Home International Big Step After Indigo Crisis Centre Approves 3 New Airlines Shankh Air Al Hind And Flyexpress

ઇન્ડિગોના સંકટ પછી મોટું પગલું : કેન્દ્રએ 3 નવી એરલાઇન્સને બતાવી લીલી ઝંડી, જાણો શું છે નામ?

ઇન્ડિગોના સંકટ પછી મોટું પગલું
Published by: OBS Bureau
Last Updated: Dec 24, 2025, 05:28 AM IST

ભારતનું ઉડ્ડયન ક્ષેત્ર વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતું બજાર છે. જો કે, છેલ્લા કેટલાક દિવસોમાં લોકોને હવાઈ મુસાફરીમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. ઈન્ડિગો એરલાઈનની ફ્લાઈટો રદ થતા ઘણા લોકોના અગત્યના કામ અટકી ગયા હતા. જ્યારે કેટલાક લોકોને એરપોર્ટ પર બાળકો સાથે રાત વિતાવવાનો વારો આવ્યો હતો. જો કે, દેશમાં મુસાફરી કરનારા લાખો યાત્રીઓ માટે એક મોટા રાહતના સમાચાર સામે આવ્યા છે. તાજેતરમાં ઇન્ડિગોના મોટા સંકટ પછી કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી કે. રામ મોહન નાયડુએ ત્રણ નવી એરલાઇન્સને મંજૂરી આપી છે. આ પગલું ભારતીય આકાશમાં વધુ સ્પર્ધા લાવશે અને યાત્રીઓને વધુ સારા વિકલ્પો તેમજ સંભવતઃ વધુ વાજબી ભાવ મળશે.

મંત્રી રામ મોહન નાયડુએ સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે, છેલ્લા એક અઠવાડિયામાં તેમણે આ ત્રણ નવી એરલાઇન્સની ટીમો સાથે મુલાકાત કરી છે. શંખ એરને પહેલાં જ મંત્રાલય તરફથી નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ (NOC) મળી ગયું છે, જ્યારે અલ હિંદ એર અને ફ્લાયએક્સપ્રેસને આ અઠવાડિયે NOC આપવામાં આવ્યું છે. આ NOC પછી આ એરલાઇન્સે DGCA પાસેથી એર ઓપરેટર સર્ટિફિકેટ (AOC) મેળવવું પડશે, ત્યારબાદ તેઓ વાણિજ્યિક ઉડાનો શરૂ કરી શકશે.

નવી એરલાઇન્સ વિશે જાણો

  • શંખ એર: ઉત્તર પ્રદેશ આધારિત આ એરલાઇન લખનઉંને હબ બનાવીને વારાણસી, ગોરખપુર, અયોધ્યા, ચિત્રકૂટ, ઇન્દોર અને દેહરાદૂન જેવા શહેરોને જોડશે. આ રાજ્યની પ્રથમ શિડ્યુલ્ડ એરલાઇન બનવાની છે.

  • અલ હિંદ એર: કેરળના અલહિંદ ગ્રુપની આ એરલાઇન કોચીને હબ બનાવીને રીજનલ રૂટ્સ પર ફોકસ કરશે. શરૂઆતમાં ATR એરક્રાફ્ટથી ઓપરેશન શરૂ કરશે.

  • ફ્લાયએક્સપ્રેસ: હૈદરાબાદ આધારિત કુરિયર અને કાર્ગો કંપનીની આ એરલાઇન પણ નવા વિકલ્પ તરીકે ઉભરી રહી છે.

મંત્રીએ વધુમાં જણાવ્યું કે, ભારત વિશ્વના સૌથી ઝડપથી વિકસતા ઉડ્ડયન બજારોમાંનું એક છે અને મોદી સરકારની નીતિઓને કારણે આ વૃદ્ધિ શક્ય બની છે. ઉડાન યોજનાએ સ્ટાર એર, ઇન્ડિયા વન એર અને ફ્લાય91 જેવી નાની એરલાઇન્સને મજબૂત બનાવી છે, જે પ્રાદેશિક કનેક્ટિવિટીમાં મહત્વની ભૂમિકા ભજવી રહી છે.

ઉલ્લેખનીય છે કે, આ પગલું ખાસ કરીને તાજેતરના ઇન્ડિગો સંકટ પછી મહત્વનું માનવામાં આવી રહ્યું છે, જેણે દેશમાં ડ્યુઓપોલી (બે મોટી કંપનીઓનું વર્ચસ્વ)ના જોખમને ઉજાગર કર્યું હતું. વધુ એરલાઇન્સથી ટિકિટના ભાવ સ્પર્ધાત્મક રહેશે અને યાત્રીઓને વધુ સારી સેવા મળશે. ભારતીય આકાશમાં નવી ઉડાનોનું સ્વાગત છે!

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now