Home National Ayodhya Ram Temple New Rules Dress Code Donation Counting

અયોધ્યા રામ મંદિરમાં લાગુ થયા નવા કડક નિયમો : ડ્રેસ કોડથી લઈને કાઉન્ટિંગ સુધી, જાણો શું બદલાયું

Ayodhya Ram Temple New Rules
Image Credit: pinterest
Published by: Nirali Gohil
Last Updated: Jul 04, 2026, 08:34 AM IST

Ayodhya Ram Temple New Rules: અયોધ્યાના ભવ્ય શ્રીરામ મંદિરને લઈને તાજેતરમાં સામે આવેલા દાનની કથિત ગેરરીતિના મામલા બાદ મંદિર ટ્રસ્ટે સુરક્ષા અને પારદર્શિતાને વધુ મજબૂત બનાવવા માટે અનેક મહત્વપૂર્ણ ફેરફારો કર્યા છે. હવે મંદિરના ચઢાવાની ગણતરીથી લઈને કર્મચારીઓના ડ્રેસ કોડ અને કાઉન્ટિંગ હોલમાં પ્રવેશ સુધીના નિયમો વધુ કડક બનાવવામાં આવ્યા છે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા અમલમાં મૂકાયેલા નવા નિયમોનો મુખ્ય હેતુ દાનની રકમની ગણતરી દરમિયાન કોઈપણ પ્રકારની ગેરરીતિની શક્યતાઓને સંપૂર્ણપણે નાબૂદ કરવાનો છે. ટ્રસ્ટનું માનવું છે કે, કરોડો શ્રદ્ધાળુઓની આસ્થા સાથે જોડાયેલા મંદિરની વ્યવસ્થામાં પારદર્શિતા જાળવવી સર્વોચ્ચ પ્રાથમિકતા છે.

હવે બે તબક્કાની સુરક્ષા તપાસ બાદ જ મળશે પ્રવેશ

નવી વ્યવસ્થા મુજબ દાનની ગણતરી માટે નિર્ધારિત કાઉન્ટિંગ હોલમાં પ્રવેશ કરતા પહેલાં દરેક કર્મચારીને બે તબક્કાની સુરક્ષા તપાસમાંથી પસાર થવું ફરજિયાત રહેશે. સૂત્રોના જણાવ્યા મુજબ, માત્ર પૂર્વ મંજૂરી પ્રાપ્ત અને સત્તાવાર રીતે ચકાસાયેલા કર્મચારીઓને જ કાઉન્ટિંગ હોલમાં પ્રવેશ આપવામાં આવશે. આ ઉપરાંત સંવેદનશીલ વિસ્તારોમાં આવનજાવન પર પણ વધુ કડક નિયંત્રણ મૂકવામાં આવ્યું છે.

કર્મચારીઓ માટે 'નો પોકેટ' ડ્રેસ કોડ લાગુ

ટ્રસ્ટ દ્વારા કર્મચારીઓ માટે ખાસ ડ્રેસ કોડ પણ અમલમાં મૂકવામાં આવ્યો છે. હવે દાનની ગણતરીમાં સામેલ તમામ કર્મચારીઓને ખિસ્સા વગરના ડાર્ક બ્લૂ રંગના યુનિફોર્મમાં ફરજ બજાવવી પડશે. ટ્રસ્ટનું માનવું છે કે, ખિસ્સા વિનાના યુનિફોર્મથી કોઈપણ પ્રકારની ગેરરીતિ અથવા શંકાસ્પદ પ્રવૃત્તિની શક્યતા ઓછી થઈ શકે છે. આ નિયમને સુરક્ષા વ્યવસ્થાના ભાગરૂપે જોવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચો: અયોધ્યાના રામ મંદિર બાદ હવે કેદારનાથ-બદ્રીનાથ ધામમાં દાન ચોરીનો આરોપ : ગેરરીતિના આક્ષેપો બાદ તપાસના આદેશ

હવે જમીન પર બેસીને થશે દાનની ગણતરી

મંદિર ટ્રસ્ટે દાનની ગણતરીની પ્રક્રિયામાં પણ મહત્વપૂર્ણ ફેરફાર કર્યો છે. અગાઉ ટેબલ અને ખુરશી પર બેસીને કરવામાં આવતી ગણતરી હવે જમીન પર બેસીને કરવામાં આવશે. ટ્રસ્ટના સૂત્રો અનુસાર આ પગલું વધુ પારદર્શક અને નિયંત્રિત વાતાવરણ સુનિશ્ચિત કરવા માટે લેવામાં આવ્યું છે.

મોબાઇલ, કેમેરા અને બેગ પર સંપૂર્ણ પ્રતિબંધ

નવા નિયમો મુજબ કાઉન્ટિંગ હોલમાં મોબાઇલ ફોન, કેમેરા, બેગ તથા અન્ય વ્યક્તિગત સામાન લઈ જવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ ઉપરાંત કર્મચારીઓને હોલમાં પ્રવેશતા પહેલાં જૂતાં અને ચપ્પલ પણ બહાર ઉતારવા પડશે. ટ્રસ્ટનું કહેવું છે કે આ વ્યવસ્થા સુરક્ષા વધારવા અને કાઉન્ટિંગ પ્રક્રિયાને વધુ પારદર્શક બનાવવા માટે અમલમાં મુકાઈ છે.

દાન વિવાદ વચ્ચે તપાસ ચાલુ

આ દરમિયાન દાનની કથિત ગેરરીતિના કેસમાં તપાસ પણ આગળ વધી રહી છે. તપાસ એજન્સીઓ દ્વારા વિવિધ દસ્તાવેજો, બેંકિંગ વિગતો અને સંબંધિત વ્યક્તિઓની પૂછપરછ કરવામાં આવી રહી છે. માહિતી મુજબ, આરોપી અનુકલ્પ મિશ્રાને મંદિરના કાર્યક્રમો દરમિયાન 'વ્યવસ્થા કાર્યકર્તા' તરીકે પ્રવેશ પાસ આપવામાં આવતો હતો અને તે દાનની ગણતરીની પ્રક્રિયા સાથે પણ સંકળાયેલો હોવાનું કહેવાય છે. જોકે સમગ્ર મામલે તપાસ હજુ ચાલુ છે અને અંતિમ અહેવાલ બાદ જ હકીકત સ્પષ્ટ થઈ શકશે.

આ પણ વાંચો: 'સનાતન ધર્મ સંરક્ષણ સમિતિની રચના' : અયોધ્યા રામ મંદિર વિવાદ વચ્ચે શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીજીનું નિવેદન

'મંદિરમાં ગુનો કરનારાને કડક સજા મળવી જોઈએ'

શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના સભ્ય મહંત દિનેન્દ્ર દાસ મહારાજે આ મામલે કડક વલણ વ્યક્ત કરતાં જણાવ્યું કે ભગવાનના મંદિરમાં કોઈપણ પ્રકારની ગેરરીતિ અસ્વીકાર્ય છે. તેમણે કહ્યું કે, જો કોઈ વ્યક્તિ દોષિત સાબિત થાય તો તેને કડકમાં કડક સજા મળવી જોઈએ, જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓ ફરી ન બને અને ભક્તોની આસ્થા પર કોઈ અસર ન પડે.

દાનની આવકમાં વધારો, તપાસ એજન્સીઓની નજર

તપાસ દરમિયાન મળેલી માહિતી મુજબ અગાઉ મંદિરના બેંક ખાતાઓમાં દરરોજ અંદાજે 16થી 18 લાખ રૂપિયાનું દાન જમા થતું હતું, જ્યારે વિવાદ સામે આવ્યા બાદ આ રકમ વધીને 24થી 26 લાખ રૂપિયા સુધી પહોંચી હોવાનું કહેવાય છે. તપાસ અધિકારીઓ હવે આ તફાવતના કારણો શોધી રહ્યા છે અને સમગ્ર મામલે વિગતવાર તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now