Home Gujarat Big Revelation In The Suicide Case Of Builders Son Rishabh Patel In Gandhinagar

ગાંધીનગરમાં બિલ્ડરના પુત્ર ઋષભ પટેલના આપઘાત કેસમાં મોટો ખુલાસો : મૃતકના સાસરિયાઓ સાથે આરોપીઓનું નિકટનું કનેક્શન, સટ્ટાબાજીનો ખેલ 50 લાખનો હોવાનું અનુમાન

ગાંધીનગરમાં બિલ્ડરના પુત્ર ઋષભ પટેલના આપઘાત કેસમાં મોટો ખુલાસો
Published by: OBS Bureau
Last Updated: Feb 03, 2026, 05:11 AM IST

ગાંધીનગરના સુઘડ વિસ્તારમાં રહેતા બિલ્ડરના પુત્ર ઋષભ પટેલના આપઘાત કેસમાં ચોંકાવનારા ખુલાસાઓ સામે આવ્યા છે. આ કેસમાં આરોપી તરીકે ઝડપાયેલા ચાર લોકો પૈકીના એક મહિપાલસિંહ રાઠોડના રિમાન્ડ આજે પૂર્ણ થતાં તેને સેન્ટ્રલ જેલ ભેગો કરવામાં આવ્યો હતો.

કલ્પેશ સાણંદનો તલાટી નીકળ્યો!

પોલીસ રિમાન્ડ દરમિયાન મહિપાલસિંહ રાઠોડે મહત્વનો ખુલાસો કર્યો હતો કે ભાજપના પૂર્વ કોર્પોરેટરના પુત્ર મનીષ સ્પ્લેન્ડરના નામે ચાલતા આઈડી પરથી સટ્ટાબાજી રમાતી હતી. આ ઉપરાંત આ સમગ્ર મામલામાં કલ્પેશ સાણંદ નામનો વ્યક્તિ તલાટી મંત્રી હોવાનું પણ સામે આવ્યું છે, જે આ કેસને વધુ ગંભીર બનાવે છે.

મૃતકના સાસરિયાઓ સાથે આરોપીઓનું નિકટનું કનેક્શન

તપાસમાં સામે આવ્યું છે કે મૃતક ઋષભ પટેલના સાસરિયાઓ સાથે આરોપીઓનું નિકટનું કનેક્શન હતું. ઋષભની અઢી વર્ષ અગાઉ હેલી નામની યુવતી સાથે સગાઈ થઈ હતી. હેલી અને તલાટી મંત્રી કલ્પેશ સાણંદ એક જ સોસાયટીમાં રહેતા હોવાની માહિતી પણ સામે આવી છે.

સટ્ટાબાજીનો ખેલ અડધા કરોડ રૂપિયાનો હોવાનો અનુમાન!

પોલીસ તપાસ મુજબ ઋષભ પટેલના આપઘાત પાછળ સટ્ટાબજારના લાખો રૂપિયાની ઉઘરાણી અને તેને આપવામાં આવતો સતત માનસિક ત્રાસ મુખ્ય કારણ હોવાનું ઘટસ્ફોટ થયો છે. પોલીસને શંકા છે કે આ સમગ્ર સટ્ટાબાજીનો ખેલ અડધા કરોડ રૂપિયા જેટલો મોટો હોઈ શકે છે.

હાલ પોલીસ આ કેસમાં અન્ય આરોપીઓની ભૂમિકા, નાણાકીય વ્યવહારો અને સટ્ટાબાજીના નેટવર્કની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. આવનારા દિવસોમાં આ કેસમાં વધુ ચોંકાવનારા ખુલાસાઓ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now