બિહારમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન હેઠળ મતદાર યાદીમાંથી લાખો નામો દૂર થવાની શક્યતા અંગે સુપ્રીમ કોર્ટમાં અનેક અરજીઓ દાખલ કરવામાં આવી છે. સોમવારે વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે આ મામલે તાત્કાલિક સુનાવણીની માંગ કરી હતી, જેના પર સુપ્રીમ કોર્ટે 11 તારીખને ગુરુવારે સુનાવણી હાથ ધરવાની તૈયારી બતાવી છે
વકીલોએ શું કહ્યું
કપિલ સિબ્બલ સાથે મળીને વરિષ્ઠ વકીલો અભિષેક મનુ સિંઘવી, શાદાબ ફરાસત અને ગોપાલ શંકરનારાયણને સુપ્રીમ કોર્ટમાં આ મુદ્દાનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે, ''આ પ્રક્રિયાને કારણે લાખો લોકો, ખાસ કરીને મહિલાઓ અને ગરીબ વર્ગના લોકોના નામ મતદાર યાદીમાંથી દૂર થવાની સંભાવના છે.
આ પ્રક્રિયાને ગેરબંધારણીય ગણાવી?
અરજદારોની માંગ છે કે આ સુધારા પ્રક્રિયા તાત્કાલિક બંધ કરવામાં આવે. તેમણે કહ્યું કે, આ કેસની સુનાવણી આજે અથવા કાલે થવી જોઈએ કારણ કે ચૂંટણી પંચ દ્વારા નક્કી કરાયેલ સમય મર્યાદા ખૂબ જ ટૂંકી છે. 25 જુલાઈની સમય મર્યાદામાં રાજ્યભરમાં મોટા પાયે નામો દૂર કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. અરજદારોમાં રાષ્ટ્રીય જનતા દળ (RJD), કોંગ્રેસ, મહુઆ મોઇત્રા, એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR), પીપલ્સ યુનિયન ફોર સિવિલ લિબર્ટીઝ (PUCL)નો સમાવેશ થાય છે. આ બધાએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને આ પ્રક્રિયાને ગેરબંધારણીય અને જનવિરોધી ગણાવી છે.






