Home Gujarat Bhavnagar Housing Board Demolition Marutinandan Society Protest

ભાવનગરમાં હાઉસિંગ બોર્ડના ડિમોલિશન સામે ઉગ્ર વિરોધ : ભરતનગરની મારુતિનંદન સોસાયટીમાં હોબાળો, કાર્યવાહી હાલ સ્થગિત

ભાવનગરના મારુતિનંદન સોસાયટીમાં હાઉસિંગ બોર્ડના ડિમોલિશન સામે વિરોધ કરતા સ્થાનિક રહીશો
Published by: Prashant Doshiyar
Last Updated: Jul 09, 2026, 12:56 PM IST

Bhavnagar News: ભાવનગર શહેરના ભરતનગર વિસ્તારમાં આવેલી ગુજરાત હાઉસિંગ બોર્ડની મારુતિનંદન સોસાયટીમાં મકાનો તોડવાની કાર્યવાહી શરૂ કરવા માટે અધિકારીઓ પહોંચતા જ ભારે હોબાળો મચી ગયો હતો. ડિમોલિશન માટે ટીમ સ્થળ પર પહોંચતા સ્થાનિક રહીશોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. ખાસ કરીને મહિલાઓ સહિત મોટી સંખ્યામાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને તંત્ર સામે સૂત્રોચ્ચાર કરીને કાર્યવાહી અટકાવવાની માંગ કરી હતી. વિરોધને કારણે સમગ્ર વિસ્તારમાં થોડા સમય માટે તંગદિલીનો માહોલ સર્જાયો હતો.

વૈકલ્પિક રહેઠાણ વિના કાર્યવાહીનો આક્ષેપ

સ્થાનિક રહીશોના જણાવ્યા મુજબ હાઉસિંગ બોર્ડ દ્વારા અગાઉ નોટિસો આપવામાં આવી હતી, પરંતુ મકાન ખાલી કરાવવા પહેલાં અસરગ્રસ્ત પરિવારો માટે કોઈ વૈકલ્પિક રહેઠાણ કે પુનર્વસનની વ્યવસ્થા કરવામાં આવી નહોતી. લોકોનો આક્ષેપ હતો કે વર્ષોથી અહીં રહેતા પરિવારોને એકાએક ઘર છોડવાનું કહેવામાં આવ્યું છે, જેના કારણે અનેક પરિવારો અનિશ્ચિતતામાં મુકાઈ ગયા છે. રહીશોએ જણાવ્યું કે તેઓ કાયદાનું પાલન કરવા તૈયાર છે, પરંતુ સરકાર પહેલા રહેવા માટે યોગ્ય વ્યવસ્થા કરે ત્યારબાદ જ ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવી જોઈએ. વૈકલ્પિક વ્યવસ્થા વિના મકાનો તોડવાની કામગીરી અન્યાયપૂર્ણ હોવાનું પણ સ્થાનિકોએ જણાવ્યું.

મહિલાઓ અને અધિકારીઓ વચ્ચે બોલાચાલી

ડિમોલિશનની કામગીરી દરમિયાન મહિલાઓએ અધિકારીઓને ઘેરી લીધા હતા અને કાર્યવાહી રોકવાની માંગ સાથે ઉગ્ર રજૂઆત કરી હતી. આ દરમિયાન અધિકારીઓ અને સ્થાનિક રહીશો વચ્ચે ઉગ્ર બોલાચાલી પણ થઈ હતી. બંને પક્ષો વચ્ચે 'તૂ-તૂ, મેં-મેં'ના દ્રશ્યો સર્જાતા થોડા સમય માટે સ્થિતિ વધુ તંગ બની હતી. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સ્થળ પર હાજર પોલીસ અને અધિકારીઓએ મામલો શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો. સુરક્ષાના ભાગરૂપે વધારાનો પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને.

કોંગ્રેસના આગેવાનો દોડી આવ્યા

ઘટનાની જાણ થતાં ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ મનોહરસિંહ ગોહિલ સહિતના કોંગ્રેસના આગેવાનો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા. તેમણે અસરગ્રસ્ત પરિવારો સાથે મુલાકાત કરીને તેમની રજૂઆતો સાંભળી હતી. કોંગ્રેસના આગેવાનોએ હાઉસિંગ બોર્ડના અધિકારીઓ સમક્ષ રજૂઆત કરીને જણાવ્યું હતું કે લોકો માટે વૈકલ્પિક રહેઠાણની વ્યવસ્થા કર્યા વિના ડિમોલિશન કરવું યોગ્ય નથી. તેમણે માનવતાના ધોરણે નિર્ણય લેવા અને અસરગ્રસ્ત પરિવારોને પૂરતો સમય આપવા પણ માંગ કરી હતી.

તંત્રએ હાલ પૂરતી કાર્યવાહી અટકાવી

સ્થાનિકોના ભારે વિરોધ અને વધતા તણાવને ધ્યાનમાં રાખીને ગુજરાત હાઉસિંગ બોર્ડના અધિકારીઓએ હાલ પૂરતી ડિમોલિશનની કાર્યવાહી સ્થગિત કરવાનો નિર્ણય લીધો હતો. અધિકારીઓએ જણાવ્યું કે અસરગ્રસ્ત પરિવારોને વૈકલ્પિક વ્યવસ્થા અંગે થોડો સમય આપવામાં આવશે અને ત્યારબાદ આગામી કાર્યવાહી અંગે નિર્ણય લેવામાં આવશે. કાર્યપાલક ઈજનેર વિજયભાઈએ જણાવ્યું હતું કે હાઉસિંગ બોર્ડ દ્વારા નિયમો અનુસાર કાર્યવાહી કરવામાં આવી રહી છે, પરંતુ લોકોની રજૂઆતોને પણ ધ્યાનમાં લેવામાં આવશે અને કાયદાકીય પ્રક્રિયા મુજબ આગળનો નિર્ણય લેવામાં આવશે.

આ પણ વાંચો: જૂનાગઢના માંગરોળમાં પ્રી-મોન્સૂન એક્શન : 215 જર્જરિત મકાનોને નોટિસ, 25થી વધુ જોખમી બાંધકામોનું ડિમોલિશન

આગામી નિર્ણય પર સૌની નજર

હાલ ડિમોલિશનની કામગીરી અટકાવવામાં આવી હોવા છતાં સમગ્ર મામલો હજુ યથાવત છે. હવે ગુજરાત હાઉસિંગ બોર્ડ અસરગ્રસ્ત પરિવારો માટે શું વૈકલ્પિક વ્યવસ્થા કરે છે અને આગામી દિવસોમાં ડિમોલિશનની કાર્યવાહી ક્યારે અને કેવી રીતે હાથ ધરાય છે તેના પર સ્થાનિકો તેમજ શહેરવાસીઓની નજર મંડાઈ છે. આ સમગ્ર ઘટનાએ શહેરી વિસ્તારોમાં પુનર્વસન, રહેઠાણના અધિકાર અને ડિમોલિશન પહેલાં માનવતાવાદી અભિગમ અપનાવવાની જરૂરિયાત અંગે ફરી એકવાર ચર્ચા જગાવી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now