Home Entertainment Veteran Singer Suman Kalyanpur Passes Away At 89 Age

સંગીત જગતની મધુરતાનું અવસાન : 'ના ના કરતે પ્યાર તુમ્હી સે..' ફેમ દિગ્ગજ ગાયિકાનું 89 વર્ષની વયે નિધન

Veteran Singer Suman Kalyanpur
Published by: Nirali Gohil
Last Updated: Jun 01, 2026, 03:43 AM IST

Veteran Singer Suman Kalyanpur Passes Away at 89: ભારતીય સિનેમા અને સંગીત જગતમાંથી એક અત્યંત દુખદ સમાચાર સામે આવ્યા છે. 1960 અને 70ના દાયકાના સુવર્ણ યુગમાં પોતાની રેશમી અને મધુર અવાજથી લાખો શ્રોતાઓના દિલ જીતનાર ખ્યાતનામ પાર્શ્વ ગાયિકા સુમન કલ્યાણપુરનું અવસાન થયું છે. 89 વર્ષની વયે તેમણે મુંબઈના લોખંડવાલા સ્થિત પોતાના નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધા હતા. પદ્મ ભૂષણથી સન્માનિત આ મહાન કલાકારના નિધનથી સમગ્ર દેશમાં સંગીતપ્રેમીઓ અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં શોકની લહેર છવાઈ ગઈ છે. દાયકાઓ સુધી પોતાની ગાયકીનો જાદુ વિખેરનાર સુમનજીએ માત્ર ગીતો જ નથી ગાયા, પરંતુ ભારતીય સંગીતની વિરાસતને સમૃદ્ધ બનાવી છે. તેમના નિધન સાથે સંગીત જગતે એક એવો સ્વર ગુમાવ્યો છે, જેની જગ્યા ક્યારેય ભરી શકાશે નહીં.

વધતી ઉંમરની બિમારીઓએ છીનવી લીધી જીવનની ડોર

સુમન કલ્યાણપુરના નિધનના સમાચારની પુષ્ટિ તેમના નજીકના મિત્ર અને તેમના જીવનચરિત્ર 'સુમન સુગંધ'ના લેખિકા મંગલા ખાડિલકરે કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, સુમનજી છેલ્લા ઘણા સમયથી વધતી જતી ઉંમરને કારણે સ્વાસ્થ્ય સંબંધિત અનેક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હતા. રવિવારે રાત્રે આશરે 8 વાગ્યે તેમણે પોતાના ઘરે અત્યંત શાંતિપૂર્ણ રીતે અંતિમ શ્વાસ લીધા હતા. મંગલા ખાડિલકરે ભાવુક થઈને જણાવ્યું કે, જીવનના છેલ્લા દિવસોમાં પણ સુમનજી પોતાના જ ગાયેલા જૂના ગીતોને ખૂબ જ પ્રેમથી સાંભળતા હતા અને એ જ સંગીતમય યાદો સાથે તેમણે આ દુનિયાને અલવિદા કહ્યું.

આ પણ વાંચો: 'ટોયલેટમાં લાગ્યો હતો કેમેરો, નહાતો વીડિયો થયો લીક': ટોયલેટના કમોડ પર કેમેરો લગાવી શું જોવા માંગતા હતા મેકર્સ? રિયાલિટી શો અંગે અભિનેત્રીનો ખુલાસો

લતા મંગેશકરના યુગમાં પણ જાળવી પોતાની આગવી ઓળખ

ભારતીય ફિલ્મ સંગીતના ઈતિહાસમાં એક એવો સમય હતો જ્યારે સ્વર કોકિલા લતા મંગેશકરનો દબદબો હતો. તેવા કપરા કાળમાં પણ સુમન કલ્યાણપુરે પોતાની આગવી શૈલી અને ગાયકીની તાલીમ દ્વારા ઈન્ડસ્ટ્રીમાં પોતાનું સ્થાન મજબૂત કર્યું હતું. તેમની અવાજની મધુરતા એવી હતી કે તેઓ કોઈપણ ગીતને જીવંત કરી દેતા. 'ના ના કરતે પ્યાર તુમ્હી સે', 'તુમને પુકારા ઔર હમ ચલે આયે' અને 'મેરે સંગ સંગ આયા' જેવા સદાબહાર ગીતો આજે પણ લોકોની પ્લેલિસ્ટમાં અકબંધ છે.

બહુભાષી પ્રતિભા અને અજોડ સંગીત સાધના

સુમન કલ્યાણપુરનો જન્મ ઢાકામાં થયો હતો, પરંતુ મુંબઈએ તેમને પોતાની કલાને નિખારવાની તક આપી. તેમની ગાયકી માત્ર હિન્દી પૂરતી મર્યાદિત નહોતી. તેમણે મરાઠી, આસામી, કન્નડ, બંગાળી અને ઓડિયા સહિત ઘણી પ્રાદેશિક ભાષાઓમાં હજારો ગીતો રેકોર્ડ કર્યા હતા. ફિલ્મી ગીતો ઉપરાંત તેમણે ભક્તિ સંગીત, ગઝલ અને ઠુમરી જેવી શાસ્ત્રીય આધારિત ગાયકીમાં પણ અજોડ યોગદાન આપ્યું છે. ખાસ કરીને મરાઠી સંગીતમાં તેમના ગીતો ‘કેતકીચ્યા બની તિથે’, ‘સાંગ કધી કળનાર તુલા’ અને ‘લિંબોણીચ્યા ઝાડામાગે’ આજે પણ એટલા જ લોકપ્રિય છે. સંગીત ક્ષેત્રે તેમના આ અતુલ્ય યોગદાન બદલ ભારત સરકારે તેમને પ્રતિષ્ઠિત 'પદ્મ ભૂષણ' એવોર્ડથી સન્માનિત કર્યા હતા. સુમનજી પોતાના પાછળ 6 દાયકા લાંબી સંગીતમય સફર અને અગણિત યાદો છોડી ગયા છે, જે હંમેશા સંગીતપ્રેમીઓના હૃદયમાં જીવંત રહેશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now