Raj-Uddhav Thackeray : મહારાષ્ટ્રના મંત્રી નિતેશ રાણેએ ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરેની સંયુક્ત રેલી પર આકરા પ્રહાર કર્યા છે. તેને હિન્દુ વિરોધી અને જેહાદી વિચારસરણીથી પ્રેરિત ગણાવતા, રાણેએ આરોપ લગાવ્યો કે ઠાકરે ભાઈઓના ભેગા થવાનો હેતુ સમાજને વિભાજીત કરવાનો અને રાજ્યને નબળું પાડવાનો છે.
20 વર્ષ પછી ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરેના ભેગા થવાથી મહારાષ્ટ્રના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. ત્યારે મહારાષ્ટ્રના મંત્રી અને ભાજપ નેતા નિતેશ રાણેએ ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરેની તાજેતરની સંયુક્ત રેલી પર આકરા પ્રહાર કર્યા છે. આ રેલીને જેહાદી અને હિન્દુ વિરોધી ગણાવતા, રાણે એ આરોપ લગાવ્યો કે તેમનો હેતુ સમાજને વિભાજીત કરવાનો અને રાજ્યને નબળું પાડવાનો છે.
નોંધનીય છે કે શનિવારે મુંબઈના વરલી વિસ્તારમાં આવાઝ મરાઠીચાના નામે આયોજિત આ રેલીમાં, ઠાકરે ભાઈઓ બે દાયકા પછી સ્ટેજ પર એકસાથે જોવા મળ્યા હતા. આ રેલી રાજ્ય સરકાર દ્વારા શાળાઓમાં ધોરણ ૧ થી ત્રીજી ભાષા તરીકે હિન્દી લાગુ કરવાના બે સરકારી આદેશો પાછા ખેંચવાના નિર્ણયના વિજય તરીકે યોજાઈ હતી.
રાણેએ ઠાકરે ભાઈઓ પર ગંભીર આરોપો લગાવ્યા
આ સંદર્ભમાં, ઠાકરે ભાઈઓની આ રેલીના એક દિવસ પહેલા પત્રકારો સાથે વાત કરતા, નિતેશ રાણેએ કહ્યું હતું કે અમે હિન્દુ છીએ અને મરાઠી પર ગર્વ અનુભવીએ છીએ. જેહાદી સંગઠનો જે રીતે સમાજને તોડવાનો પ્રયાસ કરે છે, તે ઠાકરે ભાઈઓ પણ એ જ કરી રહ્યા છે. પીએફઆઈ હોય કે સિમી, બંને એક જ માનસિકતા સાથે કામ કરી રહ્યા છે. આ રેલી રાજ્ય અને હિન્દુ સમાજને નુકસાન પહોંચાડશે. રાણેએ એમ પણ કહ્યું હતું કે વરલી રેલી પછી, નાલ બજારમાં (મુંબઈનો મુસ્લિમ બહુલ વિસ્તાર) મીઠાઈઓ વહેંચવામાં આવશે અને ફટાકડા ફોડવામાં આવશે. આ બધું હિન્દુ સમાજ વિરુદ્ધ છે.
જોકે, બીજી તરફ, ભાજપના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ મંત્રી સુધીર મુનગંટીવારે આ મુદ્દા પર સંયમિત પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું હતું કે જો રાજ અને ઉદ્ધવ ઠાકરે સાથે આવી રહ્યા છે તો તે સારી વાત છે. બંને ભાઈઓએ એક થવું જોઈએ અને સાથે રહેવું જોઈએ. જરૂર પડે તો તેમના પક્ષોનું પણ વિલિનીકરણ થઈ શકે છે.
ભાજપ નેતાએ ત્રિ-ભાષા નીતિ પર સ્પષ્ટતા કરી
આ સાથે, ત્રિ-ભાષા નીતિ પર ચાલી રહેલા વિવાદ પર, મુનગંટીવારે કહ્યું કે તેને રાજકીય મુદ્દો બનાવવામાં આવ્યો નથી. તેમણે કહ્યું કે આ નીતિ ત્યારે રચાયેલી સમિતિની ભલામણો પર આધારિત હતી જ્યારે ઉદ્ધવ ઠાકરે પોતે મુખ્યમંત્રી હતા. તેમણે કહ્યું કે હિન્દી ફક્ત ધોરણ 5 પછી ફરજિયાત બનાવવાની હતી, જ્યારે મરાઠી અને અંગ્રેજી પહેલાથી જ ધોરણ 1 થી ફરજિયાત છે. આમાં મરાઠી પર કોઈ હુમલો નથી. નોંધનીય છે કે સરકારે આ નીતિ હાલ માટે પાછી ખેંચી લીધી છે, પરંતુ આ સમગ્ર ઘટનાએ મહારાષ્ટ્રના રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે અને ઠાકરે બંધુઓની નિકટતાએ રાજકીય વર્તુળોમાં નવી ચર્ચાઓ જગાવી છે.






