- 'પાવર પ્લાન્ટ અને પુલો પર કરશે હુમલો'

અમેરિકાના અનેક શહેરોમાં સ્મોક એલર્ટ

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર પવનની દિશામાં ફેરફાર થતાં કેનેડાની જંગલ આગમાંથી નીકળતો ગાઢ ધુમાડો હવે અમેરિકાના અનેક રાજ્યો તરફ આગળ વધી રહ્યો છે. ગ્રીન બે, મિલવોકી, ગ્રાન્ડ રેપિડ્સ, ડેટ્રોઇટ, બફેલો, ન્યૂયોર્ક સિટી અને પ્રોવિડન્સ સહિતના શહેરોમાં હવાની ગુણવત્તા બગડવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. કેટલાક વિસ્તારોમાં દૃશ્યતા પણ ઘટી શકે છે.

હવાની ગુણવત્તા અંગે આરોગ્ય વિભાગની ચેતવણી

કેનેડાની આગના ધુમાડાની અસર અમેરિકાના ન્યૂ જર્સી સહિતના વિસ્તારોમાં પણ જોવા મળી રહી છે. કેટલીક જગ્યાએ હવાની ગુણવત્તા ખરાબ થવાની શક્યતાને ધ્યાનમાં રાખીને એર ક્વોલિટી એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આરોગ્ય અધિકારીઓએ વૃદ્ધો, બાળકો, ગર્ભવતી મહિલાઓ અને શ્વાસ સંબંધિત બીમારી ધરાવતા લોકોને લાંબા સમય સુધી ખુલ્લા વાતાવરણમાં રહેવાનું ટાળવાની સલાહ આપી છે. જો ધુમાડાનું પ્રમાણ વધશે તો વધુ વિસ્તારોમાં પણ આરોગ્ય સંબંધિત ચેતવણીઓ જાહેર થઈ શકે છે.

ક્લાઈમેટ ચેન્જ વચ્ચે વધી રહ્યા છે વાઇલ્ડફાયર

વિશ્વભરના હવામાન નિષ્ણાતો માને છે કે,Canada Wildfire વધતું વૈશ્વિક તાપમાન, લાંબા સમય સુધી રહેતી ગરમી અને વરસાદના બદલાતા ચક્રને કારણે કેનેડા સહિતના અનેક દેશોમાં વાઇલ્ડફાયરની ઘટનાઓ સતત વધી રહી છે. હાલ કેનેડામાં આગ પર કાબૂ મેળવવા માટે ફાયર ફાઇટર્સ, હેલિકોપ્ટર અને વિશેષ બચાવ દળો સતત કામગીરી કરી રહ્યા છે. જોકે હવામાનમાં સુધારો ન થાય ત્યાં સુધી સ્થિતિ વધુ ગંભીર બની શકે છે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

વારંવાર પૂછાતા પ્રશ્નો

કેનેડાના વિવિધ પ્રાંતોમાં હાલમાં 800થી વધુ વાઇલ્ડફાયર સક્રિય હોવાનું જણાવવામાં આવ્યું છે. ઓન્ટારિયો સહિત અનેક વિસ્તારોમાં દુકાળ અને ભારે ગરમીના કારણે આગ ઝડપથી ફેલાઈ રહી છે.

લાંબા સમયથી વરસાદનો અભાવ, સૂકી વનસ્પતિ, ઊંચું તાપમાન અને હીટવેવ જેવી પરિસ્થિતિઓને કારણે જંગલ આગ ઝડપથી ફેલાઈ રહી છે, જેના કારણે આગ પર કાબૂ મેળવવો મુશ્કેલ બની રહ્યો છે.

કેનેડામાં લાગેલી આગમાંથી નીકળતો ધુમાડો પવનના કારણે અમેરિકાના અનેક રાજ્યો તરફ આગળ વધી રહ્યો છે. જેના કારણે હવાની ગુણવત્તા ખરાબ થવાની આશંકા વચ્ચે અનેક વિસ્તારોમાં એર ક્વોલિટી એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now