કચ્છ જિલ્લામાં માદક પદાર્થોના ગેરકાયદેસર વેપાર સામે બોર્ડર રેન્જ ભુજ આઇજી સાયબર સેલ દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અંજાર તાલુકાના ભીમાસર-ભુટકિયા સીમ વિસ્તારમાં મોટી માત્રામાં અફીણ ડોડાની ગેરકાયદેસર ખેતી ઝડપાઈ છે. આ સમગ્ર કાર્યવાહી ચિરાગ કોરડીયાના માર્ગદર્શન હેઠળ હાથ ધરાઈ હતી.
કચ્છમાં માદક પદાર્થના વેપલા!
બોર્ડર રેન્જ ભુજ આઇજી સાયબર સેલની સતર્કતા અને ટેકનિકલ તપાસના આધારે આ ગેરકાયદેસર પ્રવૃત્તિનો પર્દાફાશ થયો હતો. મળતી માહિતી અનુસાર આરોપીઓ દ્વારા અંદાજે 2 એકર જમીનમાં અફીણ ડોડાનું વાવેતર કરવામાં આવ્યું હતું. છેલ્લા બે દિવસથી સતત ચાલેલી ગુપ્ત કામગીરી બાદ પોલીસે સ્થળ પર દરોડો પાડી ગેરકાયદેસર ખેતીનો ભાંડો ફોડ્યો હતો.
બોર્ડર રેન્જ ભુજ IG સાયબર સેલની મોટી કાર્યવાહી
આ કાર્યવાહીથી માદક પદાર્થોના એક સંભવિત નેટવર્ક અંગે પણ મહત્વની કડીઓ હાથ લાગી છે. પોલીસે સ્થળ પરથી પુરાવા એકત્ર કરી આરોપીઓની ઓળખ અને તેમની સંડોવણી અંગે વધુ તપાસ શરૂ કરી છે. સમગ્ર કેસમાં આરોપીઓ વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે સરહદી વિસ્તારમાં માદક પદાર્થોની હેરાફેરી રોકવા માટે સતત નજર રાખવામાં આવી રહી છે અને આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કડક પગલાં લેવામાં આવશે.




















