કેન્દ્ર સરકાર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર રાષ્ટ્રવિરોધી અને નફરતજનક સામગ્રી શેર કરનારા હેન્ડલ્સ સામે તીવ્ર કાર્યવાહી કરવા જઈ રહી છે. મળતી માહિતી અનુસાર, કેન્દ્રીય ગૃહ મંત્રાલય આવા કિસ્સાઓને નિયંત્રણમાં લેવા માટે નવી નીતિ તૈયાર કરી રહ્યું છે, જેના આધારે દેશવિરોધી પ્રવૃત્તિઓમાં સંડોાયેલા સોશિયલ મીડિયા હેન્ડલ્સ સીધા બ્લોક કરવામાં આવશે અને કાનૂની કાર્યવાહી પણ હાથ ધરાશે.
ખાસ દેખરેખ ટીમનું ગઠન થશે
હોમ મંત્રાલયની સંસદીય સમિતિને ગુપ્તચર એજન્સીઓએ જાણકારી આપી હતી કે રાષ્ટ્રવિરોધી હેન્ડલ્સને ઓળખવા અને તેમની ઉપર સતત નજર રાખવા માટે વિશિષ્ટ દેખરેખ ટીમ બનાવવામાં આવશે. આ ટીમ દ્વારા શંકાસ્પદ પ્રવૃત્તિઓનું મોનિટરિંગ કરીને યોગ્ય સમયે પગલાં લેવામાં આવશે.
ખાલિસ્તાનપંથી ગુરપતવંત સિંહ પન્નુ સહિત કેટલાક આંતરરાષ્ટ્રીય તત્વો સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને ભારતમાં અસ્થિરતા ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. આવી પ્રવૃત્તિઓને હવે નવી નીતિ હેઠળ દબાવવામાં આવશે.
વેબસાઇટ્સ અને વિદેશી પ્લેટફોર્મ્સ પર પણ નજર
કેન્દ્ર સરકારે એવી વેબસાઇટ્સ પણ ઓળખી છે જ્યાં દેશવિરોધી સામગ્રી અપલોડ કરવામાં આવે છે. આવા પ્લેટફોર્મ્સના નિયંત્રણ માટે અમેરિકન સરકાર અને મુખ્ય સોશિયલ મીડિયા કંપનીઓ સાથે પણ ચર્ચા શરૂ થઈ છે. સરકાર ઈચ્છે છે કે આ કંપનીઓ પોતે પણ ફિલ્ટરિંગ સિસ્ટમ સક્રિય કરે અને દેશવિરોધી તત્વોને મંચ ન આપે.
રાષ્ટ્રવિરોધી તત્વો સામે સમન્વિત રણનીતિ
CBI, NIA, રાજ્યોની પોલીસ અને આંતરિક સુરક્ષા સંબંધિત અન્ય એજન્સીઓ સાથે મળીને એક સમન્વિત રણનીતિ તૈયાર કરવામાં આવી રહી છે. આ રણનીતિ હેઠળ રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો ઊભો કરતી ઓનલાઈન પ્રવૃત્તિઓ પર કડક નિયંત્રણ મુકાશે.
પહલગામના આતંકી હુમલા અને ત્યારપછીના ઓપરેશન દરમિયાન, સોશિયલ મીડિયા પર દેશવિરોધી પોસ્ટ્સે તણાવ ઊભો કર્યો હતો. આ ઘટનાને ધ્યાનમાં રાખી સરકાર હવે આવાં તત્વોને મૂળથી સમાપ્ત કરવાના માર્ગે છે.

_e33bdcc0-f442-45e9-9595-fb46344bb261.jpg)




