મધ્યપ્રદેશના ઇન્દોર શહેરમાં યોજાયેલા પાંચ દિવસીય આંતરરાષ્ટ્રીય BRICS કૃષિ સંમેલનના ચોથા દિવસે ભારતે વૈશ્વિક કૃષિ વિકાસ અને ખાદ્ય સુરક્ષાને લઈને મહત્વપૂર્ણ સંદેશ આપ્યો હતો. કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે સંમેલનની અધ્યક્ષતા કરતાં જણાવ્યું હતું કે નાના અને સીમાંત ખેડૂતોને સશક્ત બનાવ્યા વિના વિશ્વની ખાદ્ય સુરક્ષાને મજબૂત બનાવવી શક્ય નથી. તેમણે BRICS દેશોને કૃષિ ક્ષેત્રના પડકારો સામે સંયુક્ત પ્રયાસો કરવાની અપીલ કરી હતી.
શિવરાજસિંહ ચૌહાણે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે ભારત "વસુધૈવ કુટુંબકમ્"ના સિદ્ધાંતને માનતું દેશ છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ સમગ્ર વિશ્વને એક પરિવાર માનીને વિકાસ, સહયોગ અને શાંતિના માર્ગે આગળ વધી રહ્યું છે. તેમણે કહ્યું કે વૈશ્વિક સ્તરે વધતા પડકારો વચ્ચે કૃષિ ક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય સહકાર હવે સમયની જરૂરિયાત બની ગયો છે.
જળવાયુ પરિવર્તન સૌથી મોટો પડકાર
કૃષિ મંત્રીએ જણાવ્યું હતું કે આજે વિશ્વભરના ખેડૂતો જળવાયુ પરિવર્તન, કુદરતી સંસાધનો પર વધતા દબાણ અને બજારની અનિશ્ચિતતાઓ જેવા ગંભીર પડકારોનો સામનો કરી રહ્યા છે. ખાસ કરીને નાના અને સીમાંત ખેડૂતો આ પરિસ્થિતિથી સૌથી વધુ પ્રભાવિત થાય છે.
તેમણે ભારપૂર્વક જણાવ્યું કે જો BRICS દેશો સંયુક્ત રીતે આ પડકારોના ઉકેલ માટે આગળ આવશે તો લાખો ખેડૂતોને સીધો લાભ મળશે. નાના ખેડૂતોને નવી ટેક્નોલોજી, નાણાકીય સહાય અને બજાર સુધી સરળ પહોંચ ઉપલબ્ધ કરાવવી જરૂરી છે.
આ પણ વાંચો: શું કોંગ્રેસમાં પરત ફરશે મમતા અને શરદ પવાર? : રાજકીય અટકળો વચ્ચે ‘અખંડ કોંગ્રેસ’ની ચર્ચા તેજ
કૃષિ ક્ષેત્રે ભારતની મોટી સિદ્ધિઓ
સંમેલનમાં ભારતની કૃષિ પ્રગતિ અંગે માહિતી આપતાં શિવરાજસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે છેલ્લા દસ વર્ષમાં દેશમાં કૃષિ ક્ષેત્રે સરેરાશ 4.5 ટકાનો વાર્ષિક વિકાસ નોંધાયો છે. તેમણે જણાવ્યું કે દેશનું કુલ અનાજ ઉત્પાદન હવે આશરે 376 મિલિયન ટન સુધી પહોંચી ગયું છે. ઘઉંનું ઉત્પાદન 118 મિલિયન ટનથી વધુ નોંધાયું છે, જ્યારે બાગાયતી પાકોનું ઉત્પાદન 378 મિલિયન ટનથી પણ વધુ થયું છે. માછીમારી ક્ષેત્રે પણ નોંધપાત્ર વૃદ્ધિ થઈ છે અને માછલી ઉત્પાદન 19 મિલિયન ટનને પાર કરી ગયું છે. આંકડાઓ રજૂ કરતાં તેમણે જણાવ્યું કે ભારત કૃષિ ક્ષેત્રે આત્મનિર્ભરતા તરફ મજબૂત પગલાં ભરી રહ્યું છે અને અનેક કૃષિ ઉત્પાદનોમાં વિશ્વના અગ્રણી ઉત્પાદક દેશોમાં સ્થાન ધરાવે છે.
આ પણ વાંચો: અલ નીનોના ખતરાને લઈને PM મોદીની ચેતવણી : રાજ્યોને તૈયાર રહેવા આપી સૂચના
87 ટકા ખેડૂતો નાના અને સીમાંત
શિવરાજસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે દેશમાં લગભગ 87 ટકા ખેડૂતો નાના અને સીમાંત વર્ગના છે. આવા ખેડૂતોને આર્થિક રીતે મજબૂત બનાવવા માટે કેન્દ્ર સરકારે અનેક યોજનાઓ અમલમાં મૂકી છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ, કિસાન ક્રેડિટ કાર્ડ યોજના અને પાક વીમા યોજના જેવી પહેલો ખેડૂતોને સીધી મદદ પહોંચાડી રહી છે. આ યોજનાઓના કારણે ખેડૂતોને આર્થિક સુરક્ષા મળી રહી છે અને કૃષિ ક્ષેત્રમાં રોકાણ વધારવા માટે પ્રોત્સાહન મળી રહ્યું છે.
પ્રાકૃતિક ખેતી અને જમીન સંરક્ષણ પર ભાર
કેન્દ્રીય મંત્રીએ પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું કે રાસાયણિક ખાતરોનો સંતુલિત ઉપયોગ અને જમીનની ફળદ્રુપતા જાળવી રાખવી આવનારા સમયમાં ખૂબ જ મહત્વપૂર્ણ બનશે. તેમણે "ખેત બચાવો અભિયાન"નો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે ખેડૂતો સુધી વૈજ્ઞાનિક માહિતી, આધુનિક ટેક્નોલોજી અને નવી કૃષિ પદ્ધતિઓ પહોંચાડવા માટે સતત પ્રયાસો થઈ રહ્યા છે. ટકાઉ કૃષિ વિકાસ માટે જમીન અને પાણી જેવા કુદરતી સંસાધનોનું સંરક્ષણ અનિવાર્ય હોવાનું તેમણે જણાવ્યું.
આ પણ વાંચો: 'ભારત પર હુમલામાં વપરાતા હથિયારો તમે વેચો છો' : યુરોપમાં જયશંકરે બતાવ્યો અરીસો
મહિલા અને યુવાનો બની રહ્યા છે પરિવર્તનના વાહક
સંમેલનમાં કૃષિ ક્ષેત્રમાં મહિલાઓ અને યુવાનોની ભૂમિકા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. શિવરાજસિંહ ચૌહાણે જણાવ્યું કે સ્વ-સહાય જૂથો દ્વારા મહિલાઓ કૃષિ અને સંલગ્ન વ્યવસાયોમાં આગેવાની કરી રહી છે. તેમણે "ડ્રોન દીદી" જેવી યોજનાઓનો ઉલ્લેખ કરતાં કહ્યું કે ગ્રામિણ ભારતમાં ટેક્નોલોજી આધારિત પરિવર્તન ઝડપથી થઈ રહ્યું છે. યુવાનોને કૃષિ સ્ટાર્ટઅપ્સ, કૃષિ ટેક્નોલોજી અને નવીનતા તરફ આગળ આવવા માટે પણ તેમણે આહ્વાન કર્યું હતું.
BRICS દેશો વચ્ચે સહયોગ વધારવા પર ભાર
શિવરાજસિંહ ચૌહાણે BRICS દેશોને ખાદ્ય સુરક્ષા, ખેડૂતોની આવક વધારવા, કૃષિ નવીનતા અને જળવાયુ પરિવર્તન સામે લડવા માટે સંયુક્ત નીતિઓ ઘડવાની અપીલ કરી હતી. તેમણે જણાવ્યું કે સભ્ય દેશો વચ્ચે અનુભવ અને જ્ઞાનનું આદાન-પ્રદાન વૈશ્વિક કૃષિ ક્ષેત્રને નવી દિશા આપી શકે છે. કૃષિ ક્ષેત્રમાં સંશોધન, ટેક્નોલોજી અને બજાર વ્યવસ્થાના ક્ષેત્રે સહયોગ વધારવો સમયની માંગ છે.
13 જૂને કૃષિ મંત્રીઓની મહત્વપૂર્ણ બેઠક
સંમેલન દરમિયાન 13 જૂને BRICS દેશોના કૃષિ મંત્રીઓની મુખ્ય બેઠક યોજાશે. આ બેઠકમાં કૃષિ સહકાર મજબૂત બનાવવા, ખાદ્ય નુકસાન ઘટાડવા, જળવાયુ પરિવર્તનની અસર સામે રણનીતિ ઘડવા અને કૃષિ ક્ષેત્રમાં નવીનતાને પ્રોત્સાહન આપવા અંગે ચર્ચા કરવામાં આવશે. બેઠકના અંતે સભ્ય દેશોની સહમતિથી એક મહત્વપૂર્ણ દસ્તાવેજ તૈયાર કરવામાં આવશે, જે ભવિષ્યની કૃષિ નીતિઓ માટે માર્ગદર્શક બની શકે છે.
'BRICS વાટિકા' બનશે આકર્ષણનું કેન્દ્ર
સંમેલન દરમિયાન પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપવા માટે વિશેષ "BRICS વાટિકા" પણ વિકસાવવામાં આવશે. તેમાં તમામ સભ્ય દેશોના પ્રતિનિધિઓ દ્વારા સામૂહિક વૃક્ષારોપણ કરવામાં આવશે. આ પહેલને ટકાઉ વિકાસ અને પર્યાવરણ પ્રત્યેની સામૂહિક પ્રતિબદ્ધતાનું પ્રતિક માનવામાં આવી રહી છે.





