ભરૂચ જિલ્લાના ઔદ્યોગિક હબ ગણાતા ઝઘડિયા GIDCમાં આજે ફરી એકવાર સુરક્ષાના પ્રશ્નો ઉભા કરે તેવી ગંભીર હોનારત સર્જાઈ છે. અહીં આવેલી 'મેટ્રોપોલિટન એક્ઝીચેમ' કંપનીના પ્લાન્ટમાં અચાનક પ્રચંડ ધડાકા સાથે આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ દુર્ઘટનામાં 10 થી વધુ કામદારો ગંભીર રીતે દાઝી ગયા હોવાના પ્રાથમિક અહેવાલો પ્રાપ્ત થયા છે.
ધડાકાનો અવાજ કિલોમીટરો સુધી સંભળાયો
પ્રાપ્ત વિગતો અનુસાર, કંપનીના ઉત્પાદન પ્લાન્ટમાં કોઈ અકળ કારણોસર એકાએક જોરદાર બ્લાસ્ટ થયો હતો. આ ધડાકો એટલો શક્તિશાળી હતો કે તેનો અવાજ આસપાસના ગામો અને અન્ય ઔદ્યોગિક એકમો સુધી સંભળાયો હતો. બ્લાસ્ટને પગલે પ્લાન્ટમાં જોતજોતામાં વિકરાળ આગ પ્રસરી ગઈ હતી. આકાશમાં કાળા ધુમાડાના ગોટેગોટા કિલોમીટરો દૂરથી જોઈ શકાતા હતા, જે આગની ભયાનકતાની સાક્ષી પૂરતા હતા.
કામદારોમાં દોડધામ અને ઈજાગ્રસ્તોની સ્થિતિ
ઘટના સમયે પ્લાન્ટમાં અનેક કામદારો ફરજ બજાવી રહ્યા હતા. બ્લાસ્ટ થતા જ જીવ બચાવવા માટે કામદારોમાં નાસભાગ મચી ગઈ હતી. જોકે, કમનસીબે ૧૦થી વધુ કામદારો આગની ઝપેટમાં આવી જતાં ગંભીર રીતે દાઝી ગયા હતા. તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.
ફાયર ફાઈટરોની ભારે જહેમત
ઘટનાની જાણ થતાં જ ઝઘડિયા, અંકલેશ્વર અને આસપાસની કંપનીઓના ફાયર ટેન્ડરોનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. કેમિકલ યુનિટ હોવાને કારણે આગ ઝડપથી ફેલાઈ રહી હતી, જેને કાબૂમાં લેવા માટે ફાયર ફાઈટરો દ્વારા ફોમ અને પાણીનો મારો ચલાવવામાં આવ્યો છે. હાલમાં પણ આગ પર કાબૂ મેળવવા માટે યુદ્ધના ધોરણે કામગીરી ચાલુ છે.
આ પણ વાંચો: યમરાજ બનીને દોડતા ડમ્પરે વધુ એકનો ભોગ લીધો : ફૂલબાગ ચોકડી પાસે આધેડને કચડ્યા, ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત
તપાસના ચક્રો ગતિમાન
આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. પ્રાથમિક તબક્કે ગેસ લીકેજ કે શોર્ટ સર્કિટને કારણે બ્લાસ્ટ થયો હોવાની આશંકા સેવાઈ રહી છે. પોલીસ અને ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી તપાસના ચક્રો ગતિમાન કરશે. હાલમાં વહીવટીતંત્રની પ્રથમ પ્રાથમિકતા આગને વધુ પ્રસરતી અટકાવવાની અને પ્લાન્ટમાં જો કોઈ અન્ય વ્યક્તિ ફસાયેલ હોય તો તેને સુરક્ષિત બહાર કાઢવાની છે.






