Home International Balochistan Bla Attack Pakistan Army Clash Operation Herof

બલૂચિસ્તાન રણમેદાનમાં ફેરવાયું : BLAના ઓપરેશન હેરોફ હેઠળ 11 શહેરો પર આક્રમણ અને 27 જવાનોના મોત

બલૂચિસ્તાન રણમેદાનમાં ફેરવાયું
Published by: OBS Bureau
Last Updated: Jan 31, 2026, 03:16 PM IST

બલૂચિસ્તાન પ્રાંતમાં ફરી એકવાર હિંસાનો ભયાનક દોર શરૂ થયો છે. બલૂચ લિબરેશન આર્મી દ્વારા પાકિસ્તાની સુરક્ષા દળો અને સરકારી સંસ્થાઓ વિરુદ્ધ અત્યાર સુધીનો સૌથી મોટો મોરચો ખોલવામાં આવ્યો છે. ગત 10 કલાકથી ચાલી રહેલા આ લોહિયાળ સંઘર્ષમાં પાકિસ્તાની સેનાના 12 જવાનો અને 15 પોલીસકર્મીઓ સહિત કુલ 27 સુરક્ષાકર્મીઓએ જીવ ગુમાવ્યા હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે. આ ઓપરેશનને વિદ્રોહી સંગઠને ઓપરેશન હેરોફ 2.0 નામ આપ્યું છે.

11 શહેરોમાં એકસાથે હુમલા અને કબજો

બલૂચ લડવૈયાઓએ રણનીતિક રીતે પ્રાંતના 11 મુખ્ય શહેરોને નિશાન બનાવ્યા છે. જેમાં ક્વેટા, ગ્વાદર, કલાટ અને પંજગુર જેવા સંવેદનશીલ વિસ્તારોનો સમાવેશ થાય છે. વિદ્રોહીઓએ માત્ર સૈન્ય મથકો જ નહીં પરંતુ ISI ની ઓફિસો, પોલીસ સ્ટેશનો અને બેંકો પર પણ હુમલા કર્યા છે. ક્વેટામાં સુરક્ષા વ્યવસ્થાના ધજાગરા ઉડાવતા લડવૈયાઓએ એક બેંકમાંથી 38 લાખ રૂપિયાની લૂંટ ચલાવી તેને આગને હવાલે કરી દીધી હતી. આ ઉપરાંત યુનિવર્સિટી અને મેડિકલ કોલેજ પાસે તૈનાત સૈનિકો પર રોકેટ લોન્ચર વડે હુમલો કરવામાં આવ્યો હતો.

ગ્વાદરમાં ભીષણ જંગ અને ડ્રોન સ્ટ્રાઈક

ચીનના રોકાણ માટે મહત્વના ગણાતા ગ્વાદરમાં સ્થિતિ અત્યંત ગંભીર છે. અહીં પાકિસ્તાની આર્મીના બેઝ પર થયેલા હુમલામાં ભારે જાનહાનિના સમાચાર છે. સામે પક્ષે પાકિસ્તાની સેનાએ દાવો કર્યો છે કે તેમણે અત્યાર સુધીમાં BLA ના 57 લડવૈયાઓને ઠાર કર્યા છે. સ્થિતિને કાબૂમાં લેવા માટે પાકિસ્તાની વાયુસેના દ્વારા ડ્રોન સ્ટ્રાઈકનો સહારો લેવામાં આવી રહ્યો છે. ખાસ કરીને પશની અને નોશ્કી વિસ્તારમાં ડ્રોન દ્વારા નિશાન સાધવામાં આવી રહ્યું છે.

ઉચ્ચ અધિકારીઓને બંધક બનાવ્યા

આ હિંસાની વચ્ચે BLA એ નોશ્કીના ડેપ્યુટી કમિશનર મોહમ્મદ હુસૈન સહિત અનેક સરકારી અધિકારીઓનું અપહરણ કરી તેમને બંધક બનાવ્યા છે. આ સિવાય કાઉન્ટર ટેરરિઝમ ડિપાર્ટમેન્ટના મુખ્યાલય પર પણ વિદ્રોહીઓએ નિયંત્રણ મેળવી લીધું હોવાના દાવા કરવામાં આવ્યા છે. સુરક્ષાના કારણોસર ક્વેટા તરફ જતી તમામ ટ્રેનો રદ કરવામાં આવી છે અને હાઈવે પર વાહનવ્યવહાર સંપૂર્ણપણે ઠપ થઈ ગયો છે.

પાકિસ્તાનના આર્થિક સપના રોળાયા

આ હુમલા પાકિસ્તાનના વડાપ્રધાન શહેબાઝ શરીફના વિદેશી રોકાણ લાવવાના પ્રયાસો માટે મોટો ફટકો સાબિત થઈ શકે તેમ છે. અમેરિકા અને અન્ય પશ્ચિમી દેશો બલૂચિસ્તાનની ખાણોમાં રોકાણ કરવા માટે સુરક્ષાની સમીક્ષા કરી રહ્યા હતા. ખાસ કરીને Reko Diq પ્રોજેક્ટમાં Donald Trump અને અમેરિકી સરકારના રસ બાદ આ પ્રકારનો મોટો હુમલો રોકાણકારોના આત્મવિશ્વાસને તોડી શકે તેમ છે. આ આખા ઓપરેશનનું નેતૃત્વ કમાન્ડર Bashir Zeb Baloch કરી રહ્યો હોવાનું માનવામાં આવે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now