ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના જાવંત્રી ગીર ગામે મોડી રાત્રે જમીન વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં હિંસક ઘટના બની હતી. મળતી માહિતી મુજબ 54 વિઘા જમીનને લઈને બે પરિવારો વચ્ચે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો. તાજેતરમાં કોર્ટના ચુકાદા બાદ પોલીસ બંદોબસ્ત વચ્ચે એક પક્ષને જમીનનો કબજો સોંપવામાં આવ્યો હતો. આ ચુકાદાથી રોષે ભરાયેલા વિરોધી પક્ષે હિંસક હુમલો કર્યો હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.
જાવંત્રી ગીર ગામે મોડી રાતે હિંસક ઘટના
માહિતી અનુસાર રાત્રે લગભગ 11 વાગ્યાના સમયે કેટલાક શખ્સોએ એક પરિવારના મકાન પર હિંસક હુમલો કર્યાનો આક્ષેપ કરાયો છે. હુમલાખોરોએ દેશી જામગરી બંદૂકથી ફાયરિંગ કર્યું હતું અને સાથે પેટ્રોલ બોંબ વડે પણ હુમલો કર્યો હતો. પેટ્રોલથી ભરેલા શીશા સળગાવી મકાન પર ફેંકવામાં આવતા આગ ભભૂકી ઉઠી હતી. આ આગની ઘટનામાં એક વૃદ્ધા સહિત ચાર લોકો દાઝી ગયા હતા. આસપાસના લોકોએ આગ કાબૂમાં લેવા પ્રયાસ કર્યો અને ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે ખસેડવાની વ્યવસ્થા કરી હતી.
પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવાયો
ઇજાગ્રસ્તોને સારવાર માટે વેરાવળ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. ઘટનાની જાણ થતાં જ તાલાલા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને સમગ્ર વિસ્તાર કોર્ડન કરી તપાસ શરૂ કરી છે. પોલીસે આ મામલે આઠ હુમલાખોરો સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ઘટના બાદ ગામમાં તણાવપૂર્ણ માહોલ સર્જાયો છે. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસનો કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સમગ્ર ઘટનાને લઈને વિસ્તારમાં ચિંતા અને ભયનો માહોલ વ્યાપી ગયો છે.




















