Presidential Elections 2027: આવતા વર્ષે દેશમાં રાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી યોજાશે. લોકસભામાં ભાજપની આગેવાની હેઠળની NDA સરકાર પાસે બહુમતી છે અને રાજ્યસભામાં પણ NDAનું પલ્લું ભારે છે. તાજેતરમાં આમ આદમી પાર્ટીના સાંસદોના પક્ષપલટા બાદ ભાજપ રાજ્યસભામાં બહુમતીના આંકડાની ખૂબ નજીક પહોંચી ગયું છે. AAPના 7 સાંસદોના જોડાણ બાદ ઉપલા ગૃહમાં NDAની તાકાત હવે 145 સુધી પહોંચી ગઈ છે. જોકે, ભાજપ હજુ પણ પોતાના દમ પર સામાન્ય બહુમતીથી 10 ડગલાં દૂર છે. આ સિવાય, તાજેતરમાં પૂર્ણ થયેલી ચાર રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશની ચૂંટણીના પરિણામોએ ભાજપને કયો બૂસ્ટર ડોઝ આપ્યો છે? ચાલો સમજીએ.
પશ્ચિમ બંગાળની પ્રચંડ જીત અને પુડુચેરીના પરિણામોએ 2027માં યોજાનારી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભાજપ અને NDAનું પલ્લું ભારે કરી દીધું છે. લોકસભા ચૂંટણી 2024માં બહુમતી ઘટ્યા પછી દેશમાં ભાજપની તાકાત ઓછી થવા અંગે સવાલો ઉઠ્યા હતા, પરંતુ બંગાળ, મહારાષ્ટ્ર અને બિહાર જેવા મોટા રાજ્યોમાં મજબૂત પ્રદર્શનથી પાર્ટી ફરી એકવાર ‘શાનદાર, જબરદસ્ત અને ઝિંદાબાદ’ના નારા લગાવવાની સ્થિતિમાં આવી ગઈ છે.
સુવેન્દુ અધિકારીના PAનો હત્યારો કોણ? : બલિયાનો રાજ સિંહ ઉર્ફે ચંદન ધરપકડ, જાણો સમગ્ર કુંડળી
કેવી રીતે થાય છે રાષ્ટ્રપતિની ચૂંટણી?
રાષ્ટ્રપતિની ચૂંટણીમાં સાંસદો (MPs) અને ધારાસભ્યો (MLAs) ના મતોના આધારે પ્રક્રિયા થાય છે. દરેક સાંસદના વોટની કિંમત સમાન હોય છે. ધારાસભ્યના વોટની કિંમત રાજ્યની વસ્તીના આધારે અલગ-અલગ હોય છે. ઉત્તર પ્રદેશના ધારાસભ્યના વોટની કિંમત સૌથી વધુ માનવામાં આવે છે.
2014 થી દેશમાં NDA સરકાર છે. 2019માં ભાજપે બહુમતી (272) કરતા પણ 31 બેઠકો વધુ એટલે કે 303 બેઠકો જીતી હતી. 2024માં યુપીમાં નુકસાન થતા બેઠકો ઘટીને 240 થઈ ગઈ. અત્યારે કેન્દ્ર સરકાર નીતીશ કુમારની JDU અને નાયડુની TDPના ટેકા પર છે. આ સ્થિતિમાં રાષ્ટ્રપતિની ચૂંટણીમાં તેના વોટ ઓછા થવાની ભીતિ હતી, પરંતુ 2026ની પાંચ વિધાનસભા ચૂંટણીઓમાં ભાજપના દમદાર પ્રદર્શને તે નુકસાનની ભરપાઈ કરી દીધી છે.
રાષ્ટ્રપતિ ચૂંટણીનું ગણિત
મહારાષ્ટ્ર વિધાનસભામાં NDAની તાકાત ઘણી વધી ગઈ છે. બિહારમાં પણ ગઠબંધન મજબૂત થયું છે અને બંગાળમાં ભાજપના ધારાસભ્યોની સંખ્યા 77 થી વધીને 207 સુધી પહોંચી ગઈ છે. 2027ની રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ઉત્તર પ્રદેશ સૌથી મહત્વનું રાજ્ય છે, કારણ કે ત્યાંના ધારાસભ્યોની કુલ વોટ વેલ્યુ સૌથી વધુ છે. યુપી પછી પશ્ચિમ બંગાળ એવા રાજ્યોમાં આવે છે જ્યાં વોટની તાકાત વધારે છે. આથી જ, ભાજપને આશા છે કે 2026ના ત્રણ રાજ્યોની જીત રાષ્ટ્રપતિ ચૂંટણીમાં તેના માટે ‘બૂસ્ટર ડોઝ’ સાબિત થશે.
22 રાજ્યોમાં NDA સરકાર
દક્ષિણના રાજ્યો કેરળ (કોંગ્રેસ), તેલંગાણા (કોંગ્રેસ), કર્ણાટક (કોંગ્રેસ) અને તમિલનાડુ (TVK) ઉપરાંત જમ્મુ-કાશ્મીર (NC), પંજાબ (AAP) અને ઝારખંડ (JMM) ને બાદ કરતાં બાકીના સમગ્ર દેશમાં ભાજપ અથવા NDAની સરકાર છે. સૌથી વધુ લોકસભા બેઠકો ધરાવતું ઉત્તર પ્રદેશ, બિહાર, દિલ્હી, હરિયાણા, રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, ઉત્તરાખંડ, પશ્ચિમ બંગાળ, છત્તીસગઢ, ઓડિશા, ગુજરાત, આસામ, ગોવા, આંધ્ર પ્રદેશ, અરુણાચલ પ્રદેશ, ત્રિપુરા, નાગાલેન્ડ, મણિપુર, સિક્કિમ અને મેઘાલયમાં પણ NDA શાસન છે. આ મજબૂત પકડ 2027માં રાયસીના હિલ્સ (રાષ્ટ્રપતિ ભવન) નો રસ્તો સરળ બનાવી રહી છે.





