Bihar Election News: બિહારમાં ચૂંટણી પહેલા રાજકારણમાં મોટો વળાંક આવ્યો છે. અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM એ મહાગઠબંધનમાં RJD અને કોંગ્રેસ સાથે હાથ મિલાવવાની ઇચ્છા વ્યક્ત કરી છે. AIMIM ના બિહાર પ્રદેશ પ્રમુખ અખ્તરુલ ઈમાને આ સંદર્ભમાં RJD વડા લાલુ પ્રસાદ યાદવને પત્ર લખ્યો છે અને તેજસ્વી યાદવનો સંપર્ક કર્યો છે. જોકે, RJD તરફથી હજુ સુધી કોઈ જવાબ આવ્યો નથી.
શું છે વિવાદ?
બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા રાજકીય સમીકરણો ઝડપથી બદલાઈ રહ્યા છે. ચૂંટણીના માહોલમાં અસદુદ્દીન ઓવૈસી અને તેમની પાર્ટી AIMIM ચર્ચાઓમાં છે. ઓવૈસીની પાર્ટીએ વિધાનસભા ચૂંટણી પહેલા જ એક ચોંકાવનારું પગલું ભર્યું છે અને પોતાને INDIA બ્લોકમાં સામેલ કરવાની ઓફર કરી છે. AIMIMના આ પગલાથી વિપક્ષી પાર્ટીઓ પણ ગભરાટમાં છે.
વાસ્તવમાં, મહાગઠબંધનમાં પહેલાથી જ 6 ભાગીદારો છે, લોકસભા ચૂંટણીમાં તેઓ સાથે જોવા મળ્યા હતા. જેમાં રાષ્ટ્રીય જનતા દળ, કોંગ્રેસ, કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા (માર્ક્સવાદી-લેનિનવાદી) (લિબરેશન), કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા (માર્ક્સવાદી), ઈન્ડિયન નેશનલ લીગ, કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયાનો સમાવેશ થાય છે. જો કે, પાછળથી મુકેશ સાહનીની પાર્ટી VIP પણ મહાગઠબંધનનો ભાગ બની અને RJD એ તેને તેના ક્વોટામાંથી ત્રણ બેઠકો આપી.
હવે બિહારમાં વિધાનસભાની ચૂંટણીઓ છે અને બેઠકોની વહેંચણી અંગે લાંબી ચર્ચા ચાલી રહી છે. હજું સુધી ઈન્ડિયા એલાયન્સના મોટા નેતાઓ વચ્ચે ચાર રાઉન્ડની બેઠકો થઈ છે. 5 જૂન પછી ફરી ચર્ચા થવાની અપેક્ષા છે. આ દરમિયાન, હેમંત સોરેનની ઝારખંડ મુક્તિ મોરચા, મુકેશ સાહનીની વિકાસશીલ ઇન્સાન પાર્ટી અને હવે ઓવૈસીની AIMIM પણ ઈન્ડિયા બ્લોકનો ભાગ બનવા માંગે છે અને બેઠકોની વહેંચણીની માંગ કરી રહી છે. જ્યારે AAP એ એકલા ચૂંટણી લડવાની જાહેરાત કરી છે.






