બોલિવૂડ એક્ટર બોબી દેઓલ (Bobby Deol) અત્યારે તેની કરિયરના ખૂબ જ સફળ ફેઝમાંથી પસાર થઈ રહ્યો છે. ૨૦૨૦માં આવેલી વેબ સિરીઝ 'આશ્રમ' (Aashram) અને તે પછી 'એનિમલ' (Animal) ફિલ્મથી તેને મોટી સફળતા મળી છે. જોકે, આ સફળતા પહેલાં બોબી દેઓલે પોતાની કરિયરમાં એક લાંબો ખરાબ સમય જોયો છે. હાલમાં જ એક ઇન્ટરવ્યુમાં બોબીએ તેના એ મુશ્કેલ દિવસો અને દારૂની લત (Alcohol Addiction) વિશે ખુલીને વાત કરી છે.
જ્યારે કામ ન મળતા દારૂની લત લાગી
બોબી દેઓલે જણાવ્યું કે, જ્યારે તેની ફિલ્મો ચાલતી નહોતી અને કરિયર ઠપ્પ થઈ ગઈ હતી, ત્યારે તે નિરાશામાં ડૂબી ગયો હતો. તેણે કહ્યું, "જ્યારે તમે હાર માની લો છો, ત્યારે તમને લાગે છે કે દુનિયા ખતમ થઈ ગઈ છે. મેં પણ દારૂ પીવાનું શરૂ કરી દીધું અને મને તેની લત લાગી ગઈ હતી. પરંતુ મારી પત્ની તાન્યાએ મને આમાંથી બહાર નીકળવામાં મદદ કરી."
પત્નીએ આર્થિક રીતે ઘર સંભાળ્યું
પોતાની પત્ની તાન્યાના વખાણ કરતા બોબીએ જણાવ્યું કે, "જો તાન્યા મારી લાઈફમાં ન હોત, તો હું આજે અહીં ન હોત. તે સમયે તેણે આર્થિક રીતે અમારું ઘર ચલાવ્યું હતું. તે ઓફિસે જતી અને ઘરના તમામ ખર્ચ ઉપાડતી હતી. જ્યારે મારા બાળકો મને પૂછતા કે પપ્પા તમે કેમ હંમેશા ઘરે બેસી રહો છો અને મમ્મી ઓફિસ જાય છે, ત્યારે મને આંચકો લાગ્યો અને મેં પોતાની જાત પર કામ કરવાનું નક્કી કર્યું." તાન્યા તેને છોડીને જતી રહી હોવાની અફવાઓ પર બોબીએ સ્પષ્ટ કર્યું કે તેની પત્ની ખૂબ જ મજબૂત છે અને તેણે ક્યારેય તેનો સાથ છોડ્યો નથી.
બંને દીકરાઓ બનશે એક્ટર
બોબી દેઓલે જણાવ્યું કે તેના બંને દીકરાઓ આર્યમન અને ધરમ એક્ટર બનવા માંગે છે. તેનો મોટો દીકરો ન્યૂ યોર્ક યુનિવર્સિટી (NYU)માંથી ફાઇનાન્સનો અભ્યાસ કરી ચૂક્યો છે, છતાં તે એક્ટિંગ કોર્સ કરી રહ્યો છે અને ટૂંક સમયમાં બોલિવૂડમાં એન્ટ્રી કરશે. જ્યારે નાનો દીકરો પણ ફિઝિક અને ડાન્સિંગ સ્કીલ્સ પર કામ કરી રહ્યો છે.
આગામી ફિલ્મો
બોબી દેઓલની આગામી ફિલ્મોની વાત કરીએ તો, તે આ વર્ષે 5 જૂને રિલીઝ થઈ રહેલી અનુરાગ કશ્યપની થ્રિલર ફિલ્મ 'બંદર'માં જોવા મળશે. આ સિવાય તે આલિયા ભટ્ટ અને શર્વરી સાથે YRF સ્પાય યુનિવર્સની ફિલ્મ 'આલ્ફા' (Alpha)માં અને તમિલ પોલિટિકલ થ્રિલર 'જના નાયગન'માં પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે.





