બોલિવૂડ સુપરસ્ટાર વરુણ ધવન, મૃણાલ ઠાકુર અને પૂજા હેગડે આજે અમદાવાદની મુલાકાતે આવ્યા છે. ડેવિડ ધવનના ડિરેક્શનમાં બનેલી આગામી ફિલ્મ 'હે જવાની તો ઇશ્ક હોના હૈ'ના પ્રમોશન માટે ફિલ્મની આખી સ્ટારકાસ્ટ અને પ્રોડ્યુસર રમેશ તૌરાની અમદાવાદ પહોંચ્યા હતા.
પકવાન ડાઇનિંગ હોલમાં અસલ ગુજરાતી સ્વાદ
અમદાવાદ આવેલા આ કલાકારોએ ગુજરાતના પ્રખ્યાત સ્વાદનો આનંદ લેવા માટે 'પકવાન ડાઇનિંગ હોલ'ની મુલાકાત લીધી હતી. અહીં તમામ કલાકારોનું પરંપરાગત રીતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રમોશનલ ટૂર દરમિયાન એક ખાસ અને હૃદયસ્પર્શી નજારો જોવા મળ્યો હતો, જ્યારે સ્ટાર્સે પોતાનું સ્ટારડમ બાજુ પર મૂકીને બાળકો સાથે સમય વિતાવ્યો હતો.

NGOના બાળકો સાથે વિતાવી ખાસ ક્ષણો
આ ખાસ પ્રસંગે 'ચાંદની ફાઉન્ડેશન' NGOના નાના બાળકો પણ ત્યાં હાજર રહ્યા હતા. વરુણ, મૃણાલ અને પૂજાએ આ માસૂમ બાળકો સાથે ખૂબ જ આત્મીયતાથી વાતો કરી હતી. એટલું જ નહીં, કલાકારોએ બાળકોની બાજુમાં બેસીને પરંપરાગત ગુજરાતી થાળીની જ્યાફત માણી હતી. બોલિવૂડના આ મોટા કલાકારોને પોતાની સાથે જમતા જોઈને બાળકોના ચહેરા પર ખુશીની લહેર દોડી ગઈ હતી.
કલાકારોએ ગુજરાતના આતિથ્ય સત્કારને વખાણ્યો
ફિલ્મની લીડ એક્ટ્રેસ મૃણાલ ઠાકુર અને પૂજા હેગડેએ અમદાવાદના લોકોના પ્રેમ અને ગુજરાતી આતિથ્ય સત્કારના દિલથી વખાણ કર્યા હતા. તેમણે જણાવ્યું કે, ગુજરાતમાં આવીને જે સન્માન અને સ્નેહ મળે છે તે હંમેશા યાદગાર રહેશે. ભોજન બાદ પ્રોડ્યુસર રમેશ તૌરાની અને કલાકારોએ મીડિયા સાથે વાતચીત કરી હતી. તેમણે જણાવ્યું કે આ એક શાનદાર રોમેન્ટિક-ડ્રામા ફિલ્મ છે, જે આજની યુવા પેઢી અને સંબંધોની વાર્તા પર આધારિત છે.





