Visavadar Assembly By-Elcation: ફરી એકવાર ગુજરાતમાં ફૂંકાયું છે ચૂંટણીનું બિગુલ. વિસાવદર અને કડી ખાલી પડેલી બે વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી યોજાવા જઈ રહી છે. ચૂંટણી પંચ દ્વારા આગામી 19 જૂને પેટાચૂંટણી માટે મતદાન અને 23 જૂને મતગરણતરીની તારીખ જાહેર કરી દેવામાં આવી છે. ઈલેક્શન કમિશનરે ચૂંટણીની તારીખો જાહેર કરતાની સાથે જ ગુજરાતમાં રાજકારણ ગરમાયું છે. 26 મેથી ચૂંટણીફોર્મ ભરવાની શરૂઆત થશે.
પક્ષ દ્વારા ચૂંટણી લડવા માટે મેન્ડેટ મળે તે પહેલાં જ દાવેદારોના નિવેદનો સામે આવતા નવો વિવાદ ઉભો થયો છે. વિસાવદરમાં ભાજપના નેતા અને પૂર્વ ધારાસભ્ય હર્ષદ રિબડિયાનું એક નિવેદન હાલ રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યું છે. સામાન્ય રીતે ભાજપને અનુશાસનવાળી પાર્ટી કહેવામાં આવે છે. જેમાં હાઈકમાન્ડ દ્વારા જ દરેક નિર્ણય લેવામાં આવતા હોય છે. જોકે, ચૂંટણી આવતાની સાથે જ નેતાઓ જાણે હાઈકમાન્ડને કોરણે કરીને બધી કમાન પોતાના હાથમાં લઈ લેતા હોય એવા ઘાટ જોવા મળે છે.
"હું મારા દમ પર ચૂંટણી જીતાડી શકું છું"
ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી વિસાવદર બેઠક પર પણ કંઈક આજ પ્રકારના ઘાટ જોવા મળી રહ્યાં છે. કારણકે, પૂર્વ ધારાસભ્ય અને ભાજપના દિગ્ગજ નેતા હર્ષદ રીબડીયાએ આવખતે બાયો ચઢાવી છે. પાર્ટી ટિકિટ આપે કે કોઈ નામની જાહેરાત કરે તે પહેલાં જ આ નેતાજી પોતે સાફો બાંધીને ચૂંટણી લડવા બિગુલ વગાડી રહ્યાં છે. હર્ષદ રીબડીયાએ કહ્યું છેકે, હું વિસાવદરના ચૂંટણી મેદાનમાં ઉતરવા માટે આતુર છું, તૈયાર છું. જો પાર્ટી મને ટિકિટ આપે તો મારી સંપૂર્ણ તૈયારી સાથે ચૂંટણી મેદાનમાં ઉતરીશ. હું લડવા માટે તૈયાર છું, વિસાવદર બેઠક પર ભાજપની જીત નિશ્ચિત છે. હું મારા દમ પર ચૂંટણી જીતાડી શકું છું.
કેમ ખાલી પડી વિસાવદર વિધાનસભાની બેઠક?
વર્ષ 2022માં આમ આદમી પાર્ટીના ભૂપત ભાયાણીએ વિધાનસભા ચૂંટણીમાં જીત હાંસલ કરીને વિસાવદર બેઠકના ધારાસભ્ય બન્યા હતા. જોકે, બાદમાં ભાયણીએ પક્ષપલટો કરીને ધારાસભ્ય પદેથી રાજીનામું ધરી દેતા આ બેઠક ખાલી પડી. પદ પરથી રાજીનામું આપવાના પગલે વિસાવદર બેઠક ખાલી પડી હતી. બાદમાં ભાજપના હર્ષદ રીબડીયાએ તેમના વિરુદ્ધ ચૂંટણી ગેરરીતિની પિટિશન હાઈકોર્ટમાં દાખલ કરી હતી. આ પિટિશનના કારણે વિસાવદર પર પેટા ચૂંટણી અટકી હતી. રીબડીયાએ પિટિશન પરત ખેંચી લેતાં ચૂંટણીનો માર્ગ મોકળો થયો છે.






