T20 World Cup : ભારત અને શ્રીલંકાની યજમાનીમાં યોજાનારા ICC T20 વર્લ્ડ કપ 2026 પહેલાં ક્રિકેટ જગતમાં પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના નિર્ણયથી હલચલ મચી ગઈ છે. પાકિસ્તાન સરકારે રવિવારે એક વિવાદાસ્પદ નિર્ણય લેતા PCB (પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ) ને ભારત સામે રમવાની મનાઈ ફરમાવી દીધી છે. પાકિસ્તાનનો આ અહંકાર તેને ભારે પડી શકે તેમ છે, કારણ કે હવે ICC પણ આરપારની લડાઈના મૂડમાં છે.
1. ટુર્નામેન્ટમાંથી કાયમી હકાલપટ્ટી
જો પાકિસ્તાન તેની જીદ પર અડગ રહેશે અને ભારત સામેની મેચનો બહિષ્કાર કરશે, તો ICC તેને સમગ્ર ટુર્નામેન્ટમાંથી બહાર કરી શકે છે. પાકિસ્તાનની જગ્યાએ યુગાન્ડા જેવી ટીમને સામેલ કરવાની પણ ચર્ચા છે. આ નિર્ણય પાકિસ્તાન ક્રિકેટના ઇતિહાસનો સૌથી કાળો દિવસ સાબિત થઈ શકે છે.
2. અબજો રૂપિયાનું આર્થિક નુકસાન
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ અત્યારે આર્થિક રીતે ICC ના ફંડ પર નિર્ભર છે. ભારત-પાકિસ્તાન મેચ ન રમાય તો બ્રોડકાસ્ટર 'Jio-Star' ને ₹200 કરોડથી વધુનું નુકસાન થઈ શકે છે. ICC આ નુકસાનની ભરપાઈ સીધી PCB ના વાર્ષિક રેવન્યુ શેરમાંથી કાપી લેશે, જેનાથી બોર્ડ દેવાળિયા થવાની કગાર પર આવી જશે.
3. PSL માં વિદેશી ખેલાડીઓ પર પ્રતિબંધ
પાકિસ્તાનની શાન ગણાતી પાકિસ્તાન સુપર લીગ (PSL) પર પણ સંકટના વાદળો છવાયા છે. ICC પાકિસ્તાનને મળતું NOC (નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ) રદ કરી શકે છે. પરિણામે, નિવૃત્ત ખેલાડીઓ સિવાયના કોઈ પણ મોટા ઇન્ટરનેશનલ ક્રિકેટમાં એક્ટિવ ખેલાડીઓ PSL માં રમી શકશે નહીં, જેના કારણે આ લીગની બ્રાન્ડ વેલ્યુ ખતમ થઈ જશે.
4. રેન્કિંગ અને પોઈન્ટ્સમાં મોટો ફટકો
ICC ના નિયમ (ક્લોઝ 16.10.7) મુજબ, જો પાકિસ્તાન મેચ રમવાની ના પાડે તો તેનો સ્કોર '0' ગણાશે અને તેનો નેટ રન રેટ અત્યંત નેગેટિવ થઈ જશે. આના કારણે તે ગ્રુપ સ્ટેજમાંથી જ બહાર ફેંકાઈ જશે. આ સિવાય વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) ના પોઈન્ટ્સ અને ICC રેન્કિંગમાં પણ પાકિસ્તાનને મોટું નુકસાન વેઠવું પડશે.
5. ભવિષ્યની યજમાની પર જોખમ
પાકિસ્તાનને 29 વર્ષ બાદ ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાની મળી હતી, પરંતુ ભારત સાથેના વિવાદને કારણે હવે ભવિષ્યમાં પાકિસ્તાનને કોઈ પણ મોટી ICC ટુર્નામેન્ટની યજમાની મળવી અશક્ય બની જશે. વિશ્વ સ્તરે પાકિસ્તાન ક્રિકેટમાં એકલું પડી જશે અને કોઈ પણ દેશ ત્યાં રમવા આવતા અચકાશે.
પાકિસ્તાન પોતાના પગે કુહાડી મારી રહ્યું છે.
પાકિસ્તાન સરકાર અને PCB ના આ નિર્ણયથી ચાહકોમાં પણ રોષ છે. ટીમમાં સલમાન અલી આગા જેવા ખેલાડીઓ રમવા માંગે છે, પરંતુ રાજકીય દબાણ હેઠળ પાકિસ્તાન પોતાના જ પગ પર કુહાડી મારી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે.




















