Gandhinagar News: રાજધાની ગાંધીનગરના જાણીતા પિકનિક સ્પોટ સંત સરોવર પાસે આજે એક કરુણ ઘટના બની હતી. સાબરમતી નદીના ઊંડા પાણીમાં નહાવા પડેલા કલોલના ચાર યુવકો ડૂબ્યા હતા. આ દુર્ઘટનામાં એક યુવકનું મોત નીપજ્યું છે, જ્યારે અન્ય ત્રણને બચાવી લેવામાં આવ્યા છે.
ઘટનાની વિગતો
મળતી માહિતી મુજબ, કલોલના રહેવાસી ચાર મિત્રો રજાના દિવસે ગાંધીનગરના સંત સરોવર ખાતે ફરવા આવ્યા હતા. ગરમીથી રાહત મેળવવા માટે તેઓ સાબરમતી નદીમાં નહાવા પડ્યા હતા. જોકે, નદીમાં પાણીનું સ્તર ઊંડું હોવાને કારણે ચારેય યુવકો અચાનક ડૂબવા લાગ્યા હતા.
PM મોદીનો 11 મેના રોજ ગુજરાત પ્રવાસ : સોમનાથથી વડોદરા સુધી તડામાર તૈયારીઓ, રોડ શોની શક્યતા
બચાવ કામગીરી
સ્થાનિકો અને ત્યાં હાજર લોકોએ બૂમાબૂમ કરતા તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. ચાર પૈકી ત્રણ યુવકોને સમયસર નદીમાંથી બહાર કાઢી લેવામાં સફળતા મળી હતી. ઘટનાની જાણ થતા જ ગાંધીનગર ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને ગુમ થયેલા ચોથા યુવકની શોધખોળ હાથ ધરી હતી.
એક યુવકનું મોત
કલાકોની જહેમત બાદ ફાયરની ટીમને લાપતા યુવકની બોડી મળી આવી હતી. નદીમાં પાણી ઊંડું હોવાને કારણે યુવક શ્વાસ રૂંધાવાથી મૃત્યુ પામ્યો હતો. ફાયર વિભાગ દ્વારા મૃતકની લાશને બહાર કાઢીને આગળની કાર્યવાહી માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે. સંત સરોવર અને સાબરમતી નદીના કિનારે વહીવટી તંત્ર દ્વારા વારંવાર ચેતવણી આપવામાં આવે છે કે ઊંડા પાણીમાં ઉતરવું જોખમી છે, તેમ છતાં આવી દુર્ઘટનાઓ અવારનવાર સામે આવતી રહે છે.





