Home Gujarat Bhavnagar Jaswantpur Gambling Raid Police Attacked

ભાવનગરમાં લોકોના 'રક્ષક' જ સુરક્ષિત નથી! : જસોદપુરામાં દરોડા દરમિયાન પોલીસ પર જીવલેણ હુમલો, ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડાયા

ભાવનગરમાં લોકોના 'રક્ષક' જ સુરક્ષિત નથી!
Play Video
Published by: OBS Bureau
Last Updated: Mar 16, 2026, 07:47 AM IST

ભાવનગર જિલ્લાના વેળાવદર ભાલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા જસોદપુરા ગામમાં જુગારની બાતમીના આધારે રેડ કરવા ગયેલી પોલીસ ટીમ પર અસામાજિક તત્વોએ હુમલો કરતા ચકચાર મચી ગઈ છે. 20 થી 25 લોકોના ટોળાએ પોલીસ જવાનો પર લાકડીઓ અને લોખંડના સળિયા વડે હુમલો કર્યો હતો, જેમાં એક પોલીસ કોન્સ્ટેબલને ગંભીર ઇજાઓ પહોંચી છે.

શું હતી સમગ્ર ઘટના?

મળતી માહિતી મુજબ, વેળાવદર ભાલ પોલીસને બાતમી મળી હતી કે જસોદપુરા ગામમાં મોટા પાયે જુગાર રમાઈ રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસનો કાફલો દરોડો પાડવા પહોંચ્યો હતો. પોલીસને જોતા જ જુગારીઓ અને ત્યાં હાજર 20 થી 25 લોકોના ટોળાએ પોલીસને ઘેરી લઈને હુમલો શરૂ કરી દીધો હતો.
હુમલા દરમિયાન એક પોલીસ કોન્સ્ટેબલને માથાના ભાગે, હાથમાં અને શરીર પર ગંભીર ઇજાઓ થઈ હતી. ત્યારે અમુક પોલીસકર્મીઓને ખાડીમાં પણ ફેંકી દેવામાં આવ્યા હતા.

ઇજાગ્રસ્ત પોલીસકર્મી સારવાર હેઠળ

ઘટના બાદ ઇજાગ્રસ્ત પોલીસકર્મીને તાત્કાલિક ભાવનગરની સર ટી. હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. તેમને માથાના ભાગે ગંભીર ઈજા હોવાથી ટાંકા આવ્યા છે અને હાલ તેમની સારવાર ચાલી રહી છે.

15 શખ્સોની ઓળખ, કડક કાર્યવાહીની ખાતરી

આ અંગે DYSP એ મીડિયાને જણાવ્યું હતું કે, "પોલીસ પર હુમલો કરનાર તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. હાલમાં અંદાજે 15 જેટલા આરોપીઓની ઓળખ થઈ ગઈ છે. વેળાવદર ભાલ પોલીસ સ્ટેશનમાં જુગાર ધારા તેમજ પોલીસ પર જીવલેણ હુમલો કરવા બદલ ગુનો નોંધવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે."

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now