Vadodara News: શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ અને તેના કારણે થતા અકસ્માતોને રોકવા માટે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન (VMC) દ્વારા સતત ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. પરંતુ આ કામગીરી દરમિયાન કોર્પોરેશનના કર્મચારીઓ પર થતા હિંસક હુમલાની ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી. તાજેતરમાં જ પૂર્વ ઝોનના બાપોદ વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાને પડકારતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં પોલીસ સ્ટેશનની બિલકુલ પાછળ જ પશુપાલકોએ સરકારી ટીમ પર હુમલો કરી પકડેલી ગાયો છોડાવી લીધી હતી.
જાહેર માર્ગ પરથી ગાયો પકડતા જ મચી બબાલ
મળતી માહિતી મુજબ, ખોડીયારનગર રોડ પર આવેલી વૈકુંઠ સોસાયટીમાં રહેતા શશીકાંત શર્મા વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના દબાણ અને સિક્યુરિટી વિભાગના પૂર્વ ઝોનમાં સુપરવાઇઝર તરીકે ફરજ બજાવે છે. ગઈકાલે બપોરે આશરે ૧૨:૩૦ વાગ્યે તેઓ પોતાની ટીમ સાથે બાપોદ પોલીસ સ્ટેશનની પાછળના વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. આ દરમિયાન જાહેર માર્ગ પર રખડતી બે ગાયો મળી આવતા ટીમે તેને પકડી લીધી હતી અને નજીકના ખુલ્લા મેદાન તરફ લઈ જઈ રહ્યા હતા.
કર્મચારીઓ સાથે ઝપાઝપી અને જાનથી મારી નાખવાની ધમકી
કોર્પોરેશનની ટીમે ગાયો પકડતા જ ભનુ ભરવાડ સહિત બે પશુપાલકો ત્યાં ધસી આવ્યા હતા. તેમણે ટીમનો રસ્તો રોકીને ભારે ગેરવર્તણૂક શરૂ કરી દીધી હતી. આરોપીઓએ કોર્પોરેશનના કર્મચારીઓ સાથે ગાળાગાળી કરી ઝપાઝપી આદરી હતી. મામલો બિચકતો જોઈ સુપરવાઇઝર શશીકાંત શર્મા વચ્ચે પડ્યા હતા, પરંતુ ઉશ્કેરાયેલા પશુપાલકોએ તેમની સાથે પણ અત્યંત આક્રમક વર્તન કર્યું હતું. આરોપીઓએ જાહેરમાં ગાળો ભાંડી, જાનથી મારી નાખવાની ધમકી આપતા આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ હોબાળા અને ઝપાઝપીનો લાભ ઉઠાવી આરોપીઓ કોર્પોરેશનની ટીમે પકડેલી ગાયોને બળજબરીપૂર્વક છોડાવીને ત્યાંથી ભાગી છૂટ્યા હતા.
બાપોદ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ: આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન
પોલીસ સ્ટેશનની નજીક જ સરકારી ફરજમાં રૂકાવટ, હુમલો અને ધમકીની આ ઘટના બનતા તંત્ર પણ હરકતમાં આવ્યું છે. સુપરવાઇઝર શશીકાંત શર્માએ આ અંગે બાપોદ પોલીસ સ્ટેશનમાં ભનુ ભરવાડ સહિત બે પશુપાલકો સામે નામજોગ ફરિયાદ નોંધાવી છે. પોલીસે સરકારી કર્મચારી પર હુમલો, જાનથી મારી નાખવાની ધમકી અને કાયદેસરની ફરજમાં અવરોધ ઊભો કરવા બદલ વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આરોપીઓને ઝડપી પાડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.
કર્મચારીઓની સુરક્ષા અંગે ઉઠ્યા સવાલો
વડોદરા શહેરમાં ઢોર પકડવાની કામગીરી દરમિયાન પશુપાલકો દ્વારા દાદાગીરી અને હુમલાની આ કોઈ પ્રથમ ઘટના નથી. પોલીસ સ્ટેશનની પાછળ જ જો સરકારી કર્મચારીઓ સુરક્ષિત ન હોય, તો સામાન્ય વિસ્તારોમાં સ્થિતિ કેવી હશે? વારંવાર બનતી આવી હિંસક ઘટનાઓને કારણે હવે કોર્પોરેશનના કર્મચારીઓની સુરક્ષા અને શહેરમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ અંગે નાગરિકોમાં ભારે ચર્ચા જગાવી છે. તંત્ર દ્વારા આવા તત્વો સામે કડક પગલાં લેવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે.





