પટના: બિહાર સરકારે ગુનાખોરીના કેસોના ઝડપી નિકાલ અને કાયદો-વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા રાજ્યમાં 100 નવા ફાસ્ટ ટ્રેક કોર્ટ સ્થાપવાની જાહેરાત કરી છે. મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીએ જણાવ્યું કે આ પહેલથી લાંબા સમયથી પેન્ડિંગ રહેલા ફોજદારી કેસોનો ઝડપથી નિકાલ થશે અને દોષિતોને સમયસર સજા મળી શકશે.
બોધગયાના મહાબોધિ સાંસ્કૃતિક કેન્દ્ર ખાતે 'નવા ત્રણ ફોજદારી કાયદા' (ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય સાક્ષ્ય અધિનિયમ) ના અમલીકરણ અંગે યોજાયેલા બે દિવસીય રાજ્યસ્તરીય સંમેલનમાં મુખ્યમંત્રીએ આ મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી.
મુખ્યમંત્રીએ જણાવ્યું કે રાજ્યમાં ઇમરજન્સી 112 સેવાનો સરેરાશ પ્રતિસાદ સમય હાલ 10 મિનિટ છે, જેને ઘટાડીને 7થી 8 મિનિટ કરવાનો લક્ષ્ય રાખવામાં આવ્યો છે. ઉપરાંત પોલીસ સ્ટેશનોમાં CCTV, ડિજિટલ સાધનો અને ફોરેન્સિક સુવિધાઓને વધુ મજબૂત બનાવવાની પણ યોજના છે.
સરકારે હજુ સુધી આ 100 ફાસ્ટ ટ્રેક કોર્ટ કયા જિલ્લાઓમાં અને કયા સમયગાળામાં શરૂ થશે તેની વિગત જાહેર કરી નથી. જોકે સરકારનું માનવું છે કે આ પગલાથી ગંભીર ફોજદારી કેસોની સુનાવણીમાં ઝડપ આવશે, પીડિતોને સમયસર ન્યાય મળશે અને રાજ્યમાં કાયદાનું શાસન વધુ મજબૂત બનશે.





