7th Pay Commission: કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે મહત્વપૂર્ણ સમાચાર આવ્યા છે. મોંઘવારી ભથ્થું (DA) અને મોંઘવારી રાહત (DR) માં આગામી વધારો હાલમાં ચર્ચાનો વિષય બન્યો છે. મહત્ત્વનું છેકે, સરકારી પગાર અને પેન્શનમાં DA અને DR એક મહત્વપૂર્ણ ઘટક છે. તેમનો હેતુ ફુગાવાની અસર ઘટાડવાનો અને ખરીદ શક્તિ જાળવવાનો છે. સરકાર વર્ષમાં બે વાર (જાન્યુઆરી અને જુલાઈમાં) તેમની સમીક્ષા કરે છે. તાજેતરના મીડિયા અહેવાલો અનુસાર, દિવાળીની આસપાસ, એટલે કે ઑક્ટોબર 2025ના મધ્યભાગમાં કેબિનેટ બેઠક યોજાઈ શકે છે જેમાં DA/DR વધારાની જાહેરાત થશે.
DA અને DR શું છે?
મોંઘવારી ભથ્થું (Dearness Allowance - DA) અને મોંઘવારી રાહત (Dearness Relief - DR) એ સરકારી કર્મચારીઓ અને પેન્શનરોના પગાર અને પેન્શનનો અગત્યનો ભાગ છે. તેનું મુખ્ય ઉદ્દેશ્ય ફુગાવાની અસરને નાબૂદ કરીને તેમના ખર્ચ ક્ષમતા (purchasing power) ને જાળવી રાખવાનો છે. 7મા પગાર પંચ (7th Pay Commission) હેઠળ, સરકારે દર વર્ષે જાન્યુઆરી અને જુલાઈ મહિનામાં DA/DRની સમીક્ષા કરવાની રીત અપનાવી છે.
છેલ્લો વધારો ક્યારે થયો હતો?
કેન્દ્ર સરકારે માર્ચ 2025માં DA અને DRમાં 2% નો વધારો કર્યો હતો, જે 1 જાન્યુઆરી 2025થી અમલમાં આવ્યો હતો. આ વધારો મળ્યા પછી કુલ દર 55% થયો હતો. સરકારે બાકી રહેલા ત્રણ મહિનાના DA/DR (જાન્યુઆરીથી માર્ચ) પણ ચૂકવ્યા હતા.
હવે કેટલો વધારો થઈ શકે?
તહેવારોની સિઝનને ધ્યાનમાં રાખીને અને ફુગાવા દરના આધારે, DA અને DRમાં 3%નો વધારો થવાની શક્યતા જણાવાઈ રહી છે. જો આવું થાય છે, તો મોંઘવારી ભથ્થું 55%થી વધી 58% થઈ જશે. આ વધારો જુલાઈ 2025થી અમલમાં આવશે અને તેના બાકી રહેલા ભાગનો જથ્થો ઓક્ટોબર અથવા ડિસેમ્બર 2025ના પગારમાં ઉમેરાઈ શકે છે.
કેટલો વધશે પગાર?
જે કર્મચારી 7મા પગાર પંચ હેઠળ રૂ. 18,000 મૂળ પગાર પામે છે, તેને DAમાં 3% વધારાથી આશરે રૂ. 540 વધારાનો લાભ મળશે. તેનો કુલ પગાર રૂ. 28,440 થઈ શકે છે. પેન્શનર જે રૂ. 9,000 પેન્શન મેળવે છે, તેની DRમાં રૂ. 270નો વધારો થઈ શકે છે, જેનાથી પેન્શન રૂ. 14,220 થઈ જશે.
ક્યારેય થશે જાહેરાત?
અંદાજ મુજબ ઓક્ટોબર 2025ના મધ્યભાગમાં કેબિનેટ બેઠક યોજાશે.
દિવાળી પહેલાં જાહેરાત થવાની શકયતા છે.
નવેસરથી મળનારી રકમ પાછળથી મળવા પાત્ર હોય શકે છે.
DA/DRના દરો સરકારે મંજુર કર્યા બાદ તાત્કાલિક અમલમાં આવે છે, પણ તેની નોંધપાત્ર અસર કર્મચારીઓની નેટ આવક અને તહેવાર દરમિયાનના ખર્ચ પર પડે છે. તેથી, આ નિર્ણય ન માત્ર તાત્કાલિક રાહત આપે છે, પણ સમગ્ર અર્થતંત્રમાં ઉપભોક્તા ખર્ચ વધારવામાં પણ યોગદાન આપે છે.