Suvendu Adhikari: પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીના અંગત સચિવ (PA) ચંદ્રનાથ રથની સનસનીખેજ હત્યાના પાંચ દિવસ બાદ તપાસ એજન્સીઓએ મોટી કાર્યવાહી કરી છે. બંગાળ STFએ બિહારના બક્સર અને ઉત્તર પ્રદેશના બલિયામાં દરોડા પાડીને ત્રણ શૂટરોને દબોચી લીધા છે. પકડાયેલા શંકાસ્પદોમાં મયંક મિશ્રા, વિકી મૌર્ય અને રાજ સિંહનો સમાવેશ થાય છે. આ તમામ આરોપીઓને કડક સુરક્ષા વચ્ચે કોલકાતા લાવવામાં આવ્યા છે, જ્યાં તેમની સઘન પૂછપરછ હાથ ધરવામાં આવશે.
90 મિનિટનું ડેથ પ્લાનિંગ: પ્રોફેશનલ શૂટરોએ ખેલ્યો લોહિયાળ ખેલ
પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે 42 વર્ષીય ચંદ્રનાથ રથની હત્યા પાછળ ખૂબ જ ઊંડું કાવતરું હતું. 6 મેના રોજ જ્યારે ચંદ્રનાથ કોલકાતાથી મધ્યમગ્રામ સ્થિત પોતાના ઘરે સ્કોર્પિયોમાં પરત ફરી રહ્યા હતા, ત્યારે રાત્રે 9:58 વાગ્યે સીસીટીવીમાં એક શંકાસ્પદ કાર અને બે બાઇક તેમનો પીછો કરતી જોવા મળી હતી. રાત્રે 10:30 વાગ્યાની આસપાસ દોહરિયા જંકશન પાસે હુમલાખોરોએ ફિલ્મી ઢબે તેમની કાર રોકી હતી. સ્કોર્પિયો ઉભી રહેતા જ બાઇક સવાર શૂટરોએ બારીમાંથી અંધાધૂંધ 6 થી 10 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. ચંદ્રનાથને છાતી અને પેટના ભાગે ત્રણ ગોળીઓ વાગતા તેમનું કરુણ મોત નીપજ્યું હતું.
હત્યામાં વપરાયા અત્યાધુનિક હથિયારો અને નકલી નંબર પ્લેટ
ઘટનાસ્થળેથી મળી આવેલી પુરાવાઓ ચોંકાવનારા છે. હુમલાખોરોએ આ હત્યા માટે અત્યાધુનિક 'ગ્લોક 47X' પિસ્તોલનો ઉપયોગ કર્યો હતો, જે સામાન્ય રીતે પ્રોફેશનલ ગેંગસ્ટરો પાસે જોવા મળે છે. ગુનેગારોએ જે કારનો ઉપયોગ કર્યો હતો તેની નંબર પ્લેટ નકલી હતી અને એન્જિન-ચેસિસ નંબર પણ ભૂંસી નાખવામાં આવ્યા હતા જેથી પોલીસને ગેરમાર્ગે દોરી શકાય.
કોણ હતા ચંદ્રનાથ રથ? સુવેન્દુ અધિકારીના હતા 'જમણો હાથ'
ચંદ્રનાથ રથ માત્ર એક પીએ નહોતા, પરંતુ સુવેન્દુ અધિકારીના સૌથી વિશ્વાસુ સાથી હતા.
ભૂતપૂર્વ એરફોર્સ ઓફિસર: ચંદ્રનાથે ભારતીય વાયુસેનામાં સેવા આપી હતી અને નિવૃત્તિ બાદ તેઓ કોર્પોરેટ જગત છોડી રાજકારણમાં આવ્યા હતા.
ચૂંટણી રણનીતિકાર: ભવાનીપુરની હાઈ-વોલ્ટેજ બેઠક પર જ્યાં સુવેન્દુ અધિકારીએ મમતા બેનર્જીને હરાવ્યા, તે આખા અભિયાનનું મેનેજમેન્ટ ચંદ્રનાથના હાથમાં હતું.
વફાદારી: વર્ષ 2019થી તેઓ સતત સુવેન્દુ સાથે હતા. જ્યારે સુવેન્દુએ TMC છોડીને ભાજપનો કેસરિયો ધારણ કર્યો, ત્યારે ચંદ્રનાથ અને તેમની માતા (જેઓ પંચાયત સમિતિના સભ્ય હતા) પણ તેમની સાથે ભાજપમાં જોડાયા હતા.
સોપારી કિલિંગ કે રાજકીય અદાવત?
પોલીસ હાલમાં એ દિશામાં તપાસ કરી રહી છે કે આ હત્યા પાછળનો અસલી માસ્ટરમાઇન્ડ કોણ છે. જે રીતે પ્રોફેશનલ શૂટરોને હાયર કરવામાં આવ્યા હતા, તેનાથી સ્પષ્ટ થાય છે કે આ કોઈ અંગત અદાવત નહીં પણ મોટા ગજાનું 'કોન્ટ્રાક્ટ કિલિંગ' હોઈ શકે છે. બક્સર અને બલિયાના પોલીસ અધિકારીઓ હાલ આ મામલે મૌન સેવી રહ્યા છે, પરંતુ આગામી દિવસોમાં મોટા નામો સામે આવવાની શક્યતા નકારી શકાતી નથી.





