Home Sports Bangladesh Team Out Of 2026 T20 World Cup Who Will Replace Bangladesh

બાંગ્લાદેશ ક્રિકેટ ટીમ T20 વર્લ્ડ કપ 2026 માંથી થઈ બહાર! : ICC ની ભારતમાં રમવાની શરત મૂકી હતી, ક્રિકેટ જગતમાં હડકંપ

બાંગ્લાદેશ ક્રિકેટ ટીમ T20 વર્લ્ડ કપ 2026 માંથી થઈ બહાર!
Published by: OBS Bureau
Last Updated: Jan 22, 2026, 12:02 PM IST

Bangladesh boycott T20 world cup 2026: ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) ની વારંવારની ચેતવણી અને અલ્ટીમેટમ છતાં બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB) પોતાના સ્ટેન્ડ પર મક્કમ રહ્યું છે. બાંગ્લાદેશે સ્પષ્ટ કરી દીધું છે કે, જ્યાં સુધી તેમની મેચો ભારતથી ખસેડીને શ્રીલંકામાં યોજવામાં નહીં આવે, ત્યાં સુધી તે ટીમ વર્લ્ડ કપમાં ભાગ લેશે નહીં. આ ચર્ચાવિચારણાને કારણે હવે ઓફિશિયલ રીતે બાંગ્લાદેશ T20 વર્લ્ડ કપ ટૂર્નામેન્ટમાંથી બહાર ફેંકાઈ ગયું છે.

સરકાર અને ખેલાડીઓનો એક જ સૂર

બાંગ્લાદેશના રમત સલાહકાર આસિફ નઝરૂલે ખેલાડીઓ સાથેની મહત્વપૂર્ણ બેઠક પછી ICC પર ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે જણાવ્યું કે, ICC ખેલાડીઓની સુરક્ષાની અવગણના કરી રહ્યું છે. સરકાર, ક્રિકેટ બોર્ડ અને ખેલાડીઓ ત્રણેયનો એક જ મત છે કે, ખેલાડીઓની સુરક્ષા સાથે કોઈ પણ સંજોગોમાં બાંધછોડ કરવામાં આવશે નહીં. આસિફ નઝરૂલે વધુમાં ઉમેર્યું કે, તેઓ કોઈના દબાણ સામે ઝૂકશે નહીં.

ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના સંબંધો

છેલ્લા કેટલાક સમયથી ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના રાજકીય સંબંધોમાં ખટાશ આવી છે. બાંગ્લાદેશમાં લઘુમતીઓ પર થયેલા અત્યાચારો અને ત્યારપછી મુસ્તફિઝુર રહેમાનનો IPL કરાર સમાપ્ત થવો, તેમજ બાંગ્લાદેશમાં IPL ના ટેલિકાસ્ટ પરનો પ્રતિબંધ - આ તમામ ઘટનાઓએ આગમાં ઘી હોમવાનું કામ કર્યું છે. આ પરિસ્થિતિને ટાંકીને BCB એ ભારતમાં રમવું અસુરક્ષિત ગણાવ્યું હતું.

ICC ની કડક કાર્યવાહી અને વોટિંગ

21 જાન્યુઆરીએ મળેલી ICC ની બેઠકમાં બાંગ્લાદેશનો પ્રસ્તાવ વોટિંગ માટે મૂકવામાં આવ્યો હતો. જેમાં 16 માંથી 14 દેશોએ ભારતની તરફેણમાં મતદાન કર્યું, જ્યારે માત્ર પાકિસ્તાન અને બાંગ્લાદેશે પ્રસ્તાવની વિરુદ્ધમાં તરફેણ કરી હતી. ICC એ સ્પષ્ટ કર્યું છે કે, ભારતમાં બાંગ્લાદેશી ખેલાડીઓ કે ચાહકો માટે કોઈ ખતરો નથી, તેથી ટૂર્નામેન્ટનું સ્થળ બદલવામાં આવશે નહીં.

બાંગ્લાદેશનું નિર્ધારિત શેડ્યૂલ (જે હવે રદ થશે)

જો બાંગ્લાદેશ રમ્યું હોત, તો તેનું શેડ્યૂલ નીચે મુજબ હતું:

તારીખ

હરીફ ટીમ

સમય

સ્ટેડિયમ

7 ફેબ્રુઆરી, 2026

વેસ્ટ ઈન્ડિઝ

બપોરે 3:00

ઈડન ગાર્ડન્સ (કોલકાતા)

9 ફેબ્રુઆરી, 2026

ઈટાલી

સવારે 11:00

ઈડન ગાર્ડન્સ (કોલકાતા)

14 ફેબ્રુઆરી, 2026

ઈંગ્લેન્ડ

બપોરે 3:00

ઈડન ગાર્ડન્સ (કોલકાતા)

17 ફેબ્રુઆરી, 2026

નેપાળ

સાંજે 7:00

વાનખેડે સ્ટેડિયમ (મુંબઈ)

કોને મળશે નવો મોકો?

બાંગ્લાદેશના આ બહિષ્કાર પછી હવે સ્કોટલેન્ડની ટીમ માટે લોટરી લાગી શકે તેમ છે. યુરોપિયન ક્વોલિફાયર્સમાં ક્વોલિફાય કરવામાં નિષ્ફળ રહેલી સ્કોટલેન્ડની ટીમ હવે બાંગ્લાદેશની જગ્યાએ T20 વર્લ્ડ કપ 2026 ની ટૂર્નામેન્ટમાં પ્રવેશ મેળવી શકે છે. જોકે, ICC દ્વારા હજુ આ અંગેની ઓફિશિયલ જાહેરાત કરી નથી, પરંતુ સમય ઓછો હોવાથી સ્કોટલેન્ડ સૌથી પ્રબળ દાવેદાર માનવામાં આવે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now