Home Gujarat Bomb Threat Explodes At Bright School In Vadodara

વડોદરાની બ્રાઇટ સ્કૂલમાં બોમ્બ ધમકીનો ભાંડો ફૂટ્યો : ધોરણ-5 ના વિદ્યાર્થીની શરારત, પોલીસની કડક ચેતવણી

વડોદરાની બ્રાઇટ સ્કૂલમાં બોમ્બ ધમકીનો ભાંડો ફૂટ્યો
Play Video
Published by: OBS Bureau
Last Updated: Feb 17, 2026, 01:45 PM IST

વડોદરા શહેરમાં તાજેતરમાં શાળાઓ અને કોર્ટોને મળેલી બોમ્બ ધમકીઓ વચ્ચે એક ચોંકાવનારો ખુલાસો થયો છે. કારેલીબાગ-અમિતનગર વિસ્તારમાં આવેલી બ્રાઇટ સ્કૂલને મળેલા ધમકીભર્યા ઇ-મેઇલ પાછળ સ્કૂલમાં જ ધોરણ પાંચમાં અભ્યાસ કરતો 11 વર્ષીય વિદ્યાર્થી સંડોવાયેલો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.

ગતરોજ સોમવારે સાંજે લગભગ 5:30 વાગ્યે સ્વાતિ પટેલ નામના ઇ-મેઇલ આઈડી પરથી સ્કૂલ સંચાલનને મેલ મળ્યો હતો, જેમાં સ્કૂલમાં બોમ્બ મૂકાયો હોવાનો ઉલ્લેખ હતો. ધમકી મળતા જ શાળા સંચાલકોએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. સ્થાનિક પોલીસ, ડોગ સ્ક્વોડ અને બોમ્બ સ્ક્વોડ તુરંત જ સ્કૂલ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. સાવચેતીના ભાગરૂપે વિદ્યાર્થીઓને રજા આપવામાં આવી અને સમગ્ર પરિસરની ઘનિષ્ઠ તપાસ કરવામાં આવી, જોકે કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી નહોતી.

આ ઘટનાને પગલે શહેર અને જિલ્લામાં ભયનો માહોલ સર્જાયો હતો, કારણ કે અગાઉ પણ 25 જેટલી શાળાઓ અને દિવાળીપુરા કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. સમગ્ર પોલીસ તંત્ર એક્શન મોડમાં આવી ગયું હતું.

દરમિયાન સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા ટેક્નિકલ એનાલિસિસ હાથ ધરતા ધમકીભર્યો ઇ-મેઇલ સ્કૂલના જ એક વિદ્યાર્થી દ્વારા મોકલાયો હોવાનું સ્પષ્ટ થયું હતું. તપાસમાં બહાર આવ્યું કે વિદ્યાર્થીએ પરીક્ષા રદ કરાવવા અને ભયનું વાતાવરણ ઊભું કરવા માટે આ કૃત્ય કર્યું હતું. હાલમાં પોલીસ દ્વારા વિદ્યાર્થી અને તેના માતા-પિતાને સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન ખાતે બોલાવી પૂછપરછ કરવામાં આવી રહી છે.

પોલીસ કમિશનરે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે આવી ખોટી ધમકીઓ ખૂબ જ ગંભીર ગુનો છે અને ભવિષ્યમાં આવા કૃત્યો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. આ ઘટનાએ વાલીઓ અને શાળા સંચાલકોમાં ચિંતા જગાવી છે, પરંતુ પોલીસના ખુલાસા બાદ સ્થિતિ હવે સામાન્ય બની રહી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now