Vadodara News: મુંબઈ-અમદાવાદ હાઈસ્પીડ રેલ (બુલેટ ટ્રેન) પ્રોજેક્ટની કામગીરી હવે પૂરજોશમાં ચાલી રહી છે. વડોદરા શહેરમાં આ પ્રોજેક્ટ અંતર્ગત ગડર લોન્ચિંગની મહત્વની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, જેના કારણે ટ્રાફિક વ્યવસ્થામાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. જોકે, આ વિકાસકાર્ય વચ્ચે સ્થાનિક રહિશો માટે હાલાકીના દ્રશ્યો સર્જાયા છે.
8 એપ્રિલ સુધી બ્રિજ બંધ રહેશે
વડોદરાના વ્યસ્ત ગણાતા અકોટા-દાંડિયા બજાર બ્રિજને ગડર લોન્ચિંગની કામગીરી માટે વાહનવ્યવહાર માટે સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો છે. વડોદરા ટ્રાફિક પોલીસના જણાવ્યા અનુસાર, આ રસ્તો 8 એપ્રિલ 2026 સુધી બંધ રહેશે. વહીવટીતંત્ર દ્વારા સુરક્ષાના ભાગરૂપે બેરિકેટ્સ લગાવી દેવામાં આવ્યા છે, જેના કારણે વાહનચાલકો અને રાહદારીઓએ લાંબો ફેરો ખાઈને અવરજવર કરવાની ફરજ પડી રહી છે.
15 પરિવારો રસ્તા વિના 'કેદ' થયા
આ કામગીરીની સૌથી ગંભીર અસર દાંડિયા બજાર સ્થિત શનિદેવ મંદિરની પાછળ રહેતા પરિવારો પર પડી છે. બ્રિજ તરફ જતા રસ્તા પર મંદિરની પાછળ અંદાજે 15 જેટલા પરિવારો વસવાટ કરે છે. ટ્રાફિક પોલીસ દ્વારા ઘરની બિલકુલ નજીક જ બેરિકેટ્સ લગાવી દેવામાં આવતા આ પરિવારોનો અવરજવરનો મુખ્ય રસ્તો જ બંધ થઈ ગયો છે.
સ્થાનિકોની મુખ્ય સમસ્યાઓ:
ઘરની બહાર નીકળતા જ બેરિકેટ્સ હોવાથી ટુ-વ્હીલર કે અન્ય વાહન લાવવા-લઈ જવામાં મુશ્કેલી પડી રહી છે.
આ પરિવારોમાં નાના બાળકો અને બીમાર વૃદ્ધો પણ છે, જેમને ઈમરજન્સીના સમયે બહાર લઈ જવા અત્યંત કઠિન બન્યું છે.
તંત્ર દ્વારા બ્રિજ બંધ કરવાની જાહેરાત તો કરાઈ, પરંતુ આ ગલીમાં રહેતા લોકો માટે કોઈ ચોક્કસ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી નથી.
સ્થાનિકોની માંગ
રસ્તો બંધ થતા અટવાયેલા પરિવારોએ તંત્ર સમક્ષ ન્યાયની માંગ કરી છે. રહિશોનું કહેવું છે કે, "અમે વિકાસના વિરોધી નથી, પરંતુ અમારા ઘરના દરવાજા પાસે જ રસ્તો બંધ કરી દેવાતા અમે પાયમાલ જેવી સ્થિતિમાં મુકાયા છીએ." સ્થાનિકોએ વહીવટીતંત્ર અને નેશનલ હાઈસ્પીડ રેલ કોર્પોરેશન પાસે માંગ કરી છે કે તેમને અવરજવર માટે તાત્કાલિક કોઈ વૈકલ્પિક રસ્તો અથવા હંગામી વ્યવસ્થા કરી આપવામાં આવે. હાલ તો બુલેટ ટ્રેનની ગતિ વધારવા માટે સ્થાનિકોની ગતિ રોકાઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે. હવે જોવાનું એ રહે છે કે તંત્ર આ 15 પરિવારોની પીડા સાંભળીને શું પગલાં ભરે છે.





