બ્રાઝિલના રિયો ડી જાનેરોમાં યોજાયેલી 17મી BRICS સમિટમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતના દૃષ્ટિકોણને મજબૂતીથી રજુ કર્યો. તેમણે જણાવ્યું કે જ્યારે ભારત BRICSનું અધ્યક્ષપદ સંભાળશે, ત્યારે સંગઠન “સહકાર અને સ્થિરતા માટે શક્તિ અને નવીનતા”ના દિશામાં આગળ વધશે. વડાપ્રધાનએ કહ્યું કે BRICS માત્ર એક પ્લેટફોર્મ નથી, પરંતુ હવે તે વિકાસશીલ દેશોની આશાઓનું કેન્દ્ર બનશે.
BRICSને મળશે નવી ઓળખ
પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું કે ભારત BRICSને એક નવો હેતુ આપશે, જ્યાં માનવતાની ભાવના અને લોકો-કેન્દ્રિત અભિગમની સાથે સંગઠન આગળ વધશે. તેમણે સ્પષ્ટ કર્યો કે ભારતના અધ્યક્ષપદ દરમિયાન "ગ્લોબલ સાઉથ"ને વિશેષ પ્રાધાન્ય આપવામાં આવશે અને નવો વિશ્વ વ્યવસ્થાક્રમ નાગરિક કેન્દ્રીત દિશામાં દોરી જવાનો પ્રયાસ થશે.
આબોહવા ન્યાય ભારત માટે નૈતિક ફરજ: મોદી
આબોહવા પરિવર્તન અંગે વડાપ્રધાને જણાવ્યું કે જ્યારે કેટલાક દેશો આ સમસ્યાને માત્ર આંકડાઓમાં જોવે છે, ત્યારે ભારત તેનો અભિગમ સંસ્કૃતિના સ્તરે ધરાવે છે. “આબોહવા ન્યાય એ ભારત માટે કોઈ વિકલ્પ નથી, તે નૈતિક ફરજ છે,” એમ તેમણે જણાવ્યું. પૃથ્વી અને માનવ સ્વાસ્થ્ય વચ્ચેના ઊંડા સંબંધ પર પણ તેમણે ભાર મૂક્યો.
નાના દેશો માટે મજબૂત અવાજ, નવી ટેકનોલોજી સૌ માટે
વિકાસશીલ અને નાના દેશોને વૈશ્વિક મંચ પર અવકાશ આપવા મુદ્દે પણ મોદીએ સ્પષ્ટ વલણ જાહેર કર્યું. તેમણે જણાવ્યું કે દરેકને સમાન અધિકાર અને ભાગીદારી મળવી જોઈએ. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જેવી નવી ટેકનોલોજી માત્ર સમૃદ્ધ રાષ્ટ્રોની બપોર ન રહેવી જોઈએ, તેનો લાભ દરેક સુધી પહોંચવો જોઈએ.
આતંકવાદ મુદ્દે દ્રઢ અને સ્પષ્ટ સંદેશ
આતંકવાદ મુદ્દે પીએમ મોદીએ BRICS મંચ પરથી કડક સંદેશ આપ્યો. જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં તાજેતરમાં થયેલા આતંકી હુમલાનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે “આ હુમલો ફક્ત ભારત નહીં, આખી માનવતા પર હુમલો છે.” મોદી એ એવો ઇશારો કર્યો કે જે દેશો આતંકવાદીઓને ટેકો આપે છે તેમના પર કડક કાર્યવાહી હોવી જરૂરી છે. “આ મુદ્દે કોઈ બમણી નીતિ ન ચાલે,” એમ તેમણે જણાવ્યું.
મોદીએ તમામ દેશોને શૂન્ય સહિષ્ણુતાની નીતિ અપનાવવાની અપીલ કરી. "આ લડત ફક્ત ભારતની નથી, આખા વિશ્વની છે," એમ તેમણે જણાવ્યું. BRICS દ્વારા પહેલગામ હુમલાની કરાયેલી નિંદાના પગલે ભારતે સંગઠનનો આભાર વ્યક્ત કર્યો.

_d11ee6cc-336a-4d30-99df-c1f6f7cfb1f4.jpg)




