Home International Bill Introduced In America To Permanently End H 1b Visa For Indians Know What Will Be The Impact On Your Job

અમેરિકામાં ભારતીયો માટે 'ખતરાની ઘંટડી' : H-1B વિઝા કાયમ માટે બંધ કરવાનું બિલ રજૂ, જાણો તમારી નોકરી પર શું થશે અસર

અમેરિકામાં ભારતીયો માટે 'ખતરાની ઘંટડી'
Play Video
Published by: OBS Bureau
Last Updated: Feb 11, 2026, 08:35 AM IST

અમેરિકામાં સ્થાયી થવા અને ત્યાંની દિગ્ગજ આઈટી કંપનીઓમાં કામ કરવાનું સપનું જોતા ભારતીયો માટે ખૂબ જ ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. અમેરિકી સંસદમાં H-1B વિઝા પ્રોગ્રામને સંપૂર્ણપણે નાબૂદ કરવા માટેનું એક ખરડો (બિલ) રજૂ કરવામાં આવ્યું છે. જો આ બિલ કાયદો બનશે, તો વર્ષ 2027 સુધીમાં H-1B વિઝા પ્રક્રિયા સંપૂર્ણપણે બંધ થઈ જશે. આ પગલાની સૌથી ગંભીર અસર ભારતીય ટેક પ્રોફેશનલ્સ અને આઈટી સેક્ટર પર પડવાની આશંકા છે.

EXILE એક્ટ: શું છે આ નવું બિલ?

ફ્લોરિડાના રિપબ્લિકન સાંસદ ગ્રેગ સ્ટ્યૂબે દ્વારા રજૂ કરવામાં આવેલા આ બિલને ‘એન્ડિંગ એક્સપ્લોઇટેટિવ ઇમ્પોર્ટેડ લેબર એક્ઝેમ્પ્શન્સ એક્ટ’ (EXILE Act) નામ આપવામાં આવ્યું છે. આ બિલનો મુખ્ય હેતુ ઇમિગ્રેશન એન્ડ નેશનાલિટી એક્ટમાં સુધારો કરીને H-1B વિઝા પ્રોગ્રામને તબક્કાવાર રીતે 2027 સુધીમાં સમાપ્ત કરવાનો છે. હાલમાં અમેરિકા પહેલેથી જ વિઝા નિયમોમાં કડકાઈ કરી રહ્યું છે, ત્યારે આ બિલ આશ્ચર્યજનક માનવામાં આવે છે.

સાંસદનો તર્ક: "અમેરિકી યુવાનોની નોકરીઓ છીનવાઈ રહી છે"

બિલ રજૂ કરનાર સાંસદ ગ્રેગ સ્ટ્યૂબેએ ગંભીર આક્ષેપ કર્યો છે કે H-1B વિઝાનો મોટા પાયે દુરુપયોગ થઈ રહ્યો છે. તેમના મતે:

  • આ પ્રોગ્રામને કારણે અમેરિકી નાગરિકો અને ખાસ કરીને ત્યાંના સ્થાનિક યુવાનોએ પોતાની નોકરીઓ ગુમાવવી પડી રહી છે.

  • કોર્પોરેટ કંપનીઓ સસ્તા વિદેશી મજૂરો (Labor) મેળવવા માટે આ વિઝાનો ઉપયોગ કરે છે, જેનાથી અમેરિકી વર્કફોર્સને નુકસાન થાય છે.

  • બિલમાં ઉદાહરણ અપાયું છે કે વર્ષ 2025માં માઇક્રોસોફ્ટે 9,000 H-1B વિઝા મેળવ્યા અને તેની સામે 16,000 થી વધુ અમેરિકી કર્મચારીઓની છટણી કરી.

ભારતીયો પર કેમ થશે સૌથી મોટી અસર?

અમેરિકાના સત્તાવાર આંકડાઓ મુજબ, દર વર્ષે જેટલા H-1B વિઝા મંજૂર થાય છે, તેમાંથી 70% થી વધુ હિસ્સો ભારતીયોનો હોય છે. ભારતની મોટી આઈટી કંપનીઓ જેવી કે TCS, Infosys અને Wipro ઉપરાંત ગૂગલ, મેટા અને માઈક્રોસોફ્ટ જેવી કંપનીઓમાં કામ કરતા હજારો ભારતીયો આ વિઝા પર નિર્ભર છે. જો આ પ્રોગ્રામ બંધ થાય, તો નવા પ્રોફેશનલ્સ માટે અમેરિકાના દરવાજા લગભગ બંધ થઈ જશે.

બિલ પાસ થવાની પ્રક્રિયા: હજુ લાંબી મજલ બાકી

જોકે, ભારતીય પ્રોફેશનલ્સે હાલ તુરંત ગભરાવાની જરૂર નથી, કારણ કે આ બિલને કાયદો બનવા માટે ઘણી જટિલ પ્રક્રિયાઓમાંથી પસાર થવું પડશે:

  1. હાઉસ કમિટી: સૌ પ્રથમ આ બિલ હાઉસ કમિટી પાસે જશે, જ્યાં તેની સુનાવણી થશે.

  2. હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ: જો કમિટી મંજૂરી આપે, તો નીચલા ગૃહમાં તેના પર ચર્ચા અને મતદાન થશે.

  3. સેનેટની મંજૂરી: નીચલા ગૃહ બાદ તેને ઉપલા ગૃહ (સેનેટ) માં મોકલવામાં આવશે.

  4. રાષ્ટ્રપતિની સહી: બંને ગૃહોમાં પાસ થયા બાદ અંતે અમેરિકી રાષ્ટ્રપતિ આ બિલ પર હસ્તાક્ષર કરશે ત્યારે જ તે કાયદો બનશે.

કોણ છે સાંસદ ગ્રેગ સ્ટ્યૂબે?

ગ્રેગ સ્ટ્યૂબે રિપબ્લિકન પાર્ટીના પ્રખર નેતા છે અને તેઓ ઇરાક યુદ્ધમાં પણ સેવા આપી ચૂક્યા છે. તેઓ 'અમેરિકા ફર્સ્ટ'ની નીતિમાં માને છે. આ પહેલા પણ તેઓ ટ્રાન્સજેન્ડર ખેલાડીઓ અને એર ક્વોલિટી એક્ટ જેવા વિવાદાસ્પદ અને ચર્ચિત બિલો રજૂ કરી ચૂક્યા છે.

પહેલેથી જ મુશ્કેલીમાં વધારો: ફી અને તપાસમાં કડકાઈ

નોંધનીય છે કે અમેરિકાએ પહેલેથી જ વિઝા પ્રક્રિયા કડક બનાવી દીધી છે:

  • સોશિયલ મીડિયાની તપાસ: 15 ડિસેમ્બરથી વિઝા અરજદારોના સોશિયલ મીડિયા પ્રોફાઇલની તપાસ શરૂ કરાઈ છે.

  • ફીમાં જંગી વધારો: ટ્રમ્પ વહીવટીતંત્રે H-1B વિઝા ફી વધારીને 1 લાખ ડોલર (આશરે ₹88 લાખ) કરી દીધી છે. જે પહેલા માત્ર 6-7 લાખ રૂપિયાની આસપાસ હતી.

આ બિલ જો કાયદો બનશે તો ભારતના આઈટી ક્ષેત્ર અને વિદેશ જવાની ઈચ્છા ધરાવતા યુવાનો માટે તે એક મોટો આંચકો સાબિત થઈ શકે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
ઇરાન-અમેરિકા યુદ્ધમાં નવો વળાંક?
PM મોદીએ સાઉદીના ક્રાઉન પ્રિન્સ સાથે કરી વાત
યુદ્ધ વચ્ચે રાહતના સમાચાર
અબુ ધાબીમાં મિસાઈલ હુમલો
Play Video
ઈરાન-હિઝબુલ્લાહ બાદ હવે યમનની એન્ટ્રી
Play Video