પંજાબ નેશનલ બેંક લોન ફ્રોડ કેસના મુખ્ય આરોપી મેહુલ ચોકસીને બેલ્જિયમની કોર્ટમાંથી મોટો ઝટકો લાગ્યો છે. કોર્ટે મેહુલ ચોક્સીની જામીન અરજી ફગાવી દિધી છે.
મેહુલ ચોકસીએ કોર્ટને કહ્યું કે તે બીમાર છે અને તે તેના પરિવાર સાથે રહેવા માંગે છે. તેણે કહ્યું કે તે કોઈપણ શરત સ્વીકારવા તૈયાર છે અને જો જરૂર પડશે તો જીપીએસથી સજ્જ ઉપકરણ પણ પહેરશે. ગત અઠવાડિયે, ભારતે કહ્યું હતું કે તે ચોકસીના પ્રત્યાર્પણ માટે બેલ્જિયમ સાથે કામ કરી રહ્યું છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે, "અમારી પ્રત્યાર્પણ વિનંતીના આધારે તેની ધરપકડ કરવામાં આવી હતી. અમે તેના પ્રત્યાર્પણ માટે બેલ્જિયમ સાથે નજીકથી કામ કરી રહ્યા છીએ જેથી કરીને તે દેશમાં ટ્રાયલનો સામનો કરી શકે."
2018થી CBI અને ED દ્વારા વોન્ટેડ
PNB લોન ફ્રોડ કેસમાં 65 વર્ષીય ચોક્સી ભારતમાં 2018થી સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા વૉન્ટેડ છે. 2018માં તેની સામે ઈન્ટરપોલની રેડ નોટિસ પણ જારી કરવામાં આવી હતી, પરંતુ તે નવેમ્બર 2022માં પાછી ખેંચી લેવામાં આવી હતી. વાસ્તવમાં, ચોક્સીએ આરોપ લગાવ્યો હતો કે ભારતીય એજન્ટોએ મે 2021માં એન્ટિગુઆ અને બાર્બુડામાંથી તેનું અપહરણ કર્યું હતું.





