Home Sports Bangladesh Refuses To Play T20 World Cup In India Icc Gives Bcb 24 Hour Ultimatum

T20 World Cup 2026; બાંગ્લાદેશ પર બેનનું જોખમ! : બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડની જીદ પડી મોંઘી, ICC એ આપ્યું 24 કલાકનું અલ્ટીમેટમ!

T20 World Cup 2026; બાંગ્લાદેશ પર બેનનું જોખમ!
Published by: OBS Bureau
Last Updated: Jan 21, 2026, 01:18 PM IST

T20 World Cup 2026: આગામી T20 વર્લ્ડ કપ 2026 પહેલા ક્રિકેટ જગતમાં મોટો વિવાદ સર્જાયો છે. બાંગ્લાદેશ ક્રિકેટ ટીમ ભારત આવીને રમવા માટે સતત ઇનકાર કરી રહી છે, જેને કારણે હવે તેના પર ટૂર્નામેન્ટમાંથી બહાર થવાનું જોખમ તોળાઈ રહ્યું છે. આ મામલે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ અત્યંત કડક વલણ અપનાવીને બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB) ને છેલ્લી ચેતવણી આપી દીધી છે.

ICC નું કડક વલણ

બુધવારે યોજાયેલી ICC બોર્ડની મહત્વની બેઠકમાં બાંગ્લાદેશની ભારતની બહાર રમવાની દરખાસ્તને સ્પષ્ટપણે ફગાવી દેવામાં આવી છે. બાંગ્લાદેશ ઈચ્છતું હતું કે, તેની મેચો શ્રીલંકા ખસેડવામાં આવે, પરંતુ ICC એ તેમને સ્પષ્ટ કરી દીધું છે કે, જો રમવું હોય તો ભારત આવવું જ પડશે. હવે BCB પાસે પોતાની સરકાર સાથે ચર્ચા કરીને નિર્ણય જણાવવા માટે માત્ર 24 કલાકનો સમય છે.

વોટિંગમાં બાંગ્લાદેશની હાર

આ વિવાદ ઉકેલવા માટે ICC માં મતદાન કરવામાં આવ્યું હતું, જેમાં બાંગ્લાદેશને કારમી હારનો સામનો કરવો પડ્યો. કુલ 16 સભ્ય દેશોમાંથી 14 દેશોએ બાંગ્લાદેશની દરખાસ્ત વિરુદ્ધ મતદાન કર્યું હતું. નવાઈની વાત એ છે કે, માત્ર પાકિસ્તાને જ બાંગ્લાદેશનો સાથ આપ્યો હતો. બાકીના તમામ દેશો ભારતની સુરક્ષા વ્યવસ્થા અને આયોજનના પક્ષમાં જોવા મળ્યા હતા.

કોણ લેશે બાંગ્લાદેશનું સ્થાન?

જો આગામી 24 કલાકમાં બાંગ્લાદેશ ભારત આવવા માટે સંમતિ નહીં આપે, તો તેમને ટૂર્નામેન્ટમાંથી બાકાત કરી દેવામાં આવશે. રિપોર્ટ્સ મુજબ, બાંગ્લાદેશની જગ્યાએ સ્કોટલેન્ડ ને T20 વર્લ્ડ કપ 2026 માં સામેલ કરવામાં આવી શકે છે. વર્તમાન રેન્કિંગના આધારે સ્કોટલેન્ડ આ સ્થાન મેળવવા માટે પ્રથમ દાવેદાર છે.

વિવાદનું મૂળ કારણ

આ વિવાદની શરૂઆત IPL માંથી મુસ્તફિઝુર રહેમાનના કોન્ટ્રાક્ટ સમાપ્ત થયા બાદ થઈ હોવાનું માનવામાં આવે છે. ત્યારપછી BCB એ સુરક્ષા અને ખેલાડીઓની સલામતીના બહાના હેઠળ ભારત આવવાનો ઇનકાર કર્યો હતો. આ ઉપરાંત, બંને દેશો વચ્ચેના રાજદ્વારી તણાવને પણ આ જીદ પાછળનું એક કારણ ગણવામાં આવી રહ્યું છે.

ગ્રુપ બદલવાની નિષ્ફળ કોશિશ

બાંગ્લાદેશે છેલ્લી ઘડી સુધી પ્રયાસ કર્યો હતો કે, તેમને આયર્લેન્ડ સાથે રિપ્લેસ કરીને ગ્રુપ 'B' માં મૂકવામાં આવે, જેથી તેમની મેચો શ્રીલંકામાં રમાય. હાલમાં બાંગ્લાદેશ ગ્રુપ 'C' માં છે, જ્યાં તેની ત્રણ મેચ કોલકાતામાં અને એક મુંબઈમાં નિર્ધારિત છે. જોકે, ICC એ આ પ્રકારના કોઈ પણ ફેરફાર કરવાનો ઇનકાર કરી દીધો છે.

બાંગ્લાદેશનું શેડ્યુલ (જો તેઓ રમે તો):

તારીખ

હરીફ ટીમ

સમય

સ્ટેડિયમ

7 ફેબ્રુઆરી, 2026

વેસ્ટ ઈન્ડિઝ

બપોરે 3:00

ઈડન ગાર્ડન્સ (કોલકાતા)

9 ફેબ્રુઆરી, 2026

ઈટાલી

સવારે 11:00

ઈડન ગાર્ડન્સ (કોલકાતા)

14 ફેબ્રુઆરી, 2026

ઈંગ્લેન્ડ

બપોરે 3:00

ઈડન ગાર્ડન્સ (કોલકાતા)

17 ફેબ્રુઆરી, 2026

નેપાળ

સાંજે 7:00

વાનખેડે સ્ટેડિયમ (મુંબઈ)

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now