Home Gujarat Blue Moon 2026 Visible In Gujarat Best Time Micro Blue Moon Details

31 મેની રાત્રે આકાશમાં દેખાશે અદભૂત 'બ્લુ મૂન' : ગુજરાતમાંથી પણ માણી શકાશે વિરલ નજારો, જાણો આ ખગોળીય ઘટનાનું કારણ અને જોવાનો શ્રેષ્ઠ સમય

Blue Moon 2026
Image Credit: pinterest
Published by: Nirali Gohil
Last Updated: May 29, 2026, 01:45 AM IST

અમદાવાદ: અંગ્રેજીમાં એક ખૂબ જ પ્રચલિત કહેવત છે – "Once in a blue moon", જેનો અર્થ થાય છે એવી ઘટના જે અત્યંત દુર્લભ હોય અને ક્યારેક જ જોવા મળે છે. આગામી 31 મે, 2026ના રોજ ખગોળપ્રેમીઓ માટે એક આવો જ અદ્ભુત અને વિરલ નજારો આકાશમાં સર્જાવા જઈ રહ્યો છે. અધિક જ્યેષ્ઠ માસની આ પૂનમની રાત્રે આકાશમાં 'બ્લુ મૂન' (Blue Moon) જોવા મળશે. આ ખગોળીય ઘટનાને જોવા માટે સમગ્ર ગુજરાતના નાગરિકો ઉત્સુક છે, અને જો આકાશ ચોખ્ખું હશે તો આ અદ્ભુત નજારો કોઈપણ ટેલિસ્કોપ વગર નરી આંખે માણી શકાશે.

ખગોળશાસ્ત્રીઓના જણાવ્યા અનુસાર, ચંદ્ર 31 મેના રોજ બપોરે 02:15વાગ્યે તેની પૂર્ણ કળાએ (૧૦૦% ઇલ્યુમિનેશન) પહોંચી જશે. જોકે, ભારતમાં તે સમયે દિવસ હોવાથી તેને જોવાનો સૌથી ઉત્તમ સમય 31 મેના રોજ સાંજે સૂર્યાસ્ત બાદ એટલે કે સાંજે ૭:૧૫ વાગ્યા પછીનો રહેશે, જ્યારે ચંદ્રોદય થશે. આખી રાત આકાશમાં આ મનોહર દ્રશ્ય નિહાળી શકાશે.

શું ચંદ્ર ખરેખર વાદળી રંગનો દેખાશે?

સામાન્ય લોકોમાં એવી માન્યતા છે કે બ્લુ મૂન એટલે ચંદ્ર વાદળી રંગનો દેખાશે, પરંતુ આ માત્ર એક ભ્રમ છે. ગુરુદેવ ઓબ્ઝર્વેટરીના સંચાલક દિવ્યદર્શન પુરોહિતના જણાવ્યા મુજબ, માત્ર ખાસ વાતાવરણીય પરિસ્થિતિમાં જ ચંદ્ર વાદળી ભાસી શકે છે. ખરેખર તો, જ્યારે એક જ અંગ્રેજી મહિનામાં બે પૂનમ આવે, ત્યારે મહિનાની બીજી પૂનમના ચંદ્રને 'બ્લુ મૂન' તરીકે ઓળખવામાં આવે છે. મે મહિનાની શરૂઆતમાં એટલે કે 1લી મેના રોજ પહેલી પૂનમ હતી અને હવે 31મી મેના રોજ બીજી પૂનમ આવતી હોવાથી તેને બ્લુ મૂન કહેવામાં આવે છે.

આ પણ વાંચો: પૈસા ટકતા નથી?: આ સફેદ વસ્તુને રાખો ઘરના ખૂણામાં, છલકાઈ જશે તિજોરી!

આ વખતે કેમ છે 'માઈક્રો બ્લુ મૂન'?

આ વખતની ઘટના વધુ ખાસ છે કારણ કે તે માત્ર બ્લુ મૂન જ નથી, પરંતુ એક 'માઈક્રો બ્લુ મૂન' પણ છે. 31મેના રોજ ચંદ્ર પૃથ્વીથી તેના સરેરાશ અંતર કરતા વધુ દૂર, એટલે કે આશરે 2,52,360 માઈલના અંતરે હશે. આ અંતરને કારણે સામાન્ય પૂનમ કરતા ચંદ્ર 6% થી 7% જેટલો નાનો અને થોડો ઝાંખો દેખાશે. વૈજ્ઞાનિક દ્રષ્ટિએ આ સ્થિતિને કારણે તેને 'માઈક્રો બ્લુ મૂન' તરીકે ઓળખવામાં આવે છે.

ફરી ક્યારે જોવા મળશે આવો નજારો?

આવી ખગોળીય ઘટના દર અઢી વર્ષે (આશરે ૩૦ મહિનામાં) એકવાર જોવા મળે છે. અગાઉ આવી ઘટના 31 ઓગસ્ટ 2023ના રોજ જોવા મળી હતી. હવે આ અદ્ભુત નજારો 31 મે પછી સીધો ડિસેમ્બર 2028માં જોવા મળશે. તેથી, જે લોકો આ વિરલ કુદરતી નજારાનો આનંદ માણવા માંગતા હોય, તેઓ પોતાના ઘરની અગાસી કે ધાબા પરથી પૂર્વ-દક્ષિણ દિશામાં સાંજના સમયે આ સુંદર દ્રશ્ય નિહાળી શકે છે. આ કુદરતી ઘટનાને જોવા માટે કોઈ ખાસ સાધનની જરૂર નથી, ફક્ત સાફ આકાશ હોય તો પણ તમે આ યાદગાર રાત્રિનો આનંદ માણી શકો છો.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now