Home Gujarat Bullying Of Retired Policemans Son In Vadodara

વડોદરામાં નિવૃત્ત પોલીસ કર્મીના પુત્રની દાદાગીરી : 'પોલીસ'ની પ્લેટ, બ્લેક ફિલ્મ, અને નશામાં ચૂર થઈ ધમકી

વડોદરામાં નિવૃત્ત પોલીસ કર્મીના પુત્રની દાદાગીરી
Published by: OBS Bureau
Last Updated: Jan 28, 2026, 07:40 AM IST

વડોદરા શહેરમાં કાયદા-વ્યવસ્થાને પડકાર ફેંકતી એક ગંભીર ઘટના સામે આવી છે. અકોટા વિસ્તારમાં મનીષા ચોકડી પાસે આવેલા જલધારા એપાર્ટમેન્ટ નજીક નિવૃત્ત પોલીસ કર્મીના પુત્ર દ્વારા દાદાગીરી કરાયાની ફરિયાદ સામે આવતા શહેરમાં ચકચાર મચી ગઈ છે. ઘટનામાં આરોપીએ પોલીસના નામે ધમકી આપી જાહેર સ્થળે અશાંતિ ફેલાવ્યાનો આક્ષેપ થયો છે. પ્રાપ્ત વિગતો મુજબ, જલધારા એપાર્ટમેન્ટ પાસે ચારથી પાંચ યુવાનો ઊભા હતા તે દરમિયાન આરોપી પોતાની કારમાં ત્યાં પહોંચ્યો હતો અને કારમાં બેઠા બેઠા દારૂ પી રહ્યો હતો અને પોતે પોલીસ સાથે સંકળાયેલો હોવાનું જણાવી યુવાનોને ધમકાવ્યા હતા. પરિસ્થિતિ શંકાસ્પદ લાગતાં યુવાનોએ ઘટનાનો વીડિયો ઉતારવાનો પ્રયાસ કર્યો હતો. આ વાતથી ઉશ્કેરાયેલા આરોપીએ તેમની ગાડીના કાચ તોડી નાંખ્યાનો ગંભીર આરોપ મૂકાયો છે.

નિવૃત્ત પોલીસ કર્મીના પુત્રની દાદાગીરી

ઘટનામાં ઉપયોગમાં લેવાયેલી કાર નંબર પ્લેટ વગરની હોવાનું બહાર આવ્યું છે. વધુમાં, કાર પર પોલીસની પ્લેટ, પોલીસ લાઇટ તેમજ બ્લેક ફિલ્મ લગાવવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે, જે પોતે જ કાયદાની સ્પષ્ટ ઉલ્લંઘના ગણાય છે. આ સમગ્ર ઘટનાથી સ્થાનિકોમાં ભય અને રોષનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં જ અકોટા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને પરિસ્થિતિ પર કાબુ મેળવી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે આરોપીને કસ્ટડીમાં લઈ પ્રાથમિક પૂછપરછ શરૂ કરી હતી. આરોપી નશાની હાલતમાં હોવાની શંકા જતા તેને મેડિકલ ચેકઅપ માટે સરકારી હોસ્પિટલ લઈ જવાયો હતો, જ્યાં તેની તબીબી તપાસ કરવામાં આવી.

અકોટામાં ‘પોલીસ’ના નામે ધમકી

પોલીસે કારની તપાસ કરી જરૂરી પુરાવા એકત્ર કર્યા છે અને વાહન પર લાગેલ બ્લેક ફિલ્મ, પોલીસ લાઇટ તથા પ્લેટ અંગે અલગથી કાર્યવાહી કરવાની તૈયારી દર્શાવી છે. આ સાથે જ, પોલીસના નામે દાદાગીરી કરી સામાન્ય નાગરિકોને ધમકાવવાના પ્રયાસને ગંભીરતાથી લઈ વધુ કડક પગલાં લેવામાં આવશે તેમ અકોટા પોલીસ દ્વારા જણાવાયું છે. આ ઘટના ફરી એકવાર એ પ્રશ્ન ઊભો કરે છે કે, પોલીસની ઓળખ અથવા સંબંધોના નામે થતી દાદાગીરી સામે કાયદો કેટલો કડક બને છે. શહેરના નાગરિકોમાં કાયદા પર વિશ્વાસ જળવાઈ રહે તે માટે ઝડપી અને પારદર્શક કાર્યવાહી જરૂરી હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now