Home Gujarat Vadodara Delhi Mumbai Expressway Triple Accident Padra Four Dead

લોહીયાળ બન્યો દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઇવે! : પાદરાના સમીયાલા પાસે ત્રિપલ અકસ્માતમાં 4ના કમકમાટીભર્યા મોત

અકસ્માતમાં તૂટેલી કાર
Published by: Chintan Chavda
Last Updated: Jun 07, 2026, 07:00 AM IST

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર આજે એક હૃદયદ્રાવક અને ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. પાદરા નજીક આવેલા સમીયાલા ગામ પાસે એક ખાનગી લક્ઝરી બસ, ઇકો કાર અને આઇસર ટેમ્પો વચ્ચે જોરદાર ત્રિપલ અકસ્માત થતાં સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. આ ગોઝારા અકસ્માતમાં ઇકો કારમાં સવાર 4 લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા છે, જ્યારે અન્ય મુસાફરો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે.

ભૂલ ભારે પડી: રોંગ સાઇડમાં દોડતી કાર કાળ બની

મળતી માહિતી મુજબ, આ અકસ્માત પાછળ ઇકો કાર ચાલકની ગંભીર બેદરકારી સામે આવી છે. એક્સપ્રેસ હાઇવે જેવા વ્યસ્ત માર્ગ પર ઇકો કારનો ચાલક જીવના જોખમે રોંગ સાઇડમાં કાર ચલાવી રહ્યો હતો. તે દરમિયાન સામેથી પૂરપાટ ઝડપે આવી રહેલી બસ અને આઇસર ટેમ્પો સાથે ઇકો કાર ધડાકાભેર અથડાઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે ઇકો કારનો કુરચો બોલી ગયો હતો અને હાઇવે પર ચીસાચીસ મચી ગઈ હતી.

અપાડ ગામના પરિવારે સ્વજન ગુમાવ્યા

અકસ્માતનો ભોગ બનેલા તમામ લોકો મૂળ અપાડ ગામના વતની હોવાનું જાણવા મળ્યું છે. ઇકો કારમાં કુલ 8 પેસેન્જરો સવાર હતા, જેઓ અમદાવાદ અને મહેસાણા બાજુ જવા માટે નીકળ્યા હતા. પરંતુ નિયતિને કંઈક જુદું જ મંજૂર હતું. અધવચ્ચે જ કાળ ભેટી જતાં ખુશીનો માહોલ શોકમાં ફેરવાઈ ગયો છે. ઘટનાને પગલે અપાડ ગામમાં પણ ભારે શોકનું મોજું ફરી વળ્યું છે.

આ પણ વાંચો: દાહોદમાં રૂ. 1.46 કરોડની સનસનાટીભરી લૂંટનો ભેદ ઉકેલાયો : સાત આરોપીઓની ધરપકડ, 100% મુદ્દામાલ રિકવર

સ્થાનિકો અને પોલીસે બચાવ કામગીરી હાથ ધરી

અકસ્માતનો અવાજ સાંભળીને સમીયાલા ગામના સ્થાનિક લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. ઇકો કારમાં ફસાયેલા લોકોને ભારે જહેમત બાદ બહાર કાઢવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો અને એમ્બ્યુલન્સ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.

પોલીસે મૃતકોના શવને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ દુર્ઘટનામાં ગંભીર રીતે ઘવાયેલા અન્ય લોકોને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં કેટલાકની હાલત હજુ પણ ચિંતાજનક હોવાનું કહેવાય છે. પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now